સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન સલાહ કેન્દ્રનો થયો પ્રારંભ: વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો અને સમગ્ર સમાજની માનસિક સ્થિતિ અને મનોવિજ્ઞાની સુખાકારીની સંભાળ લેતા અધ્યાપકો
હાલ સમગ્ર વિશ્ર્વ કોરોનાની મહામારીને કારણે કેદ છે ત્યારે લોકોની માનસીક સ્થિતિ અને મન મજબૂત રહે તે અતિ આવશ્યક છે. કોરોનાને કારણે દેશમાં છેલ્લા ૧૫ દિવસથી લોકડાઉન છે. ત્યારે અભ્યાસ પર અસર થવાના લીધે ચિંતામાં આવેલ વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનવિર્સિટીમાં આજથી મનોવિજ્ઞાનીક સલાહક કેન્દ્રનો પ્રારંભ થયો છે. લોકડાઉન અને મહામારીના ભયના કારણે લોકોમાં ચિડીયાપણુ, એકલતા, બેચેની, ગુસ્સો, અનિંદ્રા, અતિ ખોરાક, ભોજન, અરૂચી, શંકા, અનિવાર્ય વિચાર, દુસ્વપ્ન અને ખોટા ડર કે ચિંતા જેવી સમસ્યા જોવા મળી રહી છે. આજથી શરૂ થનાર મનોવિજ્ઞાનિક સલાહ કેન્દ્રમાં મોટાભાગના લોકોનો એક જ પ્રશ્ર્ન હતો કે લોકડાઉન કયારે ખુલશે ?
સૌરાષ્ટ્ર યુનવિર્સિટી મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગશને ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ અને કુલસચિવે તમામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારની ખબર અંતર પુછવા માટે આ સલાહ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો છે. આ સાથે જ અમારા સલાહકારો એમ પણ પુછી રહ્યાં છે કે લોકડાઉનને લીધે આપ શું અનુભવી રહ્યાં છો, જો તેમની વાતચીતમાં જો હતાશા-માયુસી કે ચિંતા જણાય તો તેમને માનસિક સધીયારો આપીને સ્વસ્થ કરવા પ્રયાસો કરી રહ્યાં છીએ.
સૌરાષ્ટ્ર યુનવિર્સિટી મનોવિજ્ઞાન ભવનના આસીસ્ટન્ટ પ્રો. ધારા દોશીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી મનોવિજ્ઞાનનો સલાહ કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. અમે બપોર સુધીમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના ખબર અંતર પુછયા છે. તેમજ તેમને કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી તેવો સધીયારો પણ આપ્યો છે. આ ઉપરાંત આજે અમુક ફોન કોલ્સ સામેથી આવ્યા છે. જેમાં મોટાભાગના લોકોનો એક જ સવાલ હતો કે લોકડાઉન ક્યારે ખુલશે તેમજ વ્યસનવાળા ઘણા બધા લોકોના ફોન કોલ્સ આવ્યા છે. તેઓ પાન-ફાકી ન હોવાથી કંટાળી ગયા હોવાનું સામે આવ્યું છે. અને અમે તેઓને સંધીયારો આપી જણાવ્યું હતું કે, અત્યારે તમારી પાસે વ્યસન મુક્ત થવાની ઉત્તમ તક છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના ખાસ આગ્રહ મુજબ સૌરાષ્ટ્ર યુનવિર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગશનના વડપણ હેઠળ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને એમફીલ, પીએચડીના વિદ્યાર્થીઓ દ્વારા આજથી સવારે ૧૦ થી સાંજે ૮ સુધી મનોવિજ્ઞાનની સલાહ આપવામાં આવી રહી છે. કાઉન્સેલીંગ માટેના નંબર જાહેર કરાયા છે. જેમાં ડો.ધારા દોશી મો.૯૪૨૬૫ ૨૯૮૭૬, ડો.ડિમ્પલ રામાણી મો.૮૧૪૧૨ ૩૭૬૩૭, જાદવ તોફીક મો.૭૩૮૩૧ ૮૫૧૭૨, તેજલ વિરસ મો.૬૩૫૩૬ ૮૬૪૫૦ અને નિમીષા પાદરીયા મો.૬૩૫૫૧ ૮૦૫૦૦ આ ઉપરાંત મનોવિજ્ઞાન ભવનના ફોન નં.૦૨૮૧-૨૫૮૮૧૨૦ ઉપર સંપર્ક કરવો.