ધોરણ-12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થઇ ગયા બાદ પણ નવી શિક્ષા નીતિનો હજુ અમલ ન થયો હોય તાકીદે અમલ કરવા ડો.નિદત્ત બારોટની કુલપતિને રજૂઆત
ધોરણ-12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો હવે આવી ચૂક્યા છે ત્યારે રાષ્ટ્રીય શિક્ષા નીતી-2020નો અમલ આ વર્ષથી જ થવાનો હતો. આ માટે અગાઉ પણ રાષ્ટ્રીય શિક્ષા નીતીનો અમલ કરવા કવાયત કરવામાં આવી હતી. આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા હવે વિદ્યાર્થીઓ કોલેજો-યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા જશે. ત્યારે હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષા નીતીનો અમલ થયો નથી. તો હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શિક્ષા નીતીનો અમલ ક્યારે? આવો વૈધક સવાલ ડો.નિદત્ત બારોટે યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશ ભીમાણીને કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી શિક્ષા નીતી રાજ્યની જુદી-જુદી યુનિવર્સિટીઓમાં કવાયત હાથ ધરાઇ હતી. પરંતુ હજુ સુધી કોઇ ઠોંસ માહિતી મળી નથી કે અમલવારી ક્યારે કરશે. જો કે, નવી શિક્ષા નીતીથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થાય તેમ છે. સાયન્સનો વિદ્યાર્થી આર્ટ્સના વિષય પણ રાખી શકશે, સેમેસ્ટર પ્રમાણે ક્રેડીટ નક્કી થશે, યુનિવર્સિટીઓમાં 70 ટકા અભ્યાસક્રમ સમાન થઇ જશે તેમજ વિદ્યાર્થી ગમે ત્યારે કોર્સમાંથી એક્ઝિટ અને એન્ટ્રી મેળવી શકશે. જો કે, હજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી શિક્ષા નીતીનો અમલ ક્યારે થશે તે જોવું રહેશે.
આ મામલે આજરોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા ડો.નિદત્ત બારોટે લેખિતમાં કુલપતિ ડો.ગીરીશ ભીમાણીને રજૂઆત કરી છે અને રાષ્ટ્રીય શિક્ષા નીતી-2020ની અમલવારી ક્યારે થશે તેવા વૈધક સવાલો પૂછ્યા છે.
કુલપતિ સમક્ષ મુકાયેલા પ્રશ્નો
- સ્નાતક ત્રણ વર્ષનું કે ચાર વર્ષનું?
- ચાર વર્ષનો અભ્યાસક્રમ ક્યા?
- મલ્ટીપલ એન્ટ્રી, મલ્ટીપલ એક્ઝિટ અમલમાં છે કે નહિં?
- ક્રેડીટ માટે અન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલ વિષયની ક્રેડીટ ક્યા ક્રેડીટ બેંક એકાઉન્ટમાં જમા થશે?
- એક સાથે બે પદવીનો અભ્યાસ કરી શકવાની જોગવાઇ હતી, જાહેરાત પણ થઇ હતી, હાલમાં સ્નાતકમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ બે કોર્સ સાથે કરી શકશે? તેના નિયમો શું?