વર્ષો જૂની પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવાની માંગણી સાથોસાથ જીઆઇડીસી પ્લાન્ટ માટે જૂની એફ.એસ.આઇ યથાવત રાખવા સહિતના મુદ્દે વિવિધ માંગણીઓ કરવામાં આવશે

રાજકોટ વિકાસશીલ શહેર બની રહ્યું છે અને અનેક ઉદ્યોગો અહીં સ્થાપિત પણ થઇ રહ્યા છે પરંતુ સુચારુ રૂપથી ઉદ્યોગ ચલાવવા માટે જે સાથ અને સહકાર અને સાથોસાથ જે માંગણીઓની જરૂરિયાત હોય તેને પૂરી કરવી ખુબજ જરૂરી  છે જે હજુ સુધી થઇ શકી નથી.  જેને લઇ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવેલી છે. આવતીકાલે એટલે તારીખ 12 જૂનના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતે આવી રહ્યા છે અને ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમમાં વિશેષ હાજરી પણ આપશે.

આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનેક વિવિધ માંગણીઓ પણ કરવામાં આવશે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મોટા મા પીરસનાર જેવો ઘાટ ક્યારે જોવા મળશે અને ચેમ્બરની માંગણીઓને ક્યારે પૂરી કરવામાં આવશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટને નવી ઊંચાઇએ પહોંચાડવા માટે અનેકવિધ વિકાસ લક્ષી નિર્ણય લીધા હતા જેના પરિણામે રાજકોટને એઇમ્સની સાથોસાથ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ મળ્યું છે. હવે ભુપેન્દ્રભાઈ પટેલ કે જે ગુજરાતની ધરા સંભાળી રહ્યા છે ત્યારે તેઓ રાજકોટને વધુ વિકાસશીલ બનાવવા માટે શું આપશે એ પણ એટલું જ જરૂરી છે. જ્યાં સુધી વિજયભાઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યાં સુધી ખરા અર્થમાં મોસાળે મા પીરસનાર જેવી સ્થિતિ ખરા અર્થમાં ઉદ્ભવીત થઈ હતી અને ઉદ્યોગોને ઘણો ખરો ફાયદો પણ પહોંચ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબએ વાત સ્પષ્ટ છે કે આવતીકાલના કાર્યક્રમમાં અનેક વિવિધ માંગણીઓ ની રજૂઆત કરવામાં આવશે અને તેને વહેલાસર પૂર્ણ કરવામાં આવે તે અંગે પણ ચર્ચા અને વિચારણા કરાશે. અત્યાર સુધીની એવી ઘટના હશે કે જેમાં માત્ર એક કાર્યક્રમમાં જ હાજરી આપવા મુખ્યમંત્રી રાજકોટના આંગણે આવતા હશે. ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રો દ્વારા એ વાત પણ સામે આવી રહી છે કે આવતીકાલની બેઠકમાં મુખ્યમંત્રીને જે રજૂઆતો કરવામાં આવશે તેમાં વર્ષો જૂની જે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવાની માંગણી હતી તેને વહેલાસર પૂર્ણ કરવામાં આવે એટલું જ નહીં જીઆઇડીસીના પ્લાન્ટમાં હાલ જે એફએસઆઇનો નિયમ છે તેને પણ બદલી જુના નિયમ મુજબ યથાવત રાખવામાં આવે તો ઉદ્યોગોને ઘણો એવો ફાયદો પણ પહોંચશે. ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ, કેન્દ્રીય મંત્રી અને રાજય સરકાર મંત્રીઓના આંટાફેરા સતત વધી રહ્યા છે. આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ફરી એકવાર રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.

તેઓ કાલે સાંજે ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલનમાં હાજરી આપશે.ચુંટણી નજીક આવતા દર સપ્તાહે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ અને મુખ્યમંત્રી સહિતના માંઘાતાએ રાજકોટમાં ધામા નાંખે છે. આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ માત્ર એક જ કાર્યક્રમ હાજરી આપવા માટે રાજકોટ આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું માનવું છે કે જો ઉદ્યોગોને બેઠક કરવા હોય અને અર્થવ્યવસ્થાને ધબકતી રાખવી હોય તો ઉદ્યોગોને જે માંગણીઓ છે તેને સમયસર પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે. હાલ ચુંટણીનું વર્ષ હોવાથી રાજકીય નેતાઓ સતત ઉદ્યોગકારો પાસે જતા હોય છે ત્યારે આવતીકાલે મુખ્યમંત્રી જે ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં આવી રહ્યા છે ત્યાં અનેકવિધ માંગણી તેમની સમક્ષ મુકવામાં આવશે.

રાજકોટને હજુ એક મોટી જીઆઇડીસીની જરૂરિયાત

આવતીકાલે યોજાનારા ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ચેમ્બર દ્વારા એ વાતની પણ માગણી કરવામાં આવશે કે હાલ જે રીતે રાજકોટનો વિકાસ થઈ રહ્યો છે અને નાના ઉદ્યોગો કે જેઓ તેમનો ઉદ્યોગ સ્થાપવા માટે સજજ થયા છે ત્યારે હવે રાજકોટને હજુ એક મોટી જીઆઇડીસી ની તાતી જરૂરિયાત છે. નિર્ણય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે તો તેનો ફાયદો ખૂબ જ મોટો મળશે અને રાજ્યની અર્થ વ્યવસ્થામાં પણ વધારો જોવા મળશે.

500થી 1 હજાર વાર નહીં પરંતુ હવે 5000 વારના પ્લોટ ઉદ્યોગોને મળવા જોઈએ

નવી અને મોટી જીઆઇડીસીની માંગણીની સાથોસાથ જીઆઇડીસીમાં જે પ્લોટ મળવાપાત્ર હોય તે હવે 500 થી 1000 વાર ના નહીં પરંતુ પાંચ હજાર વાર સુધી ના મળે અને 3000 મીટર ઉપર ના હોય તેવા પ્લોટની માગણી પણ કરવામાં આવી છે.

માધાપર ચોકડી પાસે ગતિશક્તિ યોજના અંતર્ગત ઈંલેન્ડ કન્ટેનર ડેપો ઉભો કરવા તખ્તો તૈયાર

ઘણા વર્ષોની મહેનત બાદ ગતિશક્તિ યોજના અંતર્ગત માધાપર ચોકડીએ ઈંલેન્ડ ક્ધટેનર ડેપો ઉભો થાય તે માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ટેન્ડરિંગની પ્રક્રિયા પણ શરૂ થશે. પ્રાપ્ત માહિતી મુજબ આ ડેપો ઉભો કરવા માટે આશરે 100 કરોડથી વધુનો ખર્ચ થશે અને તેમાં ઘણી કંપનીઓ દ્વારા રસ પણ દાખવવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર હજુ પણ પેટ્રોલ અને ડીઝલના વેટમાં ઘટાડો કરે

હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ જે રીતે વધ્યા હતા અને સરકાર દ્વારા વેટમાં ઘટાડો કર્યો તેવીજ રીતે હજુ પણ  રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલના વેટમાં ઘટાડો કરે તેવી માંગણી પણ કરવામાં આવી છે. ઘટાડો કરવામાં આવે તો રાજ્યની આર્થિક વ્યવસ્થાને એવો ફાયદો પણ પહોંચી જશે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.