સોશિયલ મિડિયાનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. લોકો તેના આધીન થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા જ્ઞાનનો ભંડાર છે તે હકીકત છે. પણ હજુ સુધી તે વિશ્વાસપાત્ર માધ્યમ બની શક્યું નથી.
સોશિયલ મીડિયાનો ઉપયોગ તેના ફાયદા કે નુકસાનને ઓળખી શકે છે. બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર તમામ માહિતી આંગળીના ટેરવે મળી શકે છે. ખાસ કરીને વિકિપીડિયા આ માટેનું મહત્વપૂર્ણ માધ્યમ છે. પણ તે વિશ્વાસપાત્ર નથી તેવું ખુદ સુપ્રીમ કોર્ટે કહી દીધું છે. તેના આધારે કોઈ નિર્ણય લેવો એ અયોગ્ય હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે વિકિપીડિયા જેવા ઓનલાઈન સ્ત્રોતો વિશ્વાસપાત્ર નથી. કોર્ટે કહ્યું છે કે વિકિપીડિયા ક્રાઉડસોસ્ર્ડ અને યુઝર જનરેટેડ એડિટિંગ મોડલ પર આધારિત છે, આ સ્થિતિમાં તે ભ્રામક માહિતીને પ્રોત્સાહન આપી શકે છે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અદાલતો અને ન્યાયિક સત્તાવાળાઓને વકીલોને વધુ વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોતો પર વિશ્વાસ કરવા માટે સમજાવવા જોઈએ. તેમણે કહ્યું, કોઈપણ સામાન્ય વ્યક્તિ વિકિપીડિયા પર માહિતી મૂકી શકે છે અને કોઈપણ તે માહિતીને સંપાદિત કરી શકે છે. આવી સ્થિતિમાં, વિકિપીડિયાની સામગ્રી પર વિશ્વાસ કરી શકાય નહીં.
સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટ હેઠળ આયાતી ’ઓલ ઇન વન ઇન્ટિગ્રેટેડ ડેસ્કટોપ કમ્પ્યુટર્સ’ના યોગ્ય વર્ગીકરણના મામલે સુપ્રીમ કોર્ટનું અવલોકન આવ્યું છે. કંપનીએ અન્ય કેટલાક ટેરિફ પરથી કોમ્પ્યુટરનું મૂલ્યાંકન કર્યું હતું. કસ્ટમની તપાસમાં ટેરિફ અલગ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ, કસ્ટમ્સ કમિશ્નર (અપીલ)એ તેમના તારણોને સમર્થન આપવા માટે વિકિપીડિયા જેવા ઓનલાઈન સ્ત્રોતોનો વ્યાપકપણે ઉલ્લેખ કર્યો.