સ્માર્ટ સિટી રાજકોટમાં ખાડાનું સામ્રાજ્ય, ગેરેન્ટીવાળા રસ્તાઓ પણ તૂટ્યા: કરોડો રૂપિયાની ઓન ચૂકવવા છતાં બ્રિજના કામ સમયસર પૂર્ણ શા માટે થતા નથી: પ્રદિપ ત્રિવેદી, ભાનુબેન સોરાણીનો સવાલ
રાજકોટમાં ચાલી રહેલા બ્રીજના કામો પૂર્ણ ક્યારે થશે? અને લોકાર્પણની તારીખો જાહેર કરવા શાસક પક્ષ ભાજપને કોંગ્રેસે પડકાર ફેંક્યો છે. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદિપ ત્રિવેદી અને વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે હાલ સમગ્ર રાજકોટમાં ઠેરઠેર 1 થી 1.5 ફૂટ જેટલા ઊંડા ખાડાઓ પડી ગયેલા છે. રાજકોટ શહેરમાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રની મોન્સુન કામગીરીની પોલ મેઘરાજાએ ખોલી છે તેમજ રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સુન કામગીરી કરવાની હોય તે ફક્તને ફક્ત કાગળ ઉપર કરેલી સ્પષ્ટ દેખાય છે તેમજ જે ડ્યુરીંગ મોન્સુન કામગીરી કરવાની થતી હોય તે કામગીરી પણ મહાનગરપાલિકાનું તંત્ર દ્વારા ઉદાસીનતાથી કરવામાં આવે છે અને કોઈ જ કામગીરી નક્કર રીતે કરેલી દેખાતી નથી.
રસ્તામાં ખાડા બુરવાની જે કામગીરી કરવાની થતી હોય તે પ્રમાણે જોઈએ તો રાજકોટ શહેરના મોટાભાગના રોડ-રસ્તા ડેમેજ થયેલા હોય ત્યારે કામગીરી ફક્ત કાગળ ઉપર થયેલી સ્પષ્ટ થાય છે. ફક્ત એક જ વરસાદમાં રાજકોટ શહેરમાં ગેરેંટી વાળા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને રોડ તૂટી ગયેલ છે ત્યારે ગેરેંટી વાળા રોડ રસ્તા રીપેરીંગ-મરામત કરવામાં રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ નીવડેલ છે.
રાજકોટ શહેરમાં ખાડા-ખબડા પડેલ હોય વરસાદ થયાને આજે ઘણા દિવસો જેવો સમય વીતી જવા છતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી રાજકોટના રાજમાર્ગો, મુખ્ય રસ્તાઓ સહિતના બધા રસ્તાઓની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે તેના કરતા ગામડાના રસ્તાઓ પણ સારા હોઈ. ખરાબ રસ્તાના કારણે લોકો સ્લીપ થઈ જાય છે, ફેકચર થઈ જાય છે ત્યારે ઓર્થોપેડિક હોસ્પિટલોમાં મણકાના દુ:ખાવાની લાઈનો લાગી છે.
રાજકોટ શહેરના મોટાભાગના રોડ-રસ્તા વોંકળા પુલ-બ્રીજ-નાલા ડેમેજ થયેલા હોય ત્યારે પ્રિમોન્સુન કામગીરી ફક્ત કાગળ ઉપર થયેલી સ્પષ્ટ થાય છે.
ફક્ત એક જ વરસાદમાં રાજકોટ શહેરમાં ગેરેંટી વાળા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા હોઈ અને રોડ તૂટી ગયેલ છે ત્યારે ગેરેંટી વાળા રોડ રસ્તા રીપેરીંગ-મરામત કરવા અને શહેરના નાલા, અન્ડરબ્રીજ, પુલિયામાં ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને સત્વરે કાર્યવાહી થવી જોઈએ તેની બદલે કોઈ જ નક્કર કામગીરી કરેલ નથી તેમજ વરસાદી પાણી નો ભરાવો થતો હોવાથી ત્યાં કચરો, માટી, રબીસ સહિતની વસ્તુઓ તણાઈ આવતી હોય અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો હજુ યથાવત છે.
તેમજ મોટાભાગના વિસ્તારોમાં અત્યારે રબીસ પડી છે અને આ રબીસ, કાદવ કીચડ, રેતી, કચરો સહિતની વસ્તુઓ વરસાદમાં તણાઈને આવી હોય ત્યારે રોગચાળો ફેલાવાની દહેશત છે, મચ્છરનો ઉપદ્રવ થવાની અનેક ફરિયાદો છે ત્યારે શહેરમાં આરોગ્ય લક્ષી કામગીરીને ઘનિષ્ઠતમ કરવામાં આવે અને બીજો રોગચાળો ન ફેલાય તેવી તકેદારી રાખી સમગ્ર રાજકોટ શહેરમાં સાફસફાઈ, સ્વચ્છતા, ફોગીંગ કામગીરી, દવા વિતરણ કામગીરી સહિતની પ્રાથમિક કાર્યવાહી સફાળે કરવામાં આવે તેવી શહેરના નગરજનો વતી માંગ કરી છે.
અલગ-અલગ 18 મુદ્ાઓ અંગે મ્યુની કમિશનરને રજૂઆત કરી છે. બધા મુદ્દે શાસક પક્ષ ભાજપ તમામ મુદ્દે નિષ્ફળ નીવડ્યો છે અને ચુંટણીની ચિંતામાં વ્યસ્ત થઇ પ્રજા પ્રશ્નોને હાંસિયામાં ધકેલી દીધા છે, જ્યારે રોજબરોજના પ્રશ્નો યથાવત છે આથી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જે ભાજપના પદાધિકારીઓ રોડના ખાડા બુરાવી શકતા નથી તો બ્રીજ કે…દી… બનાવશે તેવી લોકોએ પણ લાગણી વ્યક્ત કરી છે. જે બાબતે રાજકોટમાં ચાલી રહેલા બ્રીજના કામો પૂર્ણ ક્યારે થશે ? અને લોકાર્પણની તારીખો જાહેર કરવા શાસક પક્ષ ભાજપને રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષના પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી અને વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ પડકાર કર્યો છે તેવું અંતમાં જણાવ્યું છે.