- મનોરંજન મેળાના લોકો તંત્રની આશ રાખીને બેઠા છે…
અગ્નિકાંડને લઇ મેળાઓ બંધ થતા 500 પરિવારોની રોજી-રોટીનો સવાલ ઉભો થયો: તમામ પરમીશન અને એનઓસી હોવા છતાં મેળા બંધ કરાતા સંચાલકો અવઢવમાં!!!
રાજકોટમાં શનિવારે ટીઆરપી અગ્નિકાંડ સર્જાતા તાકીદે રેસકોર્ષ, બાલભવન, નાના મવા સર્કલ ખાતેના ત્રણેય મનોરંજન મેળા બંધ કરાતા અન્ય રાજ્યમાંથી આવીને રોજી-રોટી મેળવતા લોકો પર સવાલ ઉભો થયો છે. ત્યારે મેળાના સંચાલકોએ માંગ કરી છે કે, સત્તાધીશો આ મામલે યોગ્ય નિર્ણય કરે અને મેળા શરૂ કરવા માટે મંજુરી આપે.
આ તકે મેળા સંચાલક સાગર ઠક્કરે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી રાજકોટમાં મેળામાં અનેક લોકો મનોરંજન માટે આવે છે. તાજેતરમાં જે અગ્નિકાંડ થયો તે ખૂબ જ દુ:ખદ છે. જો કે, મેળામાં તમામ પ્રકારની પરમીશન અને ફાયર એનઓસી અગાઉથી જ લીધું છે અને મેળામાં તમામ પ્રકારની સેફ્ટી પણ છે ત્યારે છેલ્લા ચાર દિવસથી મેળા બંધ હાલતમાં હોય 500 પરિવારોની રોજી-રોટી પર સવાલ ઉભો થયો છે. જો કે, અન્ય રાજ્યમાંથી આવતા સ્ટોલ ધારકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ સર્જાતા રેસકોર્ષ બાલભવન અને નાનામવા સર્કલ ખાતેના 3 મનોરંજન મેળા રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બંધ કરાવ્યા હતા. આ ત્રણેય મેળાના સંચાલકો પાસે મ્યુનીસીપલ કોર્પોરેશન, પોલીસ કમીશ્નર, જીઇબી, યાંત્રીક વિભાગ, ફાગરબ્રિગેડ વગેરેની તમામ પ્રકારની પરમિશન, એનઓસી, લાયસન્સ હોવા છતાં છેલ્લા 4 દિવસથી મેળા બંધ રખાવેલ છે. ત્રણેય સ્થળે રાઇડની સાથોસાથ સ્ટોલ વિભાગ પણ બંધ રખાવવામાં આવ્યા છે. સંચાલકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતા મ્યુનીસીપલ કોર્પોરેશનના અધિકારીઓ સંતોષકારક જવાબ દેતા નથી.
ઉપરોક્ત ત્રણેય મેળામાં 200થી વધુ સ્ટોલ છે. જેમાં રાજકોટ ઉપરાંત બહારથી નાના ધંધાર્થીઓ પેટીયું રળવા માટે આવ્યા છે. હવે કોઇકારણ વગર મેળા બંધ રખાવતા 500થી વધુ પરિવારોની રોજીરોટીનો સવાલ ઊભો થયો છે. વહેલી તકે સતાધીશો દ્વારા યોગ્ય નિર્ણય લઇ મનોરંજન મેળા શરૂ કરવા સંચાલકોની માંગણી છે.