અબતક,રાજકોટ
વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી રાજકીય નેતાઓ ધાર્મિક વડા અને સામાજિક સંસ્થાના આગેવાને હાથો બનાવી જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદન અપાવશે
ગોધરાકાંડ અને ત્યાર બાદ ફાટી નિકળેલા કોમી રમખામના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આવી જ ઘટના ગત તા.25 જાન્યુઆરીએ ધંધૂકા ખાતે બની છે. સોશ્યલ મિડીયામાં મુકાયેલી પોસ્ટના કારણે 20 દિવસની બાળકીના પિતાએ જીવ ગુમાવ્યો છે. વિધર્મી વૈમનશ્ય સર્જાય તેવી સ્થિતી સર્જાય છે. યુવાનની હત્યાના પડદા પાછળ અમદાવાદના મોલવીની સંડોવણી બહાર આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, રાજકીય નેતા અને સામાજિક આગેવાનો સ્પબ્ધ બની ગયા છે. વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ આડે છે ત્યારે આ ઘટના અંગે રાજકીય આગેવાનો કંઇ રીતે મુલ્વે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
સોશિયલ મીડિયાના વાયરલે ‘વાયરસ’ની આગ લગાડી
ધંધૂકાના કિશન શિવાભાઇ બોડીયા નામના ભરવાડ યુવાનની બાઇક પર આવેલા બે શખ્સોએ ગોળી ધરબી સરા જાહેર કરેલી હત્યા અંગે પોલીસ દ્વારા થયેલી તપાસ અને મૃતકના પરિવાર દ્વારા થયેલા આક્ષેપમાં હત્યા પાછળ સોશ્યલ મિડીયામાં ધાર્મિક ઉશ્કેરણીજનક પોસ્ટ મુકયાનું જવાબદાર ગણવામાં આવે છે. સોશ્યલ મિડીયામાં સામસામે ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ કરવાની ઘટના કેટલુ વરવુ સ્વરૂપ ધારણ કરશે અને તેના શુ પડધા પડશે તે અંગેનું સમજી વિચારીને જ કરવામાં આવેલુ કૃત્ય ધ્રુણાસ્પદ છે.
વિધર્મી વૈમનશ્યના આગામી દિવસોમાં રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની દહેશત: કાયદો અને વ્યવસ્થા જાળવવા પછાત વિસ્તારમાં કપરી સ્થિતી
ભરવાડ યુવાનની હ્ત્યામાં સંડોવાયેલા ધંધૂકાના શબ્બીર ઉર્ફે સાબા દાદા ચોપડા અને ઇમ્તીયાઝ ઉર્ફે ઇમ્તુ મહેબુબ પઠાણની પોલીસે ધરપકડ કરી કરાયેલી પૂછપરછમાં ધાર્મિક ટીપણી અંગે સોશ્યલ મિડીયામાં મુકાયેલી પોસ્ટના કારણે ઉશ્કેરાયા હોવાનું અને પોસ્ટ મુકનારની હત્યાનો પ્લાન બનાવી કટ્ટરવાદી સ્વભાવના શબ્બીર ચોપરા મુંબઇના મુસ્લિમ ધર્મ ગુરૂને મળ્યો હતો ત્યાંથી તેને અમદાવાદના જમાલપુર ખાતે રહેતા મોલાના મહમદ અયુબ યુસુફ જાવરાવાલાને મળવા મોકલ્યો હતો. તેઓએ શબ્બીર ચોપડા કિશન ભરવાડની હત્યા માટે રિવોલ્વર અને પાંચ ગોળીની વ્યવસ્થા કરી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કિશન ભરવાડની હત્યામાં એક પછી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે તેના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડશે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે. તો બીજી તરફ ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેમાં આ ઘટનાની શુ અસર થશે તે અંગે પણ રાજકીય વિશલેષકો દ્વારા ચર્ચા થઈ રહી છે.
સોશ્યલ મિડીયાના માધ્યમથી વિધર્મી સમાજ વચ્ચે વૈમનશ્ય સર્જાયો છે ત્યારે સોશ્યલ મિડીયાનો થતો દુર ઉપયોગ પર લગામ જરૂરી બની છે. સોશ્યલ મિડીયા પોસ્ટ દ્વારા લાગેલી આગ વધુ પસરે તે પહેલાં અંકુશ મેળવવામાં નહી આવે તો ગંભીર પરિણામ માટે સમાજે તૈયારી રાખવી પડે તેવી સ્થિતી સર્જાય છે.
મૃતકની 20 દિવસની પુત્રીને ન્યાય અપાવવાની ગૃહમંત્રી સંઘવીની ખાતરી
ધંધુકામાં ભરવાડ યુવાનનું મુસ્લિમ શખ્સોએ કાવતરું રચી હત્યાને ઘાટ ઉતારતા તેના ઘેરા પડઘા પડ્યા છે જેના પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુદ કિશન ભરવાડના વતન શોક સભામાં દોડી ગયા હતા. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આ મૌલવીએ યુવાનોને આપ્યાં અને આ રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી.
ત્યારે કિશન ભરવાડની શોક સભામાં ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. જ્યાં મૃતકની માત્ર 20 દિવસની પુત્રીને ગૃહમંત્રીએ પિતાના હત્યાના બનાવમાં ન્યાય આપવાની ખાતરી આપી હતી. ત્યારે મીડિયાને સંબોધન આપતા કહ્યું હતું કે મૌલાવીએ જ આ હત્યા કરાવી હોવાની અંશ તેણે જ હત્યારાઓને ઉશ્કેરી તેમને હથિયાર પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું છે. આ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુદ કેસમાં ઊંડાણ પૂર્વક તપાસમાં ઝંપલાવશે તેવી ખાતરી આપી હતી.
ધંધુકા: ભરવાડ યુવાનની હત્યામાં ટીપ અને રિવોલ્વર આપનાર મૌલવી ઝડપાયો
ધંધુકા પંથકમાં થયેલી ભરવાડ યુવાનની હત્યાનો મુખ્ય સૂત્રધાર અમદાવાદના મૌલવીને પોલીસે ઝડપી પાડ્યો છે. તો હત્યા કરનાર બંને આરોપીના તા.5 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ધંધૂકાના કિશન ભરવાડની હત્યા કરવાનું કાવતરું ઘડનારો મૌલવી ઝડપાઈ ગયો છે. ધંધૂકા પોલીસે મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. આ પહેલાં પોલીસે કિશન પર ફાયરિંગ કરનારા બે આરોપીની ધરપકડ કરી હતી. તો ઘટનાનું કાવતરું રચનાર સાથે હથિયાર પણ પૂરું પાડનાર મૌલવીને પોલીસે દબોચી લીધો છે.પોલીસ અધિકારી મુજબ, મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી. યુવકની હત્યા માટે પ્રી-પ્લાન હતી તેમજ સબીર ઉર્ફે સાબા દાદા ચોપડા અને ઈમ્તિયાઝ ઉર્ફે ઇમતું મહેબૂબ પઠાણ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન હતું અને મૃતક યુવકની ટિપ પણ આપી હતી. આરોપીની પૂછપરછમાં બે મૌલવીની વાત સામે આવી છે, પણ હજી ચોક્કસ નામ બહાર આવ્યા બાદ પોલીસ નામની જાહેરાત કરશે. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે એવી શક્યતા છે.આ હત્યા અંગે ધંધૂકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને શોધવા જિલ્લા પોલીસવડા અને ડી.વાય.એસ.પી દ્વારા જુદી જુદી સાત ટીમ બનાવી હત્યારાઓને શોધવા ચારેતરફ પોલીસની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.