સુપ્રીમ કોર્ટમાં સંજીવની મળ્યા બાદ એકનાથ શિંદે જૂથ ઉધ્ધવ સરકાર સામે હવે ગમે ત્યારે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવશે
સુપ્રીમ કોર્ટમાંથી સંજીવની મળતાની સાથે જ હવે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નાથ બને અને ઉધ્ધવ ઠાકરે રાજકીય અનાથ બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. શિંદે જૂથ કોઈપણ ઘડીએ લઘુમતીમાં આવી ગયેલી મહાવિકાસ અઘાડી સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવશે તમામ રાજકીય માંધાતાઓ હવે શિંદેના શરણમાં આવી રહ્યા છે. એકનાથ હવે કયારે બળાબળીના પારખા કરશે તેના પર મીટ મંડાયેલી છે. બીજી તરફ ભાજપ હાલ મહારાષ્ટ્રમાં ચાલતો રાજકીય કટોકટી પર મીટ માંડીને બેઠી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી ચાલતી રાજકીય કટોકટીમાં શિંદે જૂથ સતત મજબૂત બની રહ્યું છે. જયારે ઉધ્ધવ ઠાકરે જૂથ સતત નબળુ બની રહ્યું છે. ગેરલાયક ઠેરવવાની નોટિસમાં પણ સુપ્રીમ કોર્ટ શિંદે જૂથને 11મી જુલાઈ સુધીની મૂદત આપી છે. બીજી તરફ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ બાગી નવ મંત્રીઓ પાસેથી પોર્ટફોલીયા આંચકી લીધા છે. પરંતુ તેઓ સેનામાં પરત ફરશે તેવી
આશા રાખતા મંત્રી પદેથી હટાવ્યાનથી. સમગ્ર ઘટના ક્રમ પર ભાજપ બાજ નજર રાખીને બેઠું છે. જો ઉધ્ધવ ઠાકરે એમ કહે કે, અમે ભાજપ સાથે ફરી હાથ મિલાવવા માટે તૈયાર છીએ તો ફરી બંને એક વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે આવી જાય અને ભવિષ્યની ચૂંટણીમાં પણ બંને પક્ષોને ફાયદો મળે.
સુપ્રીમ કોર્ટમાંથી સંજીવની મળતા એકનાથ શિંદે વધુ આક્રમક બન્યા છે.આગામી 24 કે 48 કલાકમાં તેઓ મહાવિકાસ અઘાડી પાર્ટી સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવાના મૂડમાં છે.ગમે તે ઘડીએ તેઓ રાજયપાલ સમગ્ર અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરે તેવી સંભાવના છે. બીજી તરફ રાજયપાલ કોશયારીએ પણ ફલોર ટેસ્ટ કરાવવાનું મન બનાવી લીધું છે.
ભાજપે મહારાષ્ટ્રમાં પક્ષના તમામ ધારાસભ્યોને બે દિવસ સુધી મુંબઈ ન છોડવા આદેશ આપ્યો છે.જે એ દર્શાવે છે કે મહારાષ્ટ્રના રાજકારણ માટે આગામી 48 કલાકનો સમય ખૂબજ મહત્વ પૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
બળવાખોરો નહીં જીતે: આદિત્ય ઠાકરેની ટંગડી હજી ઉંચી
મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારનું ગમે ત્યારે પતન થઇ જાય તેવી સંભાવના છે મુખ્યમંત્રી ઉઘ્ધવ ઠાકરે તો ગત સપ્તાહે જ સત્તાવાર મુખ્યમંત્રીનું નિવાસ સ્થાન ‘વર્ષા’ છોડી ચુકયા છે અને બીસ્તરા પોટલા બાંધી ‘માતોશ્રી’ માં રહેવા જતા રહ્યા છે. ગમે ત્યારે ઉઘ્ધવ સરકાર સામે શિંદે જુથ અવિશ્ર્વાસની દરખાસ્ત લાવે અથવા રાજયપાલ ફલોર ટેસ્ટ કરાવે તેવી સંભાવના જણાય રહી છે ઠાકરે સરકાર પતન તરફ થઇ રહી છે. છતાં ઉઘ્ધવના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારના કેબીનેટ મંત્રી આદિત્ય ઠાકેની ટંગડી હજી ઉંચી જ છે. તેઓ હજી એવો દાવો કરી રહ્યા છે કે
બળવા ખોર ધારાસભ્ય કયારેય જીતવાના નથી. તેઓનામાં હિંમત હોય તો મારી આંખમાં આંખ મીલાવીને વાત કરે, આદિત્ય શિવસેનાના એવા કદાવર નેતા નથી કે તેની સામે વાત કરતા ધારાસભ્ય કે શિવ સૈનિક ફાટી પડે, તેઓને માત્ર બાલાસાહેબના પૌત્ર અને ઉઘ્ધવ ઠાકરેના પુત્ર હોવાના કારણે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી બનવાનું નસીબ પ્રાપ્ત થયું છે. છતાં તેઓ એકનાથ શિંદેને લલકારી રહ્યા છે.
ભાજપના ધારાસભ્યોને મુંબઇ ન છોડવા આદેશ
મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય સંકટમાં આગામી બે દિવસ ખુબ જ મહત્વ પૂર્ણ મનાય રહ્યું છે. એકનાથ શિંદે જુથ હવે ગમે ત્યારે મુખ્યમંત્રી ઉઘ્ધવ ઠાકરે સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. દરમિયાન ગઇકાલે મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસ સ્થાને કોર કમિટીની એક બેઠક મળી હતી. જેમાં આગામી બે દિવસમાં ભાજપના એકપણ ધારાસભ્યોને મુંબઇ ન છોડવા અને મુંબઇ કે મહારાષ્ટ્રની બહાર હોય તેવા તમામ ધારાસભ્યોને શકય તેટલું ઝડપી મુંબઇમાં હાજર થવા માટે તાકીદ કરવામાં આવી છે. ભાજપના નવા આદેશ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં થોડી ગરમી આવી ગઇ છે.
રાજયપાલ ફલોર ટેસ્ટનો આદેશ પણ આપી શકે છે…!
મહાવિકાસ અઘાટી સરકારના શિવસેનાના 40 જેટલા ધારાસભ્યો એ બળવો કરતા મહારાષ્ટ્રની ઉઘ્ધવ સરકાર હાલ લધુમતિમાં મુકાય ગઇ છે. 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટીસ સામે સુપ્રિમ કોર્ટમાં ગયેલ શિંદે જુથને સુપ્રિમ કોર્ટ મોટી રાહત આપી છે આ ઉપરાંત ડે. સ્પીકર અને વિધાનસભાના સચિવને સર્વોચ્ચ અદાલતે નોટીસ ફટકારી છે હવે રાજયપાલ કોશ્યારી કોરોનાને મ્હાત આપી તંદુરસ્ત બની ગયા છે. અને ફરી સક્રિય થયા છે. સુપ્રિમના નિર્ણય બાદ હવે રાજયપાલ પણ મેદાનમાં આવે તેવી સંભાવના જણાય રહી છે. રાજયપાલ આગામી દિવસોમાં ફલોર ટેસ્ટ કરવાનો આદેશ આપી શકે તેમ છે.
સંજય રાઉતની હિંસક ‘જીભડી’ જ તેનું રાજકારણ પુરૂ કરી નાંખશે
શિવસેનાના સાંસદ સંજય રાઉતની હિંસક જીભડી તેનું રાજકારણ આગામી દિવસોમાં પુરૂ કરી નાખશે, મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય કટોકટીથી સંજય રઘવાયા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર ઉશ્કેરીજનક નિવેદનો આપી રહ્યા છે. દરમિયાન મની લોન્ડરીગ કેસમાં ગઇકાલે ઇડી દ્વારા સંજય રાઉતને સમન્સ ફટકારવામાં આવ્યું છે. અને બે દિવસમાં પુછપરછ માટે હાજર થવા આદેશ આપ્યો છે સમન્સ બાદ સંજય વધુ ભુરાયા થયા છે તેઓએ એવો બફાટ કર્યો છે કે જો ઇડીમાં હિંમત હોય તો મારી ધરપકડ કરીને બતાવે તેઓ મહારાષ્ટ્રની શાંતિ ડહોળવાના પ્રયાસો કરી રહ્યા છે.