- સહેલાણીઓ માટે ઓક્ટોબરથી માર્ચ શ્રેષ્ઠ સમયગાળો મનાય છે ત્યારે પ્રવાસન પ્રવૃત્તિઓ વેગવાન બનાવવા માંગ
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ ચોમાસાની સીઝન બાદ રાજ્ય સરકારના નવા પરિપત્ર અનુસારની પૂર્તતા કરાયા બાદ ટૂંક સમયમાં પુન: મુલાકાતીઓ માટે ખૂલ્લો મૂકાય તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ટૂંકમાં શિવરાજપુર બીચ પર યાત્રીકલક્ષી એકટીવીટીઝ ધમધમી શકે છે. છેલ્લાં વર્ષોમાં દ્વારકા યાત્રાધામમાં આવતાં હજારો સહેલાણીઓ જગતમંદિરમા દર્શનની સાથે-સાથે બેનમૂન બીચની તેમજ હાલમાં નિર્માણ પામેલ સુદર્શન સેતુની મુલાકાતે આવતાં થયા છે. જેનાથી સમગ્ર દ્વારકા ક્ષેત્રના પ્રવાસનને વેગ મળ્યો છે. વરસાદી સીઝનમાં આશરે બે માસથી વધુ સમય સુધી દરીયાના પાણીમાં કરન્ટ જોતાં સુરક્ષા કારણોસર મુલાકાતીઓ માટે બંધ કરાયા બાદ અરબી સમુદ્રનું પાણી ક્રમશ: શાંત પડ્યું છે ત્યારે નવા અમલી બનાવાયેલ નિયમોની પૂર્તતા થયે ટૂંકમાં જ તંત્ર પુન: શિવરાજપુર બીચ સહેલાણીઓ માટે ખોલી શકે તેવો આશાવાદ સ્થાનીય દરીયાખેડુ મરજીવાઓએ વ્યક્ત કર્યો છે. જાણકારો દ્વારા સ્કૂબા ડાઈવીંગ માટે ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમયગાળો શ્રેષ્ઠ ગણવાયો છે.
પ્રવાસનલક્ષી સુવિધાઓથી સુસજ્જ બેનમૂન બીચ
ઓખા મંડળના વરવાળા – શિવરાજપુર – મોજપની દરીયાઈ પટ્ટીએ આવેલ બેનમૂન બીચ પર સોહામણા અને પ્રમાણમાં શાંત બીચ અને છીછરા પાણીને લીધે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ ફેઇઝમાં કરોડો રૂપિયાના ખર્ચે બીચ નવીનીકરણ હાથ ધરાયું હોય પહેલા ફેઇઝના કામોમાં બીચ પર યાત્રીકલક્ષી સુવિધાઓમાં વધારો કરાયો છે. અને હાલમાં પણ વિકાસકાર્યો ચાલી રહ્યા છે. બ્લ્યુ ફ્લેગ બીચની આંતરરાષ્ટ્રીય સ્તરની માન્યતા મળ્યા બાદ છેલ્લા દાયકામાં આ બીચ પર સહેલાણીઓની સંખ્યામાં ક્રમશ: વધારો થતો રહ્યો છે અને તહેવારો તેમજ વેકેશનના સમયમાં સમગ્ર બીચ એરીયા ભરચક્ક જોવા મળે છે.
પ્રવાસન મંત્રીની સીધી દેખરેખ હેઠળ ચાલતાં વિકાસકાર્યો
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેકટસ પૈકીનો એક શિવરાજપુર બીચનો વિકાસ હોય અહીં કેન્દ્ર સરકારની સીધી દેખરેખમાં જિલ્લા પ્રવાસન વિભાગ દ્વારા બીચ ડેવલોપમેન્ટ એકટીવીટીઝ તથા વિકાસલક્ષી કામગીરી ફેઈઝ વાઈઝ વર્ગીકૃત કરાઈ છે અને હાલમાં પ્રથમ – ફેઈઝમાં વીસ કરોડ જેટલા ખર્ચે ચાલતા વિકાસકાર્યો પૂર્ણતાને આરે હોય જેમાં ટુરીસ્ટ ફેસીલીટી માટેના કાર્યો મહદંશે હાથ ધરાયા છે.
શિવરાજપુર બીચનો સનસેટ પોઇન્ટ પણ લોકપ્રિય
દ્વારકા બાદ અહીંનો સનસેટ પોઈન્ટ પણ પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. જ્યારે પણ સનસેટ સમયે બિચ ખૂલ્લો હોય તેવા સાંજના સમયે શિવરાજપુર બીચના સુંદર નઝારા પરથી સનસેટને નિહાળવા દૂરદૂરથી સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. અને બે કિમી લાંબા બીચ પરથી સેલ્ફી વીથ સનસેટ લેતા હોય છે.
તો મોટાભાગના પ્રવાસીઓ આ સનસેટને કેમેરામાં કેદ કરતા હોય છે. હાલમાં શ્રાધ્ધપક્ષના દિવસો પૂર્ણ થયા બાદ નવરાત્રી, દિવાળી તેમજ મીની વેકેશન અને ત્યારબાદ ડિસેમ્બરમાં ક્રિસમસના ટ્રાફીકને લીધે આગામી માર્ચ માસ સુધી શિવરાજપુર બીચ પ્રવાસીઓથી ધમધમશે.
સ્કૂબા ડાઇવર્સમાં શિવરાજપુર બીચ હોટ ફેવરીટ
દરીયાઈ જીવસૃષ્ટિ તેમજ પાણીની અંદરની અદભૂત દુનિયાને પ્રત્યક્ષ નિહાળવા અનેક સાહસિક તરવૈયાઓ તથા સ્કૂબા ડાઈવર્સ માટે શિવરાજપુર બીચ પ્રથમ પસંદ બની રહ્યો છે. ઓકટોબરથી માર્ચના સમયગાળામાં સ્કૂબા ડાઈવર્સ વધુ સારી રીતે દરીયાઈ સૃષ્ટિ નિહાળી શકતા હોય આ સમયમાં વધુ પ્રમાણમાં સ્કૂબા ડાઈવર્સ શિવરાજપુર બીચની મુલાકાત લે છે. જેના લીધે ગત વર્ષ સુધી વિવિધ સ્કૂબાની એજન્સીઓ એડવેન્ચરસ એકટીવીટીઝ કરાવી રહેલ. હાલમાં સરકાર દ્વારા અમલી બનાવાયેલા નવા નિયમો અનુસારની પ્રક્રિયા ચાલી રહી હોય જે પૂર્ણ થયે બીચ પર પુન: એડવેન્ચરસ એક્ટીવીટીઝ શરૂ થનાર હોય જેના કારણે સ્થાનીક તરવૈયાઓ તથા મરજીવાઓમાં રોજગારી પણ ઊભી થશે.