નિર્દોષ બાળકને ધ્યાનથી જોતી વખતે આંખ ભીની થાય તો એ પ્રેમ સન્યાસ છે: પૂજય બાપુ
તપોવન કાઠમંડુથી પ્રવાહિત રામકથાના ચોથા દિવસે બાપુએ કહ્યું કે જે ગૃહમાં સ્થિત છે,જે ભટકતા નથી ચાર દીવાલમાં રહેનારનું પણ ભટકવું બંધ થઈ ગયું છે એ ગૃહસ્થ છે.અને એ રીતે હનુમંત ગૃહસ્થ છે. કારણ કે હૃદયરૂપી ગૃહમાં રહે છે,હનુમાનજીના હૃદયમાં રામ અને રામના હૃદયમાં હનુમાન રહે છે. હનુમાન વાનપ્રસ્થ પણ છે,વનવિચરણ કરે છે.
સંન્યાસીઓમાં સતયુગમાં શંકરના રૂપમાં,ત્રેતાયુગમાં રામના સેવકના રૂપમાં,દ્વાપર યુગમાં કૃષ્ણની ધજા ઉપર અને કળિયુગમાં કથાની અંદર હનુમાન વિચરણ કરે છે.ચારે આશ્રમ,ચારે યુગ અને ચારેય વર્ણમાં હનુમાન દેખાય છે.સંન્યાસીના લક્ષણો વિશે ઉદ્ધવ કૃષ્ણને પૂછે છે.કૃષ્ણના બે પરમ સખા છે:એક અર્જુન અને બીજો ઉદ્ધવ.અર્જુન કહે છે કે અજ્ઞાનતા એવી કૂખ એવો ગર્ભ છે જ્યાંથી પાંચ વસ્તુ જન્મે છે:રાગ,દ્વેષ,અસ્મિતા,અભિનિવેષ અને અવિદ્યા.જેને પંચકલેશ પણ કહી શકાય. ગર્વને ગૌરવ કહીએ છીએ.અર્જુન કહે છે કે આ પાંચને કારણે હું આપને ઈશ્વર હોવા છતાં સખાના રૂપમાં જોઈ રહ્યો છું.ઉદ્ધવ પૂછે છે હે કૃષ્ણ! આપની સન્યાસની પરિભાષા શું છે?
અર્જુન ન્યાસ ત્યાગ અને સન્યાસ અલગ કઈ રીતે પડે એ પણ પૂછે છે.ભગવતગીતા ઉપરાંત ભાગવતના એકાદસ સ્કંદમાં સંન્યાસ વિશે સમજાવેલું છે.કૃષ્ણ કહે છે કે જમીન ઉપર નજર રાખી અને ચાલવું જોઈએ,શુદ્ધ પાણી જ પીવું જોઈએ આ સંન્યાસીનું લક્ષણ છે. ત્રિદંડી સંન્યાસી વિશે કહે છે એક દંડ વાણીનું મૌન. જરૂર પડે તો સત્ય,પ્રિય અને ખૂબ જ સીમિત બોલવું જોઈએ.બીજો દંડ છે ઈચ્છા હોય તો કદાચ નાચો પણ અકારણ શરીરને હલાવવું ન જોઈએ,નિશ્ચેતન બેસી રહેવું જોઈએ અને નિર્જન નિર્ભય સ્થાન પર રહેવું જોઈએ.જ્યારે આવી જગ્યાએ બેઠા રહીએ ત્યારે શ્વાસને ખૂબ જ મંદ કરીને રાખવા જોઈએ પ્રાણાયામ કરો તો પણ હનુમાનજી સાથે કનેક્શન છે
હનુમાન નાભિથી આજ્ઞાચક્ર સુધી ફરતા રહે છે. .રામચરિત માનસમાં પરમપ્રેમ વિશે આઠ પંક્તિઓ મળે છે જેને હું પ્રેમાષ્ટક કહું છું. અને પરમપ્રેમ એ સંન્યાસ છે. કૃષ્ણ કહે છે કે ત્રિદંડી સન્યાસીઓ પાસે આ ત્રણ વસ્તુ ન હોય અને માત્ર વાંસનો ટુકડો હોય તો એને બોજ સમજવો જોઈએ જ્યારે આપણું મન પ્રેમથી ભરાઈ જાય શરીર પુલકિત રોમાંચિત થઈ અને નાચી ઊઠે એ સંન્યાસ છે એ પરમપ્રેમ છે. પરમ પ્રેમમાં ઊઠવું પણ સંન્યાસ અને પડવું પણ સંન્યાસ છે.વિક્ષેપ મુક્ત ચિત્ત બિલોરી કાચ જેવું અંત:કરણ અહીં જરૂરી છે. કૃષ્ણનું વિલાસ પૂર્ણ-ચિદ્વિલાસ જીવન વિશે બાપુએ કહ્યું.કોઈને શુદ્ધ દૃષ્ટિથી જોતા રહીએ એ પ્રેમ સંન્યાસ છે.આ ક્રાંતિકારી નહીં શાંતિકારી સૂત્ર છે. નિર્દોષ દષ્ટિથી જોવાની વાત છે.ત્રાટક કરનારોની આંખોમાં વિષ હોય છે એની દ્રષ્ટિ થોડીક તામસી લાગે છે. નિર્દોષ બાળકને ધ્યાનથી જોતી વખતે આંખ ભીની થાય તો એ પ્રેમ સંન્યાસ છે.
–: અમૃતબિંદુઓ :—
- જ્યારે મન બુદ્ધિ અહંકાર વિસરાઈ જાય છે એ સમાધિ છે એ જ પરમપ્રેમ છે.
- અસ્મિતા છે અહંકાર પણ આપણે એને ગૌરવના રૂપમાં સ્થાપિત કરીએ છીએ.
- આપણામાં કદાચ પૃથ્વી,જળ,આકાશ,અગ્નિ તત્વ ઓછા હશે તો ચાલશે વાયુ તત્વ વગર જીવી શકાશે નહીં.
- રામ મર્યાદાનું સૌંદર્ય છે અને કૃષ્ણમાં સૌંદર્યની મર્યાદા છે.
- કબીર સાહેબ ભ્રાંતિહારી પણ છે ક્રાંતિકારી પણ છે અને શાંતિકારી પણ છે.