• અલ્ટીમેટમ પૂર્ણ થતાં ક્ષત્રિય સમાજની 120 સંસ્થાઓનો ‘રણટંકાર’
  • રાજ્યની 26 લોકસભા બેઠક પર ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવવા સંકલન સમિતિનું એલાન

’વટ’ભેર જીવતા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલ ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાના વિધાનથી ઉદભવેલો વિવાદ સતત મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેની વચ્ચે ગત તા. 14 એપ્રિલના રોજ રાજકોટની ભાગોળે રતનપર ગામે મળેલ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં તા. 19 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત ખેંચી લેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું પરંતુ ક્ષત્રિય સમાજનો વટ પૂરો નહીં થતાં હવે મત એ જ શસ્ત્રના સૂત્ર સાથે ક્ષત્રિય સમાજે આગામી સમયની આખી રણનીતિ જાહેર કરી છે. એકતરફ ક્ષત્રિય સમાજનો વટ છે અને બીજી બાજુ ભાજપ પણ ક્યાંક વટે ભરાયું હોય તે રીતે બંને પક્ષે વટ પકડી રાખતા હવે ચૂંટણીમાં ’કેસરીયા’ કરવા ક્ષત્રિય સમાજે લલકાર કર્યો છે.

હજારો વર્ષના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજ વટ અને સ્વમાન સાથે જીવતો હોય તેવા અઢળક દાખલા છે પણ આજના સમયમાં વટ એટલે શું તે સમજવું પણ જરૂરી છે. જ્યારથી ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ બાયો ચડાવી ત્યારથી આખો સમાજ આ આંદોલનમાં જોડાઈ ગયો છે. રતનપર ગામે ઉમટેલો જનશૈલાબ વિરોધનું પરિણામ જ હતું. હવે જયારે આટલી મોટી સંખ્યામાં આખો સમાજ ઉપસ્થિત રહ્યો હોય અને ત્યારબાદ આપવામાં આવેલ અલ્ટીમેટમ મામલે કોઈ પરિણામ ન આવે તો આંદોલન ચાલુ રાખવો પડે તે પણ વટનો જ સવાલ છે.

રતનપર ખાતે મહાસંમેલન બાદ આગેવાનો ઉપર પણ દબાણ ઉભું થયું છે, રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની સમાજની અપેક્ષા પૂર્ણ નહીં થતાં હવે આંદોલન સિવાય છૂટકો જ નહીં તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. બીજી બાજુ હવે ભાજપ માટે પણ આ મુદ્દો વટનો જ સવાલ થઇ ગયો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. રૂપાલાએ ત્રંણ વાર માફી માંગી છે અને હવે ક્ષત્રિય સમાજે તેમને માફ કરી દેવા જોઈએ છે તેવા સૂચક નિવેદનથી અમિત શાહે પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈ પણ કાળે હવે રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે નહીં. જેથી હવે ભાજપ અને ક્ષત્રિય સમાજ બંને માટે આ મુદ્દો વટનો સવાલ બની ગયો છે.

અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે ગઈકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજીત 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. બેઠકમાં રમજુભા, કરણસિંહ ચાવડા, તૃપ્તીબા રાઓલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. ક્ષત્રિય સમાજ દ્વારા અપાયેલું અલ્ટિમેટમ પૂર્ણ થયું છે. ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રૂપાલા સામે વધુ એક આંદોલનની જાહેરાત કરાઈ છે. ક્ષત્રિયોનો રોષ હજુ પણ યથાવત્ છે અને તેઓ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં છે.

અમદાવાદમાં બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સમિતિએ આગામી રણનીતિ અને આંદોલન અંગે માહિતી આપી છે. સમિતિએ તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની અને પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. સમિતિએ કહ્યું કે, રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. રૂપાલાના વિરોધમાં પાંચ ઝોનમાં પાંચ ’ધર્મ રથ’ કાઢવામાં આવશે. સંઘર્ષ લાંબો હોવાથી લીગલ ટીમ પણ બનાવવામાં આવશે.

સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, ’રાજપૂત સમાજ ઓપરેશન ભાજપ શરૂ કરશે. 120 સંસ્થાના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા છે. કાલથી તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. રોજ એક જિલ્લામાં ક્ષત્રિય મહિલા પ્રતિક ઉપવાસ કરશે. મતદાનના દિવસ સુધી ક્રમશ: ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે.

ક્ષત્રિય સમાજે તમામ બેઠકો પર વિરોધ કરવાની જાહેરાત કરી છે. બોયકોટ ભાજપ અને ’મત એ જ શસ્ત્ર’નું ક્ષત્રિય સમાજે નવું સૂત્ર આપ્યું છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા પર ક્ષત્રિય સમાજ વધુ આક્રમક રીતે કાર્યક્રમો આપશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં પરિણામલક્ષી વિરોધની જાહેરાત કરવામાં આવી છે. લોકશાહીના ઢબે શાંતિથી વિરોધ કરાશે.

ગુજરાતને પાંચ ઝોનમાં વહેંચી ‘ધર્મરથ’ દ્વારા ભાજપ વિરૂધ્ધ મતદાન કરવા આહવાન

કાળા વાવટા મુદ્દે જાહેર કરાયેલા પરિપત્રનો વિરોધ કરવામાં આવશે તેવું કરણસિંહ ચાવડાએ જણાવ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, કેસરિયો ધ્વજ ફરકાવી યુવાનો વિરોધ કરશે. ભાજપના પ્રતિનિધિઓના પ્રચારનો વિરોધ કરવામાં આવશે. ક્ષત્રિયો પાંચ ઝોનમાં પાંચ ધર્મરથ કાઢશે. આ ધર્મ રથના માધ્યમથી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકોને સમજાવવામાં આવશે. કચ્છમાં આશાપુરા મંદિરથી રથ નીકળશે. જિલ્લા સમિતિઓ ધર્મરથનું આયોજન કરશે. વિરોધ માટે યુવાનોની સમિતિ બનાવાશે.

ક્ષત્રિય સમાજનું નવું સૂત્ર, ‘મત એ જ શસ્ત્ર’

દરેક જિલ્લામાં ક્ષત્રિય સમાજના પ્રવક્તાની નિયુક્તિ કરવામાં આવશે. રાજકોટમાં આજથી ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચશે. વિરોધ માટે પણ યુવાનોની કમિટી બનાવવામાં આવશે. ક્ષત્રિય સમાજનં નવુ સૂત્ર મત એ જ શસ્ત્ર રહેશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપને હરાવવા ક્ષત્રિય સમાજે બાંયો ચડાવી છે, જેમા રાજકોટ બેઠકથી રૂપાલાને હરાવીને જ રહીશુ તેવી ચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજે જણાવ્યુ છે કે ક્ષત્રિયોની જરૂર ન હોય તો ક્ષત્રિયોને પણ ભાજપની જરૂર નથી.

સોશિયલ મીડિયા ઉપર ‘બોયકોટ પદ્મિનીબા’ જેવા મેસેજ વાયરલ

ક્ષત્રિય સમાજના આંદોલનથી ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા વિરુદ્ધ સમાજમાં જ વિરોધ વંટોળ ઉભા થયાં હોય તેવું ચિત્ર સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યું છે. ગઈકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક બાદ પદ્મિનીબાએ સંકલન સમિતિ પર સવાલ ઉઠાવ્યા બાદ સોશિયલ મીડિયામાં પદ્મિનીબાં વાળાની વિરોધ કરાઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજના વોટ્સઅપ ગ્રુપમાં ’બોયકોટ પદ્મિનીબા’ જેવી તસ્વીરો વાયુવેગે વાયરલ થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.