કોરોનાની વૈશ્વિક મહામારીની શિક્ષણ ક્ષેત્રે ગંભીર અસરો ઉપજી છે. જો કે હાલ કોરોનાને કળ વળતાં ધોરણ 10 થી 12ના શાળાના વર્ગો ફરી શરૂ કર્યા બાદ હવે ધોરણ 6 થી 8ના વર્ગો ક્યારે શરૂ થશે…?? તે અંગે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં મૂંઝવણ છે. ત્યારે આ અંગે ચર્ચા વિચારણા કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.
બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે ધોરણ 6 થી 8 ના વર્ગો ક્યારે શરૂ કરવા તે અંગે 15મી ઓગસ્ટ બાદ નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે રાજય સરકારની કેબીનેટની બેઠક મળી હતી. જેમાં શાળા ઉપરાંત ગુજરાતમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતિમાં પગલા લેવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. તાઉતે વાવાઝોડા બાદ ત્રણ મહિના પછી પણ અસરગ્રસ્તોને સરકારી સહાય પહોચી નથીતે અંગે પણ ચર્ચા કરાય હતી
આ ઉપરાંત રાજયની આઠ મહાનગરપાલીકામા 15મી ઓગષ્ટે રાત્રી કરફયુની મૂદત પૂરી થઈ રહી છે. જેમાં છૂટછાટ આપવા પણ વિચારણા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે દર બૂધવારે રાજય સરકારની કેબીનેટ બેઠક મળે છે. જેમાં અલગ અલગ મૂદાઓ પર ચર્ચા કરવામાં આવે છે. અને નિર્ણયો લેવામાં આવે છે.
રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા ગત ચાલુ સપ્તાહ સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેના કારણે કેબીનેટની બેઠક મળી નહતી. દરમિયાન આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક યોજાઈ હતી.