જ્ઞાનવાપી કેમ્પસમાં હવે વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાશે : હાઇકોર્ટએ અરજી સ્વીકારી
અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટએ એએસઆઈ (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ)ને કેમ્પસમાં મળેલા ‘શિવલિંગ’ની કાર્બન ડેટિંગ કરવાની મંજૂરી આપી છે. જોકે, સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.
અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે દરમિયાન મળી આવેલા શિવલિંગના કાર્બન ડેટિંગ ટેસ્ટ અને વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારી લીધી છે અને એએસઆઈને શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના તેનું કાર્બન ડેટિંગ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. વારાણસીની અધીનસ્થ અદાલતે યથાસ્થિતિ જાળવી રાખવાના સુપ્રીમ કોર્ટના આદેશને કારણે કાર્બન ડેટિંગ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો હતો, જેને પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે વારાણસી કોર્ટના આદેશને રદ કર્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાએ લક્ષ્મી દેવી અને અન્ય લોકોની અરજી પર આ આદેશ આપ્યો છે.
આ અરજી પર રાજ્ય સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ એમસી ચતુર્વેદી અને ચીફ પરમેનન્ટ એડવોકેટ બિપિન બિહારી પાંડેએ પક્ષ રજુ કર્યો હતો. એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુ શંકર જૈન અને જ્ઞાનવાપી મસ્જિદ વતી એસએફએ નકવીએ અરજી રજૂ કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકારના એડવોકેટ મનોજ કુમાર સિંહને પૂછ્યું હતું કે, શું શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના કાર્બન ડેટિંગ કરી શકાય? કારણ કે, આ તપાસથી શિવલિંગના આયુષ્યનો ખુલાસો થશે. એએસઆઈએ કહ્યું હતું કે, શિવલિંગનું કાર્બન ડેટિંગ ટેસ્ટ નુકસાન વિના કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી કેમ્પસમાં કમિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન, 16 મે, 2022ના રોજ, કેમ્પસમાં એક કથિત શિવલિંગ મળી આવ્યું હતું. જેના માટે જિલ્લા કોર્ટ, વારાણસીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં એએસઆઈ પાસેથી વૈજ્ઞાનિક સર્વેની માંગ કરવામાં આવી હતી. જો કે, જિલ્લા અદાલતે એમ કહેતા અરજી ફગાવી દીધી હતી કે, સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે. આ સ્થિતિમાં સિવિલ કોર્ટને આદેશ આપવાનો અધિકાર નથી.
બાદમાં 14 ઑક્ટોબર 2022ના રોજ, અરજી ફગાવી દેતા જિલ્લા ન્યાયાધીશના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ સિવિલ રિવિઝન અરજદાર લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક વતી દાખલ કરવામાં આવી છે. જેને કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ સ્વીકારી લીધી છે.