રાજકોટના ગામ દેવતા મનાતા રામનાથ મહાદેવના ર્જીણોદ્ધારનો પ્રોજેકટ અધવચ્ચે છોડી દેવાતા ફરી એક વખત ભારે વરસાદમાં ગટરના ગંધાતા પાણીથી દેવાધીદેવનો અભિષેક થતાં ભક્તોમાં ભારે નારાજગી: ભારે વરસાદમાં પુરના કારણે ગામ આખાનો કચરો રામનાથ મંદિર પાસે ઠલવાયો
રાજકોટના ગામદેવતા મનાતા એવા સ્વયંભૂ રામનાથ મહાદેવને ગંદકીના બેસુમાર સામ્રાજ્યમાંથી ક્યારે મુક્તિ મળશે ? તેવો સવાલ વર્ષોથી શિવભક્તોના દિલો દિમાગમાં ઘુમી રહ્યો છે. દર વર્ષે ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ પડે ત્યારે આજી નદીમાં ઘોડાપુર આવે છે. આખા ગામની ગંદકી આ પુર સાથે તણાઈને આવતી હોવાના કારણે ગંધાતા પાણીથી દર વર્ષે મહાદેવનો જલાભિષેક થતો હોવાના કારણે ભાવિકોના હૈયા રીતસર કકળી ઉઠે છે.
રામનાથ મહાદેવ મંદિરના ર્જીણોદ્ધારનો પ્રોજેકટ હાથ પર ચોક્કસ લેવામાં આવ્યો હતો પરંતુ ગંદા રાજકારણ સહિતના અનેક પ્રશ્ર્નોના પાપે આ પ્રોજેકટ અદ્ધવચ્ચે છોડી દેવામાં આવ્યો છે.
ગઈકાલે શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે આજી નદીમાં પુર આવ્યુ હતું અને આ પુરના પાણી ચોક્કસ ઓસરી ગયા છે પરંતુ ગંદકીથી મંદિર આસપાસનો વિસ્તાર ખદબદી રહ્યો છે. દર્શનાર્થીઓના માથા ફાટી જાય તેવી બેસુમાર દુર્ગંધ આવી રહી છે.
રામનાથ મહાદેવને એક સર્વોચ્ચ તીર્થધામ બનાવવા માટે પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યો હતો. યુદ્ધના ધોરણે કામગીરી ચોક્કસ શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કોઈ કોરણોસર સમગ્ર પ્રોજેકટને બ્રેક મારી દેવામાં આવી છે. આખુ વર્ષ મંદિરની આસપાસ બેસુમાર ગંદકી હોય છે.
ગટરના પાણી આજી નદીમાં ઠલવાતા હોવાના કારણે ભાવિકોના માથા ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાતી હોય છે. આટલું જ નહીં ચોમાસાની સીઝનમાં ભારે વરસાદમાં જ્યારે આજી નદીમાં ઘોડાપુર આવે ત્યારે ગામ આખાની ગંદકી આ પુરના પાણી સાથે તણાતી હોય છે અને આ ગંધારા પાણીથી મહાદેવનું જળાભિષેક થતો હોય ભાવિકોના હૈયા કકડી ઉઠે છે.
પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ક્યાં કારણોસર સ્વયંભુ રામનાથ મહાદેવને ગંદકીના સામ્રાજ્યમાંથી મુક્તિ મળતી નથી તે પણ એક જવાબ માંગી લેતો અણીયારો સવાલ છે.
મેયર અને ધારાસભ્ય રામનાથ મંદિરે દોડી ગયા પરીસરની આસપાસની ગંદકી દૂર કરવા આદેશ
આજી નદીના કાંઠે સ્વયંભુ બિરાજતા રામનાથ મહાદેવ મંદિરને પુરના પાણી ફરી વળેલ. પુરના કારણે મંદિર તથા મંદિરની આજુબાજુ કચરો ભેગો થયેલ હોય જેને ફરીથી વ્યવસ્થિત સફાઈ થાય તેના અનુંસધાને આજે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા મંદિરે દોડી ગયા હતા.
આજી નદીમાં પુરના કારણે ઉપરવાસથી આવેલ કચરો, ગંદકી, ઝાડા-જાખરા વિગેરે મંદિર પાસે થર જામી જતા હોય છે. રામનાથ મહાદેવ મંદિર શહેરીજનો માટે એક આસ્થાનુ પ્રતિક હોય પુરના કારણે મંદિર તથા મંદિરની આજુબાજુ ગંદકીની સફાઈ માટે ધારાસભ્ય તથા પદાધીકારીનો ઉપસ્થિતિમાં તંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ તેમજ મંદિર લાગુ રસ્તા પર પડેલ ખાડાની તાત્કાલિક મરામત કરવા, મંદિરના પરિસરમાં તેમજ આજુબાજુ સ્વચ્છ બંને તે માટે સંબંધક અધિકારીઓને સુચના આપેલ.