- શું છે હોલમાર્ક ? કઈ ધાતુ માટે છે હોલમાર્ક ફરજિયાત ? હોલમાર્ક કરવાની કેટલી છે ફી ? શોરૂમમાં જઈને શું ચકાસવું? બીઆઈએસની વેબસાઈટ પરથી શું જાણવા મળશે?
- ‘અબતક’ દ્વારા હોલમાર્ક અંગે જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનનાં મોભીઓ સાથે વિશેષ વાતચીત
દેશી પંચાગ મુજબ વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષયતૃતીયા, દેશીબોલી મુજબ અખાત્રીજ આ એવો શુભ દિવસ હોય છે ત્યારે કોઈપણ શુભકાર્ય મૂહૂર્ત જોયા વિના થઈ શકે અને અખાત્રીજે સોનું-ચાંદી ખરીદવું શુકનમાં ગણાય છે એટલે જવેલર્સને ત્યાં પણ આ દિવસે તડાકો હોય છે.
અગાઉ તો ફેમિલી ડોકટરની જેમ ફેમિલી સોની હતા જેમના પર વિશ્ર્વાસ જ હોય ને પેઢી દર પેઢી લોકો એમના ફેમિલી સોની પાસેથી જ ઘરેણાં ખરીદતા પણ સમય જતાં એ પરંપરામાં પરિવર્તન આવ્યું ને મોટા શહેરોમાં બ્રાન્ડેડ જવેલરી અને મોટા પ્લેયર્સનાં જવેલરી શો રૂમ ખૂલી ગયા જયાં આંખની ઓળખાણ નહી પણ સોના-ચાંદીની શુધ્ધતા મુખ્ય હોય છે.
ગ્રાહક છેતરાય નહીં, જેટલાં નાણાં ખર્ચે એનું પૂરતું વળતર મળે એ માટે કેન્દ્ર સરકારે કિંમતી ધાતુની શુધ્ધતા નકકી કરવા ‘હોલ માર્ક’ સીસ્ટમ ફરજિયાત કરી. મોટા શહેરોમાં મોટા શોરૂમ તો હોલમાર્ક વાળા જ દાગીના વેંચે છે. પણ નાનાં શહેરોને શું ? ત્યાં પણ હોલમાર્કવાળી જ ચીજ વેંચાય છે કે કેમ? અરે હોલમાર્ક વિશે ગ્રાહકો જ ખાસ કાંઈ જાણતા નથી ત્યારે ‘અબતક’ લોક જાગૃતિ માટે રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનનાં પ્રમુખ, બોડ મેમ્બર, શોરૂમ, સંચાલકો, ગ્રાહકો સાથે વાતો કરી, વિગતો મેળવી જેના અંશો અહીં રજૂ કરાયા છે.
દાગીનાની જોડીમાં દરેક પીસનું હોલમાર્કિંગ થવું જરૂરી
દાગીના જોડીમાં હોય તો દરેક પીસનું હોલમાર્કિંગ થવું જરૂરી છે? એવું પુછતાં રમેશભાઈએ જણાવ્યુંં કે હા જરૂરી છે. નેકલેસમાં બૂટીની જોડી આવે છે તો ત્રણેય પીસનું હોલમાર્ક થયેલું હોવું જોઈએ એક કે બે પીસનું હોલમાર્ક હોય તે ન ચાલે. એક મોટો દાગીનો હોય અને તેના જાુદા જાુદા ભાગ હોયતો એ બધાનું હોલમાર્ક થવું જોઈએ.
જવેલરી શુધ્ધ જ છે એ કેમ ખબર પડે?
હોલામાર્કવાળી જવેલરી શુધ્ધ જ છે એની માહિતી મેળવવા શું કરવું? એવું પુછતા રમેશભાઈએ જણાવ્યું કે ક્ધઝયુમર અફેર્સ મિનિસ્ટ્રીએ હોલમાર્ક ફરજિયાત કર્યું છે. એટલે જેતે જવેલરી શુધ્ધ જ હોય છે છતાં કોઈને પણ શંકા પડે તો ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરી શકાય અથવા બીઆઈ એસ ની વેબસાઈટમાં એનું રીચેકીંગ કરાવી શકાય.
સોનાનું જ હોલમાર્કિંગ ફરજિયાત છે, બાકીની ધાતુનું મરજિયાત
ભારતમાં કઈ કઈ ધાતુનું હોલમાર્કિંગ થાય છે. એવું પુછતાં રમેશભાઈએ કહ્યું કે જે કિંમતી ધાતુ છે એ હોલ માર્કિંગના દાયરામાં આવે છે જેમકે સોનું, ચાંદી, પ્લેટીનમ અને પેલેડિયમ પણ હાલ સરકારે માત્ર સોનાને જ હોલમાર્ક માટે ફરજિયાત કર્યું છે.બાકી ચાંદી માટે મરજિયાત છે. કોઈ ગ્રાહક ચાંદીનું હોલમાર્ક કરવા ઈચ્છે તો કરાવી શકે છે પણ ફરજિયાત તો માત્ર સોનાનાં ધરેણા જ છે એ વાત લોકોને ખબર હોવી જરૂરી છે.
સોનાના દાગીના દીઠ હોલ માર્કિંગ ફી રૂ.45 અને GST અલગ લેવાય છે
લોકોને એ ખબર નથી હોતી કે દાગીનાનું હોલમાર્કિંગ કરાવવું હોય તો એના વજનને આધારે ફી નકકી થાય છે કે સંખ્યાને આધારે? રમેશભાઈએ એની ચોખવટ કરતાં જણાવ્યું કે હોલમાર્કની ફીને વજન સાથે સંબંધ નથી, સંખ્યાને આધારે જ ફી લેવાય છે, તેમાં એક દાગીનાની ફી રૂ.45 અને જીએસટીઅલગ એ રીતે દાગીના દીઠ ફી લેવાય છે. તેમણે કહ્યું કે ચાંદીના દાગીનાનું હોલ માર્ક ફરજિયાત નથી એટલે જયારે ફરજિયાત થશે ત્યારે એની ફી નકકી થશે.
હોલમાર્ક એટલે સોનાની શુધ્ધતાનું પ્રમાણ
રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના બોર્ડ મેમ્બર અને હોલમાર્ક વિશે ગહન જ્ઞાન ધરાવતા રમેશભાઈ લોલારિયાને પૂછયું કે સાવ સામાન્ય માણસને ખબર નથી કે હોલમાર્ક એટલે શું ? તો તેમણે કહ્યું કે હોલમાર્ક સોનાની શુધ્ધતાની નિશાની છે. દાગીનામાં સોનાનો ક્ધટેન્ટ કેટલો છે તે હોલમાર્કથી ખબર પડે છે.સરકારે હોલમાર્ક ફરજિયાત કરીને ગ્રાહકને સુરક્ષિત કર્યો છે. સોનાની શુધ્ધતાની સ્યોરિટી હોલમાર્કથી નકકી થઈ શકે છે. આમ તો હવે લાકે શિક્ષીત થઈ ગયા છે છતાં દરેક ગ્રાહકે હોલમાર્ક વિશે જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. જેથી કયારેય છેતરાવાનો વારો આવે જ નહી એવું તેમણે કહ્યું.
હોલમાર્કનું બિલ ન હોય તો કલેઈમ માન્ય ન રહે
હોલમાર્કવાળી જવેલરી ખરીદનાર ગ્રાહકને હોલમાર્ક થયાનું બિલ આપવું જરૂરી છે? એવા સવાલના જવાબમાં કહ્યું કે હા બિલ આપવું જ પડે. જો જવેલર્સ બિલ ન આપે તો માગી લેવું કેમકે બિલ વિના ગ્રાહકનો કલેઈમ માન્ય નહી જ રહે !
ગ્રાહકોએ જવેલરી શો રૂમમાં જઈ આટલી વસ્તુઓ ચકાસવી
કોઈ ગ્રાહક શોરૂમમાં દાગીના ખરીદવા જાય તો તેમણે શું જોવું? કઈ વસ્તુનો ખ્યાલ રાખવો? એવું પુછતાં રમેશભાઈ લોલારિયાએ જણાવ્યું કે શો રૂમમાં બીઆઈએસનું સર્ટિફિકેટ વિથ લોગો હોવું જરૂરી છે. ગ્રાહકને દેખાય એમ રાખવું પડે. ગ્રાહક શો રૂમના જવાબદાર વ્યકિતને પૂછી પણ શકે કે બીઆઈએસ સર્ટિફિકેટ કયાં? ગ્રામ સોનું કેટલા કેરેટનું છે તે જોવું જરૂરી અને છ આંકડાનો એસયુઆઈડી પણ જોવો પડે પછી જ કોઈપણ દાગીનો ખરીદવો. આ બધી ચકાસણી કરવાથી છેતરાવાની શકયતા રહેતી નથી.
અખાત્રીજે શુકનનું સોનું ખરીદવા લોકો ઉમટી પડશે: જગદીશભાઈ ઝીંઝુવાડીયા
અખાત્રીજ વણજોયું શુભમૂહૂર્ત ગણાય છે આ દિવસે જવેલરી ખરીદી માટે શુકનવંતો ગણાય છે. આપણી પરંપરા મુજબ આપણે અખાત્રીજે સોનું ખરીદતાં હોઈએ છીએ. આ વખતે પણ એવી મને ખાતરી છે એવું રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ઝીંઝુવાડીયા એ જણાવ્યું છે.
અમે હોલમાર્કવાળી જ જવેલરી વેંચીએ છીએ, લોકો પણ એજ માગે છે: મુકેશભાઈ વિઠ્ઠલાણી (રાધિકા જવેલર્સ)
રાધિકા જવેલર્સનાં મુકેશભાઈ વિઠ્ઠલાણીએ કહ્યું કે અમે તો હોલમાર્ક વગરનાં દાગીના વેંચતા જ નથી. લોકો હવે જાગૃત થઈ ગયા છે, તેઓ આવીને તરત જ પૂછે છે કે આ દાગીના હોલમાર્કવાળા જ છે ને?
અમે પણ એમ જ ગ્રાહકોને સમજાવીએ છીએ કે તમે પૂરતાં નાણાં ખર્ચો છો તો તમને શુધ્ધ વસ્તુ જ મળવી જોઈએ. હોલમાર્ક શુધ્ધતાની ખાતરી આપે છે.જૂનાં દાગીનામા હોલમાર્ક ન હોય એ સમજી શકાય કેમકે હોલમાર્કનો નિયમ છેલ્લાં 15-17 વર્ષથી આવ્યો છેને ગત વર્ષથી ફરજિયાત થયો પણ એનો અર્થ એ નથી કે જાૂના દાગીના-હોલમાર્ક વગરનાં દાગીના અશુધ્ધ હોય. એનું પણ વેલ્યુએશન થઈ શકે છે. એના પણ સારા ભાવ આવી શકે છે.
સોનું ખરીદતા પહેલા સર્ટિફાઇડ છે કે નહીં તેની ખરાઇ કરીએ :ગ્રાહક
શિલ્પા જ્વેલર્સના ગ્રાહકએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સોનાની ખરીદી વખતે શોરૂમમાં પગ મુકતા પહેલા અમારા મનમાં પહેલો વિચાર સર્ટિફાઇડ સોનું ખરીદવાનો હોય છે. હોલમાર્ક વાળું સોનુ પ્યોરિટી વાળું આવે છે.સોના પરની વિશ્વસનીયતા જળવાઇ રહે તે માટે હોલમાર્ક વાળી જ જ્વેલરીની અમે ખરીદી કરતા હોઈએ છીએ.
હોલમાર્કવાળી જવેલરી વેંચતી વખતે પણ પૂરતા ભાવ મળે છે: પરિબેન બદાણી (ગ્રાહક)
પરિબેન બદાણી નામનાં ગ્રાહકે ‘અબતક’ને જણાવ્યું કે સોનાનાં આભૂષણો પર નિયમ મુજબ હોલમાર્ક હોવો જરૂરી છે. ગ્રાહકોએ હોલમાર્કવાળી જ જવેલરી ખરીદવી જોઈએ, કેમકે સોનાની શુધ્ધતાની ખાતરી હોલમાર્ક આપે છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે હોલમાર્ક વાળી જવેલરી વેંચવામાં પણ સરળતા રહે છે. એટલે બે રીતે ફાયદો થાય, ખરીદતી વખતે શુધ્ધ સોનું મળે ને વેંચતી વખતે પૂરતા ભાવ આવે.
અમે તો હોલ માર્કવાળાં જ ધરેણાં ખરીદીએ છીએ: મયુરભાઈ રાબડિયા (ગ્રાહક)
રાધિકા જવેલર્સમાં પરિવાર સાથે જવેલરી ખરીદવા આવેલા મયુરભાઈ રાબડિયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે હોલમાર્કવાળી જવેલરીમાં છેતરાવાનો ભય રહેતો નથી માટે અમે તો હોલમાર્કવાળા ધરેણાં જ ખરીદીએ છીએ. હવે લોકોમાં પણ જાગૃતિ આવી ગઈ છેકે સૌ હોલમાર્કવાળી જ જવેલરી ખરીદવાનો આગ્રહ રાખવા લાગ્યા છે. જયારે હોલમાર્કની વ્યવસ્થા નહોતી ત્યારે તો ઠીક છે આપણે જવેલર પર વિશ્ર્વાસ રાખીને ખરીદી કરવી પડતી પણ હવે તો સરકારે જ ફરજિયાત કર્યું છે તો લોકોએ પણ ધ્યાન રાખવું જરૂરી છે.
ગ્રાહકોમાં હોલમાર્કની જાગૃતિ વધી: હર્ષિતભાઈ (જેપી જ્વેલર્સ)
જેપી જ્વેલર્સના ઓનર હર્ષિતભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રિયલ ડાયમન્ડથી લઇ 22 અને 24 કેરેટની તમામ જ્વેલરીમાં હોલમાર્ક ફરજિયાત છે.20થી 25 વર્ષ પહેલાં જ્યારે હોલમાર્ક ન હતું ત્યારે જ્વેલરી શોરૂમ વાળા તેમના દુકાનનો માર્ક તેમજ કેડીએમનો માર્ક મારતા હતા. ગ્રાહકો પણ જેવલરીમાં હોલમાર્ક ની ચકાસણી કરે છે. અમે એ જ આગ્રહ કહીએ છીએ કે તમે જ્યારે પણ ખરીદી કરો ત્યારે તમારી જ્વેલરીમાં બીઆઈએસ હોલમાર્કની ચકાસણી જરૂર કરવી.
હોલમાર્કથી ગ્રાહકોની સોના પર વિશ્ર્વસનીયતા જળવાઇ રહે : શિવમ પારેખ (શિલ્પા જ્વેલર્સ)
શિલ્પા જ્વેલર્સના ઓનર શિવમભાઈ પારેખએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,સોનાના શુદ્ધતાની ખરાઇ હોલમાર્કથી કરવામાં આવે છે. ગ્રાહકો હોલમાર્ક વાળી જ્વેલરી ખરીદી કરી તેમની સોના પરની વિશ્વસનિયતા જળવાઈ રહે છે.અમે અમારા માનવંતા ગ્રાહકોને હોલમાર્ક વિશે જાગૃત હરહંમેશ કરતા રહી છી. આજકાલ ગૂગલ પરથી હોલમાર્ક વિષેની માહીતી આસાની થી ગ્રાહકોને મળી રહે છે.
BISની વેબસાઈટ પર મળશે આટલી વિગતો…
કોઈ જવેલર્સ બીઆઈએસ રજિસ્ટર્ડ છે કે કેમ એનું લિસ્ટ અને હોલમાર્ક સેન્ટરો કયાં કયાં છે. એનું લિસ્ટ કયાં જોવા મળે? એવા સવાલના જવાબમાં રમેશભાઈએ કહ્યું કે બીઆઈએસની વેબસાઈટ પર આ બધી જ માહિતી મળી રહે છે. માટે ગ્રાહકોએ આ વેબસાઈટની મુલાકાત લઈ પોતાના મનનું સમાધાન કરવું.
સોનાની શુધ્ધતા ચકાસવાના ત્રણ પરિમાણો કયા?
- દાગીના પર બીઆઈએસનો સ્ટાંડર્ડ માર્ક હોવો જરૂરી
- પ્યોરિટી/ફાઈનનેસ ગ્રેડ હોવો આવશ્યક
- આંકડાનો આલ્ફાન્યૂમેરિક કોડ જરૂરી
જવેલરી પરના કયા આંકડા શું સૂચવે છે?
– 22કે916 લખેલું હોય તો 91.6% સોનું છે એમ સમજવું.
– 18કે750 લખેલું હોય તો 75% સોનું હોવાની ખાતરી આપે છે. 14કે585 લખેલું હોય તો 58.5% સોનું છે એમ જાણવું.