અન્ન એવું મન… આહાર એવો ઓડકાર… આહારને આરોગ્યનો પાયો ગણવામાં આવે છે. આપણા ભોજનની થાળીમાં સંપૂર્ણ આહારની એક આગવી વિશિષ્ટતા, પરંપરા અને ભોજન, સંસ્કૃતિ અને પાક શાસ્ત્રનું સંપૂર્ણપણે તાલમેલ મેળવવામાં આવ્યો છે પરંતુ આજે આપણી થાળી સ્વાસ્થ્યપ્રદ કરતા સ્વાદપ્રદ વધુ બની છે અને સ્વાસ્થ્યનું સત્વ લુપ્ત થઈ ગયું છે.
‘વર્લ્ડ ફૂડ સેફટી ડે’ની ઉજવણી ભલે હાઈઝેનિક ફૂડ અંગે જાગૃતતા કેળવવા માટે બનાવવામાં આવતું હોય પરંતુ ભોજન પરંપરા અને થાળી સંસ્કૃતિ સંપૂર્ણપણે સમતોલ આહાર અને બાળકથી લઈ વૃદ્ધ સુધીના તમામ વયના લોકો માટે બેલેન્સ ડાયેટની ખેવના કરવામાં આવી છે પરંતુ આજે થાળીનું સ્વાસ્થ્ય સત્વ ક્યાંક ખોવાઈ ગયું છે.
સ્વાસ્થ્યના બદલે સ્વાદના મહત્વની સાથે સાથે ઉત્પાદન વધારવા માટે હાઈબ્રીડ બિયારણ બિનજરૂરી જંતુનાશક દવાઓ, યુરીયા, ડીએપી જેવા ખાતરોના કારણે ઉત્પાદન વધ્યું હશે પરંતુ ખોરાકનું સત્વ લોપ થઈ ગયું છે. સાથે સાથે જનીન ખામી અને શરીરના કોષની સાઈકલને ખંડીત કરી કેન્સર જેવા રોગો માટે આપણો જ ખોરાક જવાબદાર બન્યો છે.
‘ંઈમ્યુન સીસ્ટમ’ની વાતો થાય છે પરંતુ રોગ પ્રતિકારક શક્તિ વધારનારા ખોરાકો પ્રત્યે બેદરકારી સેવાઈ રહી છે. ભોજનની થાળીએ જ આરોગ્યની પથારી ફેરવી છે અને ખોરાકથી જ સમસ્યાની ચિંતા વધી છે. બિનજરૂરી દવા, ખાતરના ઉપયોગથી ખેતી ઉપજાવ થઈ હશે પરંતુ આરોગ્યપ્રદ રહી નથી. અત્યારે કેલ્શીયમ વધારવા માટે કેળા ખાવા હોય તો પણ કેમીકલથી પકાવ્યા વગરના કેળા ગોતવા ક્યાં ?, કેરીને ભોજનનું અમૃત ગણવામાં આવે છે પરંતુ કાર્બેટ વગર પકાવેલી કેરી બજારમાં જ મળતી નથી. ભોજનની થાળીમાં કઠોળ, લીલોતરી, દાળભાત, શાક, આરોગ્યપ્રદ રોટલી, ફરસાણ, અથાણુ ઘેરે બનાવેલી મિઠાઈના મેનુવાળી થાળી સંપૂર્ણપણે બેલેન્સ ડાયેટ અને પુરક પોષક આહાર નિમીત બને છે.
પરંતુ આ થાળીમાં વાપરવામાં આવતું શાકભાજીથી લઈ કઠોળ સુધીના ઓર્ગેનિક સત્વો હવે બાકી રહ્યાં નથી. સ્વાદ અને ફાસ્ટફૂડની આંધળી દોટમાં આપણા આહારમાં ખાવાનું હોય તે ભુલાઈ ગયું છે અને ન ખાવાનું ખવાય છે. ખોરાકની સાત્વીકતા અને ‘ફૂડ સેફટી’ના પ્રમાણ આપણા રસોડામાં જ જળવાતા નથી તો બહારના ખોરાક અને ભોજન વ્યવસ્થામાં ફૂડ સેફટીની દરકાર કરવી.
આપણી થાળી સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે શું કરવું તે વિચારનો વિષય બન્યો છે. માનવીએ હવા, પાણી અને પર્યાવરણનું પ્રદુષણ એટલી હદે વધારી દીધુ છે કે, તે પોતાના ઉભા કરેલા પ્રદુષણના પાંજરામાં પુરાઈ ચૂક્યો છે. હવામાં બિનજરૂરી ઝેરી ગેસના પ્રદુષણ પાણીમાં જરૂરી ખનીજ તત્ત્વો અંગેની બેદરકારી વચ્ચે લોકોમાં આરોગ્ય અને હાઈઝેનિક ખોરાકની સાવચેતી વધી છે, મિનરલ વોટર પિવાય છે પરંતુ મિનરલ વોટરમાં ક્યાં ક્યાં મિનરલ્સ છે તેની ખેવના રખાતી નથી.
ખોરાકમાં પણ હવે ઓર્ગેનિક ખોરાક અને પ્રદુષિત ન હોય તેવા શાકભાજી, ફળફળાદી, અનાજ અંગે જાગૃતિ આવી છે પરંતુ આવી વસ્તુઓ સહેલાઈથી ઉપલબ્ધ નથી. આપણી થાળીને સ્વાસ્થ્યપ્રદ બનાવવી હવે આવશ્યક છે. કોરોનાએ ઈમ્યુન સીસ્ટમની કિંમત કરાવી દીધી, રોગપ્રતિકારક શક્તિ ખોરાકમાંથી જ પ્રાપ્ત થાય છે ત્યારે આપણી થાળીને સ્વાસ્થ્યપ્રદ બનાવવાની જરૂર હવે સમજવી જોશે. હાઈઝેનિક અને ઓર્ગેનિક ખોરાકની ઉપલબ્ધી ચોખ્ખુ ખાવાનું મળે, બને અને ખોરાકના સત્વ પૂરેપુરા જળવાઈ રહે તેવી વ્યવસ્થા થકી આપણી થાળીને સ્વાસ્થ્યપ્રદ બનાવવી જ જોશે.