કોરોનાના આગમન માર્ચ મહિનાથી જ બંધ થઈ ગયેલા શાળાઓના દરવાજા, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઘેર બેસીને કંટાળી ગયા છે ત્યારે અનલોક-૫ના માહોલમાં હજુ શિક્ષણકાર્ય શરૂ થાય તેવી કોઈ શકયતા નથી
ચલો સ્કૂલ ચલે હમ…ની જાહેરાતમાં ભુલકાઓને શાળાએ દોડતા દેખાડવામાં આવ્યા છે. ત્યારે કોરોના મહામારીના પગલે રાજ્ય સહિત ભારતભરમાં બંધ થયેલા શૈક્ષણિક સંકુલો હજુ ક્યારે શરૂ થાય તેવી કોઈ શકયતા દેખાતી નથી. જો કે, શિક્ષણ વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિવાળી પછી શાળાઓ ખુલી જશે. પરંતુ કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને અનલોક-૫ની પ્રક્રિયાને લઈને હાલના સંજોગોમાં શાળાઓ ખુલે તેવું દેખાતું નથી. અનલોક-૫ની એકબાજુ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ કોરોનાનો ઉથલો પાછો આવે અને સંક્રમણની શકયતાઓની દહેશત સેવાઈ રહી છે ત્યારે શાળાઓ દિવાળી પછી પણ ખુલી જ જાય તેવી સેવાતી આશાઓ અત્યારના સંજોગોમાં ફરીથી ધુંધળી થઈ રહી છે.
નવેમ્બરમાં કોરોનાનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા અનલોક-૫ને વેગ આપવા માટે સોશિયલ ડિસ્ટન્સની ગાઈડ લાઈન અને શાળાઓમાં ઓડ ઈવનની સંખ્યાના ધોરણે વર્ગ ખંડના ૫૦ ટકા વિદ્યાર્થીઓને એક આંતરે બોલાવવાના આયોજનો સાથે દિવાળી પછી શાળાઓ ખોલવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાના અહેવાલોના પગલે વાલીઓ અને વિદ્યાર્થી જગતમાં ક્યારેય ન વિતાવ્યો હોય તેવો મજબૂરીનો આ લાંબો વેકેશન ગાળો હવે કંટાળો અને અભ્યાસ માટે મોટા અવરોધરૂપ ગણીને હવે શાળાઓ જલ્દીથી ખુલે તેવું ઈચ્છી રહ્યાં છે.
દિવાળી પછી શાળાઓ ખુલવાની છે તેવી શકયતાના પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં શાળાએ જવાનો રોમાંચ પ્રવર્તી રહ્યો છે. સાથે સાથે કોરોનાનો માહોલ અંગે અસમંજસ પણ ઉભી થઈ છે. કોરોના હજુ નાબૂદ થયો નથી. કોરોનાના સંક્રમણના કેસો હાલમાં ટકાવારીના ધોરણે કાબુમાં આવ્યા છે. રિકવરી રેટ પણ ઘટ્યો છે. પરંતુ કોરોના હજુ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી.
ત્યારે શૈક્ષણિક સંકુલો ફરીથી ખુલવાની તૈયારી થઈ ચૂકી છે પરંતુ નવેમ્બર મહિનામાં કોરોના વધવાની દહેશતને લઈ હાલ અત્યારે શાળાઓ ફરીથી શરૂ થાય તેવી શકયતાઓ પર અસમંજસના વાદળાઓ ઘેરાયા છે.
દિવાળી પછી શાળાઓ શરૂ કરવાના નિર્ણયનો અમલ સમય અને સંજોગો જોઈને અંતિમ ઘડીએ લેવાશે
કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની સલામતી સાથે બાંધછોડ ન કરી શકાય: જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા
દિવાળી પછી શાળાઓ શરૂ કરવાની કવાયત વચ્ચે નવેમ્બર મહિનામાં કોરોનાના ઉથલાની શકયતા અને કોરોનાનું સંક્રમણ વધવાની પરિસ્થિતિને લઈને દિવાળી પછી શાળાઓ શરૂ કરવા અંગે અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે અબતક સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, દિવાળી પછી શાળાઓ શરૂ કરવાની ગાઈડલાઈન આવી છે પરંતુ આ નિર્ણયનો અમલ પરિસ્થિતિને ધ્યાને લઈને લેવાશે.
કોરોના સંક્રમણનાં માહોલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જોખમે શૈક્ષણિક કાર્ય શરૂ ન જ કરી શકાય. સરકારની ગાઈડલાઈન મુજબ જો શાળાઓ ખોલવામાં આવશે તો પણ વર્ગમાં વિદ્યાર્થીઓની અડધી સંખ્યા અને ઈ-વન અને ઓડ મુજબ વિદ્યાર્થીઓને એકાતરે બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવે પણ જો કોરોનાનાં સંક્રમણ વધે તો શાળાઓને દિવાળી પછી ખોલી ન શકાય. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ જરૂર પડે તો અંતિમ ઘડીએ પણ વેકેશન લંબાવવાનો નિર્ણય લેશું તેમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું.