- પગલાઓ ન્યાય અપાવવા ઓછા લેવાય છે, માત્ર આબરૂ બચાવવા વધુ લેવાય છે
ગુજરાત એક પછી એક દુર્ઘટનાઓનું સાક્ષી બન્યું છે. પહેલા સુરતનું તક્ષશિલા, પછી મોરબીનો ઝૂલતો પુલ અને ત્યારબાદ વડોદરાની હરણી દુર્ઘટના આ તમામ દુર્ઘટના પછી પણ સ્થિતિ જૈસે થે વૈસે હી રહી છે. તંત્રમાં પ્રજા પ્રત્યે કોઈ હમદર્દી જાગી હોય તેવુ લાગતું નથી. કારણકે દરેક દુર્ઘટના બાદ ગંભીરતા માંડ 15થી 20 દિવસ વધીને 1 મહિનો રહી છે. ત્યારબાદ બેદરકારીઓ પુન:શરૂ થઈ જાય છે.
ગુજરાત રાજ્યમાં કયા પક્ષની સરકાર છે એ મહત્ત્વનું નથી. હાલના શાસક પક્ષે પુરવાર કર્યું છે કે અગાઉના શાસક પક્ષ કરતાં પોતે જરાય જુદો નથી. મોરબી પુલ હોનારત હોય કે અમદાવાદના કાંકરિયા મનોરંજન પાર્કની રાઇડની દુર્ઘટના હોય કે સૂરત, રાજકોટ અને અમદાવાદના ફ્લાયઓવર પુલોની દુર્દશા હોય.. દર વખતે હોનારત કે દુર્ઘટના પછી લીંપાલીંપણ કરવામાં આવે છે. દેખાડો તો એવો કરાય છે કે સંબંધિત ઠેકેદારને આકરી સજા થશે. કાશ, એવું થતું હોત. તંત્ર એમ માને છે કે થોડા દિવસ પછી લોકો બધું ભૂલી જશે.
રાજકોટની ગેમઝોન આગ દુર્ઘટનામાં મોતનું તાંડવ થયું છે. ત્યારે સરકારે પણ દર વખતની જેમ એલર્ટ થઈને તુરંત સીટની રચના કરી દીધી છે. દર વખતની જેમ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધી છે. આ બધું કેમ ઘટના ઘટયા બાદ જ થાય છે. ક્યારેક ઓચિંતી કેમ કોઈ ઝુંબેશો ચલાવવામાં આવતી નથી.
જ્યારે જ્યારે કોઇ દુર્ઘટના બને ત્યારે થોડા દિવસ હો-હા થાય છે. પછી ફરી હતા ત્યાંના ત્યાં જેવો ઘાટ થાય છે. શરૂઆતની બે-ત્રણ દુર્ઘટના બાદ હજુ લોકો જાગૃત ન હતા તેવું દેખાઈ આવ્યું હતું. પણ રાજકોટની દુર્ઘટના બાદ હવે જનઆક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. સરકાર પણ આ બાબત જાણી ગઈ છે એટલે આકરા પગલાં લેવા કવાયત કરી છે. પણ વાત એટલી જ છે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા માર્યે શુ થવાનું છે. જરૂર છે આગમચેતીના પગલાં લેવામાં આવે.
હજુ પણ અનેક એવી દુર્ઘટના છે જે સર્જવાની ભીતિ છે જો તંત્રમાં જરા પણ માનવતા બચી હોય તો તેની ઝુંબેશ શરૂ કરે. અત્યારે માત્ર તમામ શહેરોમાં ફાયર એનઓસી ચેક કર્યે કઈ થવાનું નથી. બીજી અનેક ગંભીર બેદરકારીઓ છે તેના પ્રત્યે જાગૃત થવાની તંત્રને તાતી જરૂરિયાત છે.