કહેવત બદલાશે ના…ના… દરેક કાળા વાદળો સોનેરી ચમક લઇ આવે છે!!
અષાઢ માસ પૂર્ણતાના આરે હોવા છતાં રાજ્યમાં માત્ર 36 ટકા જ વરસાદ: આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામે છે પણ મેઘરાજા રીઝતા નથી
વરસાદ માટે ધોરી મનાતો અષાઢ માસ પૂર્ણ થવા પર છે છતા સૌરાષ્ટ્રમાં સંતોષકારક વરસાદ ન પડવાના કારણે હવે ચિંતાનાં વાદળો ઘેરાવા લાગ્યા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો ચોકકસ જામે છે. પરંતુ ગૌરંભાયેલું નભ મન મૂકીને વરસવાનું નામ લેતુ નથી. પાછોતરો વરસાદ સારો પડશે અને ઘર પૂર્ણ કરી દેશે તેવી એક માત્ર આશ રાખીને લોકો બેઠા છે. હજી એક સપ્તાહ સાર્વત્રિક વરસાદ આવે તેવી એક પણ સિસ્ટમ હાલ સક્રિય નથી. છૂટા છવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ઓગષ્ટના બીજા પખવાડીયામાં સ્થિતિ સાનુકુળ બને તો સારો વરસાદ પડે તેવી સંભાવના છે.
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હાલ સાર્વત્રિક કે નોંધપાત્ર વરસાદ આવે તેવી એક પણ સિસ્ટમ સક્રિય નથી. ચોમાસાના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ માત્રામાં હોવાના કારણે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આટલું જ નહીં આગામી એક સપ્તાહ સુધી હજી સાર્વત્રીક વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય થાય તેવી કોઈ જ સંભાવના નથી. ઓગષ્ટ માસના બીજી પખવાડીયામાં કોઈ સિસ્ટમ સક્રિય થાય અને વરસાદ વરસે તેવી આશા રાખવામાં આવી રહી છે.
આકાશમાં રોજ કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામે છે. મેઘાવી માહોલ પણ રચાય છે. પરંતુ મેઘરાજા માટે ફુવારો મારી રહ્યા હોય તે રિતે હળવા ઝાપટા વરસાવી હાઉકલી કરી અંતરધ્યાન થઈ જાય છે. ગૌરંભાયેલું નભ કયારે વરસશે તે કળવું મુશ્કેલ બની ગયું છે. સપ્ટેમ્બર માસમાં મેઘરાજા ઘટ પૂરી કરી દેશે તેવી ચોકકસ આગાહી આપવામાં આવી રહી છે. પણ હાલ માહોલ ચિંતાજનક છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 55 જિલ્લામાં સામાન્ય ઝાપટાથી માંડી પોણો ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. અષાઢ માસ પૂર્ણતાની આરે છે. ત્યારે રાજયમાં હજી સિઝનનો 36 ટકા જ વરસાદ વરસ્યો છે. કચ્છ રિજીયનમાં 31.67 ટકા, ઉતર ગુજરાતમાં 31.08 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 34 ટકા, સૌરાષ્ટ્રમાં 33.57 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 39.64 ટકા જેટલો વરસાદ પડયો છે.
રાજયનાં 2 તાલુકાઓ એવા છે જયા હજી બે ઈંચ પણ વરસાદ પડયો નથી. જયારે 27 તાલુકાઓમાં માત્ર પાંચ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. માત્ર 92 તાલુકાઓમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અને બે તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ પડયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચોકકસ બને છે. પરંતુ તે મનમૂકીને વરસતા નથી. હવે જો એકાદ પખવાડીયામાં સંતોષકારક વરસાદ નહીં પડે તો સૌરાષ્ટ્રમાં જળ કટોકટી ઉભી થવાની પણ ભીતી વર્તાય રહી છે.