નર્મદાના પાણીની પાઈપ લાઈનનું કામ ઠપ્પ, શહેરીજનો માટે ઉનાળો આકરો બનશે !
જસદણને પીવા અને તાલુકાના કેટલાક ગામોની ખેતી માટે આશીર્વાદરૂપ આલણ સાગર તળાવ હવે ડેડ વોટર થઈ જતાં ઉનાળામાં પાણીની કારમી તંગી ન પડે તે માટે તાકીદે સૌની યોજનાનું પાઈપ લાઈનનું કામ પૂર્ણ કરવા સામાજિક કાર્યકર હિતેશ ગોસાઈએ માંગ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં હાલ સાત દિવસે ડહોળું પાણી આવી રહ્યું છે. લોકોને હાલાકી વેઠવી ન પડે તે માટે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને જળ સંચય ચેરમેન ડો.ભરતભાઈ બોઘરાએ આલણ સાગર તળાવમાં નર્મદાના નીર આવે તે માટે સૌની યોજનામાં સમાવેશ કર્યો.
આ માટે જસદણના આ બંને નેતાઓ ગમે તેટલા અભિનંદન પણ ઓછા પડે એવું પ્રજાલક્ષી કામ કર્યું પરંતુ આ માટે પાઈપ લાઈન પાથરવાનું કામ ઘણા સમયથી બંધ છે તે તાકીદે શ‚ કરવામાં આવે તો ટૂંકાગાળામાં આલણ સાગર તળાવ નર્મદાના નીરથી ભરી શકાય.
હિતેશ ગોસાઈએ વધુમાં જણાવ્યું કે ગુંદાળા અને બાખલવડની વચ્ચે પાઈપ લાઈન પાથરવામાં આવી છે પણ આ કામ છેલ્લા ઘણા દિવસોથી બંધ છે અને હાલ આલણ સાગર તળાવ પણ ખાલીખમ થઈ ગયું છે ત્યારે જસદણના એકમાત્ર આધારસ્થંભ બંને નેતાઓ તાકીદે આ કામ પૂર્ણ કરાવી તળાવને નર્મદાના નીરથી ભરે નહીંતર શહેરીજનો માટે આગામી ઉનાળો આકરો બનશે.