રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે આડેધડ જાહેરાતો કરે છે. તેઓ પ્રજાને અનેક લાભ આપવાનો લોભ આપે છે. પણ આ લાભ કોઈ પાર્ટી પોતાના ખિસ્સામાંથી આપતી નથી. મફતની આ રેવડી હકીકતમાં મફતની હોતી નથી. તેનું ભારણ પ્રજા ઉપર જ આવે છે. બીજી તરફ એક નબળા વર્ગને મફતની ટેવ પડે છે તે અલગ સમસ્યા સર્જાય છે. હકીકતમાં આવી મફતની રેવડીની લ્હાણી કરવા કરતા રાજકીય પાર્ટીઓએ પ્રજાને જ પગભર બનાવવાની દિશામાં કામ કરવું જોઈએ.
રાજકીય પક્ષો ચૂંટણી પહેલા મફતની રેવડી વહેંચે છે તે ભ્રષ્ટ વ્યવહાર છે. લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠળ આ એક પ્રકારની લાંચ છે. આ ચૂંટણીને રદબાતલ જાહેર કરવા માટેનું કારણ બની શકે છે.તેવી સુપ્રીમમાં દલીલ થઈ છે.
હકીકતમાં, ત્રણ જજની બેંચ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા આવા સમર્થનના વચનનો વિરોધ કરતી અરજીઓ પર વિચાર કરી રહી હતી. આ અરજીઓમાં એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો પણ સમાવેશ થાય છે. અરજીઓમાં ચૂંટણી પંચને આવા પક્ષોના ચૂંટણી ચિન્હો જપ્ત કરવા અને પક્ષનું રજીસ્ટ્રેશન રદ કરવા નિર્દેશ આપવા માંગ કરવામાં આવી હતી.
અરજદારો વતી વરિષ્ઠ એડવોકેટ વિજય હંસરિયા હાજર રહ્યા હતા. તેમણે ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચને કહ્યું કે સર્વોચ્ચ અદાલતની બે જજની બેંચ દ્વારા 2013 માં આપવામાં આવેલા ચુકાદા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. હંસારિયાએ જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચને જણાવ્યું કે એસ. સુબ્રમણ્યમ બાલાજી કેસમાં સર્વોચ્ચ અદાલતનો નિર્ણય સાચો કાયદો નક્કી કરતું નથી.
હંસરિયાએ કહ્યું કે, ’પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123 હેઠળ ’લાંચ’ને ભ્રષ્ટ વ્યવહાર ગણવામાં આવે છે. ’લાંચ’ શબ્દનો અર્થ થાય છે ઉમેદવાર અથવા તેના એજન્ટ અથવા અન્ય વ્યક્તિને ફ્રીબી આપવાનું વચન. આમ, રાજકીય પક્ષ દ્વારા આપવામાં આવેલા વચનો એ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123 (1) (એ) હેઠળ લાંચ લેવા સિવાય બીજું કંઈ નથી.
સર્વોચ્ચ અદાલતે અગાઉ મફત રેવડીના વચન આપતા રાજકીય પક્ષોની પ્રથા સામે દાખલ કરાયેલી અરજીઓની સૂચિબદ્ધ કરી હતી અને ત્રણ ન્યાયાધીશોની બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે તેને લાગે છે કે તેમની સમક્ષ ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની વ્યાપક સુનાવણીની જરૂર છે.