હોળાષ્ટક ઉતરતાની સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદેદારો તથા કારોબારીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે. ગઈકાલે રાષ્ટ્રીય અનુસુચિત જાતીનાં હોદેદારોની નિમણુંક કરાય બાદ પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદેદારોની નિમણુંક કરવાની પ્રક્રિયા તેજ બનાવી દેવામાં આવી છે. હાલ અમૂક નામોની ચર્ચા વિચારણામાં પણ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલની નિમણુંકને છ માસથી પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં હજી સુધી પ્રદેશ દ્વારા વિવિધ મોરચાનાં હોદેદારોના નામોની સત્તાવાર ઘોષણા કરવામા આવી નથી. આ ઉપરાંત પ્રદેશ ભાજપ કારોબારીની પણ જાહેરાત કરવામાંઆવી નથી જોકે આ માટે એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે, વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી ત્યારબાદ દિવાળીના તહેવારો અને પછી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીનાં કારણે પ્રદેશ ભાજપ દ્વારા સમયના અભાવે મોરચાના હોદેદારોના નામો જાહેર કરવામાં આવ્યા નથી. અલગ અલગ જિલ્લા અને મહાનગરોનાં હોદેદારોના નામોની જાહેરાત કરાયા બાદ નિયુકતીની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી.
ભાજપના બંધારણ મુજબ પક્ષમાં હાલ અલગ અલગ છ મોરચાઓ કાર્યરત છે. જેમાં યુવા મોરચો, મહિલા મોરચો, અનુસુચિત જાતી મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો અને કિશાન મોરચાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પ્રદે પ્રમુખની નિયુકતના એકાદ મહિનાના સમયગાળામાં વિવિધ મોરચાના હોદેદારોનાં નામોની જાહેરાત કરી દેવામાં આવતી હોય છે.
પરંતુ સી.આર. પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુંક બાદ તરત રાજયમાં ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી, ત્યારબાદ દિવાળીના તહેવારો અને પછી રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવતા સતત વ્યસ્તતાના કારણે મોરચાનાં હોદેદારોની નિમણુંક થઈ શકી ન હતી. હવે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પક્ષની ઐતિહાસીક જીત થઈ ચૂકી છે. અને તમામ સ્થળે હોદેદારોની નિમણુંક પણ કરી દેવામાં આવી છે.ત્યારે હવે મોરચાના હોદેદારોની નિમણુંકની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે.
ગઈકાલે રાષ્ટ્રીય અનુસુચિત જાતી મોરચાના હોદેદારોના નામોની ઘોષણા કરી દેવામાં આવી છે.જેમાં ગુજરાતનાં પાંચ આગેવાનોનો સમાવેશ કરવામા આવ્યો છે. હવે હોળાષ્ટક ઉતરતાની સાથે જ પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ છ મોરચાના હોદેદારોની નિમણુંક માટેની પ્રક્રિયા શરૂ કરશે. સંભવત: આવતા સપ્તાહે ભાજપ દ્વારા વિવિધ છ મોરચાનાં પ્રમુખ સહિતના હોદેદારોના નામોની ઘોષણા કરી દેવામાં આવશે. ત્યારબાદ શહેર અને જિલ્લા કક્ષાએ મોરચા અને કારોબારી સભ્યોની પણ વરણી કરવામાં આવશે. સ્થાનીક સ્વરાજયની ચૂટણીમાં ટીકીટ આપવા માટે ભાજપે અમુક નિતી નિયમો નકકી કર્યા હતા. જેના કારણે લાયક અને સીનીયર હોવા છતા અનેક અગણીઓની ટિકીટ કપાઇ હતી. જેથી ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. જે લોકો ટિકીટથી વંચીત રહ્યા છે. તેવો નેતાઓને મોરચામાં હોદેદાર બનાવવામાં આવશે અથવા બોર્ડ-નિગમમાં સ્થાન આપવામાં આવશે. તેવી અટકળો પણ ચાલી રહી છે. આવતા સપ્તાહ જયારે પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ 6 મોરચાના હોદેદારોને નિમણુક કરવામાં આવશે. ત્યારે કેટલાક મોટા માથાઓને પણ પદ અપાઇ તેવુ લાગી રહ્યુ છે. જે નેતાઓ સંગઠનમાં સ્થાન નહી મળે તેને બોર્ડ-નિગમમાં સમાવેશ કરી લેવામાં આવે તેવી સંભાવના પણ હાલ દેખાઇ રહી છે. હોળષ્ટક ઉતરતાની સાથે ભાજપ દ્વારા વિધિવત રીતે મોરચાના હોદેદારોની નિમણુક કરવા અને કરોબારીની રચાના કરવા માટેની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે. આવતા સપ્તાહ એ વિવિધ 6 મોરચાના પ્રમુખ-ઉપપ્રમુખ અને મહામંત્રી સહિતના હોદ્દેદારોના નામોની ઘોષણા કરી દેવાશે.