- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી, ત્રણ દિવસની ઇવેન્ટને એક્શન પ્લાન ગણાવ્યો
- વડાપ્રધાને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ વિશાળ સભા સંબોધી રૂ.8000 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સૂર્ય ઊર્જાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને તે માટે ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે. તે અંતર્ગત ભારત આગામી સમયમાં 31 હજાર મેગા વોટ ઊર્જાનું ઉત્પાદન કરશે. ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી. દેશમાં સૂર્ય ઊર્જાની વાત પણ નહોતી થતી, ત્યારે ગુજરાતમાં સેંકડો સોલર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા.
વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિરમાં હાજર વિદેશી મહેમાનોને મોઢેરાના હજારો વર્ષ જૂના સૂર્યમંદિર અને સોલાર વિલેજની મુલાકાત લેવાની અપીલ કરી હતી. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિદેશી રોકાણકારોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારત ખરેખર તમારા માટે સારા રિટર્નની ગેરન્ટી છે. ભારત જી-20 માં પહેલો એવો દેશ છે, જેણે પેરિસમાં નક્કી કરેલી ક્લાઇમેન્ટ કમિટમેન્ટની ડેડલાઇન 9 વર્ષ પહેલાં હાંસલ કરી લીધી છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના સાથે જોડાનારા દરેક પરિવાર ક્લાઇમેન્ટ ચેન્જ સાથે મુકાબલો કરવામાં પણ મોટું યોગદાન આપશે. રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાતે 100 ગીગા વોટ સુધી પહોંચવાનો સંકલ્પ કર્યો છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવી હતી. આ પછી બપોરે 12 વાગ્યે રાજભવન ગયા હતા. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપી હતી. અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. તો 3:30 વાગ્યે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપી હતી. જ્યાં 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યા હતા. હવે સાંજે 6 વાગ્યે રાજભવન જશે.
ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનશે
સૌર ઊર્જાનું મહત્ત્વ સમજાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘2030 સુધી રિન્યુએબલ એનર્જી પાર પાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પીએમ સૂર્ય ઘર વીજળી યોજનાનો અભ્યાસ કરવો જોઇએ. આ યોજના થકી ભારતનું દરેક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઇ રહ્યું છે. 3 લાખથી વધુ ઘરમાં આ યોજના થકી સોલાર ઇન્સ્ટોલેશનનું કામ પૂરૂં થઇ ગયું છે. એક નાનકડો પરિવાર સરેરાશ 250 યુનિટની વીજળીની ખપત કરે છે, જે હવે 25 હજાર રૂપિયા બચત કરશે. ગ્રીન જોબની તકો ઘણી ઝડપથી વધશે, વેન્ડરોની જરૂર પડશે. આ યોજના થકી 20 લાખ રોજગારીનું સર્જન થશે.
આપણા માટે ક્લાઈમેટ ચેન્જ ફેન્સી વર્ડ નથી
વડાપ્રધાને ક્લિન એનર્જીની વાત કરી વખતે મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે, ‘આ મહાત્મા મંદિરનું નામ ગાંધીજીના નામે છે. મહાત્મા ગાંધીના જીવનના પાયામાં મિનિમમ કાર્બન ફૂટ પ્રિન્ટ હતું. આપણે પણ માનવજાતના ભવિષ્યની ચિંતા કરવાની છે અને આપણા એ જ સંસ્કાર છે. ભારત આગામી એક હજાર વર્ષનો આધાર તૈયાર કરી રહ્યું છે. ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય થયો હતો. હવે ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે, જેણે ભારતમાં પહેલી સોલાર પોલિસી ઘડી હતી. આપણા માટે ક્લાઈમેટ ચેન્જ ફેન્સી વર્ડ નથી.’
મોદીએ વડસર એરફોર્સ સ્ટેશન અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી સપ્ટેમ્બરે અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રી સાથે વડસર જવા રવાના થયા હતા. ત્યાં તેમણે વડસર એરફોર્સ સ્ટેશન અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. બાદમાં તેઓ રાજભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદીએ રાજભવનમાં જ રાત્રિરોકાણ કર્યું હતું. હવે તેઓ ગુજરાતમાં અન્ય વિકાસ કામોના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરશે.
ભારતમાં 31 હજાર મેગા વોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમની સરકારના ત્રીજા કાર્યકાળની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘60 વર્ષ પછી પહેલીવાર કોઈ સરકાર ત્રીજી વાર ચૂંટાઇ છે. 140 કરોડ ભારતીયો દેશને વિશ્વના ટોપ થ્રી ઇકોનોમીમાં પહોંચાડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આ ઇવેન્ટ પણ એક એક્શન પ્લાન છે. અહીં આગામી 3 દિવસ સુધી એનર્જીના ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. ભારતના ઝડપી વિકાસ માટે અમે દરેક સેક્ટર અને ફેક્ટર તપાસ્યા છે. અમે આગામી ત્રણ વર્ષમાં 7 કરોડ ઘર બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. ગ્રીન એનર્જી માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ભારત આગામી સમયમાં 31 હજાર મેગા વોટ પાવરનું ઉત્પાદન કરશે. પહેલા જ 100 દિવસમાં અમે અમારું વિઝન સાબિત કરી દીધું હતું. અમે શરૂઆતના દિવસોમાં જ અનેક હાઈસ્પિડ કોરિડોરને પણ મંજૂરી આપી દીધી છે.
ગાંધીનગરમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લેતા વડાપ્રધાન
મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યૂએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં હાજરી આપતાં પહેલાં રાજભવનથી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી. તેમણે ગાંધીનગરના વાવોલની શાલીન-2 સોસાયટીના 53 નંબરના બંગલોમાં મુલાકાત લઈ છત પર લાગેલી સોલર પેનલ નિહાળી હતી. તેમજ બંગલો માલિક જક્સી સુથાર અને તેમના પત્ની સાથે વાત કરી હતી. વડાપ્રધાનને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા. તેમજ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.
વડાપ્રધાને ગાંધીનગર-અમદાવાદ મેટ્રો રેલનો પ્રારંભ કરાવી તેની મુસાફરી પણ માણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે તેઓએ મેટ્રોની મુસાફરી પણ કરી હતી. મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધી સવારે 8 થી સાંજે 6:35 જ્યારે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન સવારે 7:20 થી સાંજે 7:20 સુધી આ ટ્રેન દોડશે. મેટ્રો ટ્રેનની આ સુવિધા દ્વારા મોટેરા સ્ટેડિયમ સેક્ટર-1નું અંતર 35 મિનિટમાં કાપી શકાશે. મોટેરા સ્ટેડિયમથી રવાના થઇને આ ટ્રેન 17 મિનિટમાં જીએનએલયુ પહોંચશે. બંને રૂટ વચ્ચે કુલ 17 ફેરા થશે. જીએનએલયુથી ગિફ્ટ સિટીના રૂટમાં કુલ 19 ફેરા થશે