હાઈ કમાન્ડના આદેશ બાદ વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર કરાશે: અશોક ડાંગર

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ગત ચૂંટણીમાં 34 બેઠકો જીતનાર કોંગ્રેસ આ વખતે માત્ર ચાર બેઠકોમાં સમેટાઈ જવા પામી છે. ભાજપે મેયર સહિતના પાંચ મુખ્ય પદાધિકારીઓની નિમણૂંક કરી દીધા બાદ ગઈકાલે 15 સમિતિના ચેરમેનની વરણી પણ કરી દીધી છે પરંતુ કોંગ્રેસ ચાર કોર્પોરેટરમાંથી હજુ સુધી વિરોધ પક્ષના નેતાનું નામ નક્કી કરી શકી નથી. જેના કારણે મહાપાલિકામાં આવેલા વિરોધ પક્ષના કાર્યાલયે હજુ અલીગઢી તાળા લટકી રહ્યાં છે અને આ તાળા ક્યારે ખુલશે તે કહેવું મુશ્કેલ બની ગયુ છે.

નિયમોનુસાર માન્ય વિરોધ પક્ષ માટે કોંગ્રેસ પાસે ઓછામાં ઓછી 8 બેઠકો હોવી જરૂરી છે. પરંતુ 72 માંથી કોંગ્રેસ માત્ર 4 બેઠકો જીતી શકી છે. આવામાં તે માન્ય વિરોધ પક્ષને લાયક રહી નથી છતાં ભાજપે રહેમરાહે કોંગ્રેસને વિરોધ પક્ષનું કાર્યાલય અને વિપક્ષી નેતાને સરકારી ગાડી આપવાનો નિર્ણય લીધો છે પરંતુ એક શરત રાખવામાં આવી છે કે, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર સત્તાવાર લેટર પેડ પર જેનું નામ સુચવશે તેને વિરોધ પક્ષના નેતાનો દરજ્જો આપી ચેમ્બર અને ગાડીની ફાળવણી કરવામાં આવશે પરંતુ હજુ સુધી કોંગ્રેસ દ્વારા વિપક્ષી નેતાનું નામ આપવામાં આવ્યું નથી.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે આજે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહાપાલિકાના વિરોધ પક્ષના નેતાની નિમણૂંક કરવા માટે પ્રદેશ હાઈ કમાન્ડના માર્ગદર્શનની રાહ જોવામાં આવી રહી છે. અગાઉ જ્યારે પ્રદેશમાં આ અંગે જાણ કરવામાં આવી હતી ત્યારે પ્રદેશ દ્વારા એવી સુચના આપવામાં આવી છે કે, તમામ મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતા નક્કી કરવાનો નિર્ણય એક સાથે લેવામાં આવશે. જેના કારણે હજુ સુધી રાજકોટ મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. જો કે તેઓએ એવી સંભાવના વ્યકત કરી હતી કે, વિરોધ પક્ષના નેતા તરીકે વશરામભાઈ સાગઠીયાની ફરી નિમણૂંક કરવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં પ્રદેશમાં આદેશ બાદ સત્તાવાર ઘોષણા કરી દેવાશે.

બીજી તરફ મહાપાલિકાના સેક્રેટરી એચ.પી.રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને વિરોધ પક્ષનું કાર્યાલયનો કબજો સોંપી દેવામાં આવે અને ત્યારબાદ કાર્યાલયમાં કોઈ તોડફોડ કે નુકશાની થાય તો તેની જવાબદારી કોની ગણવી, તે સહિતના અનેક મુદ્દાઓ હોવાના કારણે હજુ સુધી વિપક્ષી કાર્યાલયના તાળા ખોલવામાં આવ્યા નથી. આ ઉપરાંત કોંગ્રેસે વિરોધ પક્ષના નેતાની સત્તાવાર જાહેરાત પણ કરી ન હોવાના કારણે ગાડીની ફાળવણી કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.