વરસાદના ભરાયેલા પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા જ નથી

હાલારમાં આ વખતે મેઘાએ હેત વરસાવ્યું કે હરખમાં આવીને અતિરેક કર્યો, તે સમજાય નહીં તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ભારે વરસાદ થતાં એક ઝાટકે મોટા ભાગના મોટા-મોટા જળાશયો-ડેમોથી માંડીને ચેકડેમો, તળાવો, નદી-નાળા છલકાવી દીધા તેથી આપણે નિશ્ચિત બન્યા અને પીવાના પાણીની દોઢ-બે વર્ષની વ્યવસથા થઈ ગઈ. તદુપરાંત પાછોતરો વરસાદ ખેંચાય, તો પણ સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત થઈ ગઈ. જળાશયો ભરેલા હોવા ઉપરાંત ભૂગર્ભની જળસપાટી વધી જતાં કૂવા-બોર-ડંકીઓમાંથી પણ પાણી પુરવઠો મેળવવો સુલભ બન્યો. તળ સાજા થતાં નાની-મોટી સિંચાઈ સરળતાથી થઈ શકશે. ગરમીમાં શેકાતા હતાં, તેમાંથી રાહત થઈ ગઈ.

સિક્કાની બીજી બાજુ એવી છે કે ભારે વરસાદથી પૂર આવ્યા તો ઘણાં સ્થળે પાણી ભરાયા. પાણીના નિકાલનું સુદૃઢ વ્યવસથાઓ તો ક્યાંય છે જ નહીં, તેથી આ ભરાયેલા પાણી અને ભીની થયેલી જમીન પરના કચરા-ઉકરડાઓ નવી બીમારી અને રોગચાળાને નોતરશે. કોરોનાની બીમારી અને તેને સંલગ્ન વ્યવસથાઓમાં સરકાર હસ્તકની હોસ્પિટલો, દવાખાના, આરોગ્ય કેન્દ્રો વ્યસ્ત છે, ત્યારે નવી બીમારી-રોગચાળાની સારવાર કોણ કરશે તેવી મુંઝવણો ઊભી થઈ ગઈ છે. તે ઉપરાંત હાલારના અનેક માર્ગો ભારે વરસાદ સમયે પૂરના કારણે બંધ હતાં, તે પૈકીના મોટાભાગના માર્ગો હવે નુક્સાનના કારણે બંધ છે, કારણ કે ઘણાં માર્ગો, પુલો અને પુલિયાઓ તૂટી ગયા છે. ધોરીમાર્ગો ધોવાઈ જતા મોટા મોટા ખાડા પડી ગયા છે અને શહેરોના આંતરિક માર્ગો તથા ગામડાઓને જોડતી સડકો પણ ધોવાઈ ગઈ છે. હવે આ બધાની મરામત ક્યારે થશે તેવો સવાલ લોકો દ્વારા ઊઠાવાઈ રહ્યો છે.

જો કે, હવે તંત્રો દ્વારા થાગડ-થીગડ કરવા અને ખાડા બૂરવાના કામો હાથ ધરાશે, અને સાર્વત્રિક રિપેરીંગ માટે મોટા પ્લાન-એસ્ટીમેન્ટ મૂકાશે. તેની ફાઈલો રાબેતામુજબ ’વહેવારિક’ કે ’વ્યવહારિક’ રીતે મૂવમેન્ટ કરતી રહેશે. તે પછી ટેન્ડરો બહાર પડશે, કોન્ટ્રાક્ટો અપાશે, અને કામ ચાલુ થશે, ત્યાં કદાચ આગામી ચોમાસું આવી જશે. તે પછી ઉતાવળે કામો પૂરા કરાશે, જે પૈકી આવતા ચોમાસામાં કે પછી તે પછીના વર્ષ દરમિયાન ફરીથી આ જ પ્રકારના રિપેરીંગ થતા રહેશે. આ સાયકલ આઝાદી પછી સતત ચાલતી જ રહી છે અને હવે ’વેગીલી’ બની છે. આપણે આ વખતે કોરોનાને લઈને પણ વધુ સાવધ રહેવું પડે તેમ છે. દર વર્ષે ચોમાસા પછી આવતી બીમારીઓ આ વર્ષે ક્યાંક કોરોનાની વાહક ન બની જાય, તે માટે સજાગ રહેવું પડશે. કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે કોવિડ-૧૯ વાઈરસ ભેજવાળા ચોમાસાના માહોલમાં વધુ સમય સુધી હવામાં તરતો રહે છે. હવે સરકારો અને તંત્રો હાથ ઊંચા કરી રહ્યા છે, ત્યારે આપણે જ સાવચેતી વધારવી પડશે.

જય ટોકિઝવાળા માર્ગ પર પાણી ભરાવાની કાયમી સમસ્યા

જામનગર શહેરની મધ્યમાં જય ટોકિઝવાળો માર્ગ વરસાદની સિઝનમાં હંમેશાં સમસ્યાનું કારણ બની રહ્યો છે. આ માર્ગ પર દર વરસે માત્ર અડધો-એક ઈંચ જેવો વરસાદ પડે ત્યાં તો ગોઠણડૂબ પાણી ભરાઈ જાય છે. તેમાંય આ વરસે તો છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ પડતા આખો માર્ગ જ બબ્બે-ત્રણ-ત્રણ ફૂટ સુધી પાણીમાં ગરક થઈ ગયો હતો, અને આ માર્ગની ભૌગોલિક સ્થિતિ કે લેવલની સ્થિતિ એવી છે કે, આ માર્ગ પર ભરાયેલા પાણીના નિકાલની કોઈ જગ્યા જ નથી. પરિણામે વરસાદના વિરામ પછી પણ કલાકો સુધી પાણી ભરાયેલા રહે છે.  પાણી ઉતરી ગયા પછી ઠેરઠેર કાદવ-કીચડ તથા દુકાનદારોને ન છુટકે કાદવમાંથી પસાર થવું પડે છે. જેના કારણે આ વિસ્તારની દુકાનો, વેપાર-ધંધા બંધ રાખવા પડે છે. કોમર્શિયલ કોમ્પલેક્ષમાં અને દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. આ પાણીનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. પરિણામે દર વરસે આ સમસ્યા સર્જાય છે. મનપા તંત્ર તો વળી કોમર્શિયલ કોમ્પલેક્ષવાળાઓને નોટીસો ફટકારી બહાદુરી બતાવી રહ્યું છે… આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૃરી છે.

જામ્યુકોની બાજુના માર્ગે મોટા ખાડા

જામનગર મહાનગર પાલિકાના ભીડભંજન મહાદેવની સામે આવેલા ગેઈટની બરાબર સામે રોડ પર જ મોટો ખાડો જોવા મળી રહ્યો છે. અહીંથી તળાવની પાળ તરફ  જતા માર્ગે પડેલો ખાડો કોઈ વૃક્ષ ઉખડી જતા પડ્યો હોય તેમ જણાય છે આ જ માર્ગે આગળની સડકમાં પણ ખાડા-ખડબા દેખાઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકો અને વટેમાર્ગુઓને ભારે પરેશાની થઈ રહી છે. જામનગર મહાનગર પાલિકાની મુખ્ય કચેરી પાસે જ આવી સ્થિતિ છે, તો નગરમાં અન્ય માર્ગોની કેવી દુર્દશા થઈ હશે, તેની કલ્પના થઈ રહે છે. હજુ સુધી આ ખાડાઓ બૂરીને માર્ગોની મરામત થવાના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. જામનગરમાં ભારે વરસાદ થતા અનેક સડકો તૂટી ગઈ છે. જ્યાં જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે (કે તકનો લાભ લઈને હટાવી દેવાયા છે) ત્યાં આ જ પ્રકારના ખાડા પડી ગયા હશે, એટલું જ નહીં, ભારે વરસાદના કારણે તકલાદી સડકો તૂટી-ફૂટી ગઈ હશે, પરંતુ તંત્રો દ્વારા મરામત કરવાની કોઈ હિલચાલ થઈ રહેલી જોવા મળતી નથી.

વ્હોરાના હજીરા પાછળ જર્જરિત બેઠો પુલ પૂરના કારણે નષ્ટ

જામનગરમાં ભારે વરસાદ થતાં રંગમતિ-નાગમતિ નદીઓમાં પૂર આવતા વ્હોરાના હજીરાની પાછળના ભાગમાં આવેલો જર્જરિત બેઠો પુલ બેસી જતાં નષ્ટ થઈ ગયો છે. અગાઉ પણ તંત્રોનું ધ્યાન દોરવા માટે આ પુલની તસ્વીરો સોના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેમ છતાં તંત્રો દ્વારા કોઈ ધ્યાન ન દેવામાં આવતાં ગઈકાલે આવેલા પૂરમાં આ બેઠો પુલ નષ્ટ થઈ ગયો છે. નવા બનાવવામાં આવેલા પુલની પણ રેલીંગો પૂર આવતાં તૂટી ગઈ છે. તે ઉપરાંત ઝાડી-ઝાંખરા અને પૂરમાં તણાઈને આવેલો કચરો પરાઈ જતા આ પુલ નર્કાગારમાં ફેરવાઈ ગયો છે. રંગમતિ-નાગમતિ નદીમાં પ્રિ-મોન્સુન કામગીરી પણ કરવામાં આવી નથી, જેના કારણે નદીમાં રહેલો કચરો તેમજ પૂરના કારણે આવેલ કચરો પણ પુલ પરની રેલીંગો પર પરાઈ ગયો છે. મૃત પશુ પણ તણાઈને આવે છે તે ફસાય છે. વ્હોરાના હજીરા પાછળ જર્જરિત બેઠો પુલ પૂરના કારણે નષ્ટરંગમતિ-નાગમતિ નદી પણ કચરાથી ભરપૂર છે. આ કારણે ગંભીર પ્રકારની બીમારીઓ ફેલાવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. આ પુલની સફાઈ કરીને તેનું પૂન:નિર્માણ થવું જરૂરી છે અને નદીમાંયથી પણ કચરો દૂર કરવો જરૂરી છે, પરંતુ તંત્રોને ફુરસદ મળે ત્યારે ખરૃ…!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.