- વડાપ્રધાન તરીકે તેઓએ 2005માં અમેરિકા સાથે ન્યુકિલયર સંધી કરી, 2008માં ખેડુતોના 60 હજાર કરોડના દેવા માફ કર્યા
26 સપ્ટેમ્બર 1932 ના રોજ અખંડ ભારત અને હાલના પાકિસ્તાનમાં જન્મેલા ડો.મનમોહન સિંહને એક મૂઠી ઉંચેરા માનવી અને એક અનેરા રાજકારણી ગણી શકાય. સને 1991 માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ની જીત બાદ વડાપ્રધાનપદે બિરાજમાન થયેલા નરસિંહ રાવ ની પ્રથમ પસંદગી રિઝર્વ બેન્ક ના ભૂતપૂર્વ ગવર્નર ડો.આઇ. જી. પટેલ હતા પરંતુ તેમણે સક્રિય રાજકારણ માં આવવાની અનિચ્છા દર્શાવતા ની સાથે સૂચન કર્યું કે આ જવાબદારી જો ડો.મનમોહન સિંહ ને સોંપાય તો તેઓ મારા કરતાં પણ વધુ સારી રીતે જવાબદારી નિભાવશે. 1991 માં જ્યારે ડો.મનમોહન સિંહે નાણામંત્રી તરીકે શપથ લીધા ત્યારે ભારત દેશ પાસે માત્ર 37 દિવસ ચાલે તેટલું જ હુંડીયામણ હતું અને મુંબઈ સ્ટોક એક્સચેન્જ નો ઇન્ડેક્સ 975 ની આસપાસ હતો. ડો. મનમોહન સિંહે રૂપિયાનું જરૂરી અવમૂલ્યન કરી નિકાસ ને વેગ આપી ખૂબ જ ઝડપભેર દેશની આર્થિક સ્થિતી સુધારવાનું શરુ કર્યું. 1991 થી 1996 સુધી નાણામંત્રી રહ્યા અને દેશને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો પાયો નાખ્યો. આર્થિક સુધારાના તેમના પગલા આજે સમગ્ર દુનિયાએ અપનાવ્યા છે. 1994 થી 2004 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે જવાબદારી નિભાવી. 2004 માં વડાપ્રધાન પદ સંભાળતાની સાથે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા જેવા કે મનરેગા દ્વારા ગ્રામીણ રોજગારી ની તકો ઉપલબ્ધ કરવી. મિનિમમ 100 દિવસ ની રોજગારી ગેરંટી કાયદો બનાવ્યો. 2005 માં અમેરીકા સાથે ન્યૂક્લિયર સંધિ કરી.2008 માં ખેડૂતોના 60000 કરોડના દેવા માફ કર્યા. 1971 માં નાણા મંત્રાલયમાં આર્થિક સલાહકાર , 1972 માં મુખ્ય આર્થિક સલાહકાર , પછીના વર્ષોમાં યોજના આયોગ ના અધ્યક્ષ , રિઝર્વ બેંક ના ગવર્નર , વડાપ્રધાન ના સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સારી રીતે નિભાવી. અત્યંત મહત્વ ની બાબત કે જે ખૂબ ઓછા લોકો જાણે છે એ કે 2005/06 માં આંતરરાષ્ટ્રીય બજાર માંથી મોટાપાયે સોનાની ખરીદી કરવાનો નિર્ણય લઇ ફોરેક્સ રિઝર્વમાં કિંમતી ધાતુનો મજબૂત વધારો કર્યો.
આજે ભારત દેશ પાસે જે સોનાનો ભંડાર છે તે ડો.મનમોહન સિંહ ની બુદ્ધિમત્તા ને આભારી છે. જે સમયે ખેરખાં ગણાતા રાજકારણીઓ ને ગતાગમ ન હતી ત્યારે સોનાની ખરીદી કરી તિજોરી સમૃદ્ધ કરી , અને આ નિર્ણય માટે યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીને પણ વિરોધ નહીં કરવા જણાવેલું. 1987 માં ભારત નો બીજા નંબર નું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ 1993 અને 1994 માં શ્રેષ્ઠ એશિયન નાણામંત્રી નું સન્માન 1995 માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ નું સન્માન મેળવ્યુ. એક અગ્રણી રાજનેતા તરીકે કોઇપણ રાજનેતાથી અલગ હતા, તેનું મહત્વનું કારણ એ કે તેઓ ક્યારેય કોઈ ની ટીકા કરતા નહીં અને પોતે કેવી રીતે વધુ સારું કાર્ય કરી શકે એ જોતા. વધુ એક મહત્વ ની બાબત કે દશ વર્ષ વડાપ્રધાન રહેવાં છતાં કોઈ દિવસ કોઈ પણ યોજનાની જાહેરાત માં ડો.મનમોહન સિંહ નો ફોટો કોઈએ નહીં જોયો હોય.
- નાણામંત્રી બનતા પહેલા તેઓએ બે શરતો મૂકી હતી !!
આરટીઆઈ અને મનરેગા જેવા કાયદા યોજના થકી તેઓ અમર થઈ ગયા
1991માં નાણાં પ્રધાન થતાં પહેલાં મનમોહનસિંહે નરસિંહરાવ સમક્ષ બે શરતો મૂકી હતી કે જ્યાં સુધી તમે વડા પ્રધાનપદે રહો ત્યાં સુધી હું નાણાં પ્રધાન રહું જ. મને વચ્ચે ગમે ત્યારે કાઢી મૂકવાનો નહિ., કોંગ્રેસ પક્ષ માટે નાણાં એકત્ર કરવાનું કામ મારું નહિ.
પ્રથમ નાણાં પ્રધાન તરીકે અને પછી વડા પ્રધાન તરીકે મનમોહનસિંહ દ્વારા જે નીતિવિષયક પગલાં લેવાયાં તેને પરિણામે
મનમોહનસિંહ ભારતના રાજકીય અને આર્થિક ઇતિહાસમાં અમર થઈ ગયા છે.
1991માં તેમણે નાણાં પ્રધાન તરીકે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નીતિ અપનાવી તેણે ભારતનું અર્થતંત્ર જડમૂળથી બદલી નાખ્યું. એ એક મોટો આર્થિક ભૂકંપ હતો કે જે રચનાત્મક અને સંઘર્ષમય હતો. અત્યારે ભારતમાં જે કંઈ આર્થિક અને માળખાગત વિકાસ દેખાય છે અને ભવિષ્યમાં દેખાશે તે એ નીતિને આભારી છે.
2004-14ના તેમના વડા પ્રધાનપદ સમયે જીડીપીનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 7.5 ટકા રહ્યો. આટલો ઊંચો વિકાસ દર એ પહેલાં કે એ પછી કદી રહ્યો નથી.
આ જ દસ વર્ષના ગાળા દરમ્યાન બે વખત વૃદ્ધિ દર 10 ટકા કરતાં પણ વધુ રહ્યો કે જે તે પછી કદી સિદ્ધ થયો નથી. અગાઉ પણ તે એક જ વર્ષે રાજીવ ગાંધીના શાસન દરમ્યાન રહ્યો હતો. તેમના દસ વર્ષના શાસન દરમ્યાન માહિતીનો અધિકાર અને ગ્રામ વિસ્તારોમાં રોજગારીનો અધિકાર કાયદા દ્વારા પ્રસ્થાપિત થયા. મનરેગામાં તો સામાજિક ઓડિટની જોગવાઈથી પ્રત્યક્ષ લોકશાહીને બળ મળ્યું. તેમના શાસન દરમ્યાન જમીન સંપાદન કાયદામાં લોકોની સંમતિ મહત્ત્વની બને તેવો સુધારો થયો. દસ વર્ષના તેમના જ કાર્યકાળમાં શિક્ષણના મૂળભૂત અધિકારને અમલમાં મૂકવા માટેનો કાયદો થયો. તેઓ પોતે ઉદારીકરણમાં અને મુક્ત બજારમાં માનતા હોવા છતાં તેમણે અસંગઠિત ક્ષેત્રના કામદારોના સામાજિક કલ્યાણ અને સામાજિક સલામતી માટે છ કાયદાઓ ઘડ્યા. તેમણે 117 પત્રકાર પરિષદો સંબોધીને જાહેર ચર્ચાને પ્રોત્સાહન આપ્યું અને પત્રકારોને તેમણે મન કી બાત કરી. તેમના કરતાં વધુ સમય શાસન કરનાર ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુ કરતાં પણ વધુ વખત તેઓ પત્રકારોને જાહેરમાં મળ્યા અને તેમના સવાલોના ઉત્તરો આપ્યા! દ્વિમર્ગી સંવાદને તેમણે હંમેશાં એ રીતે પોષણ આપ્યું અને આમ લોકશાહીને મજબૂત બનાવવામાં ફાળો આપ્યો. સૌથી અગત્યનો મુદ્દો એ કે જ્યારે 2008-10 દરમ્યાન દુનિયાભરમાં મંદી આવી ત્યારે ભારતમાં તેની અસર ઝાઝી થઈ જ નહિ અને સરેરાશ 6.5 ટકાનો વૃદ્ધિ દર સિદ્ધ થયો એ એમની અર્થશાસ્ત્રી તરીકેની કુશળતા. લોકોને મંદીની બહુ અસર થઈ નહોતી.
મનમોહનસિંહ અકસ્માતે બનેલા વડા પ્રધાન હતા, ભલે, પણ ભારતના આર્થિક અને રાજકીય ઇતિહાસ માટે એ એક સુખદ અકસ્માત હતો
મનમોહનસિંહના શાસન દરમ્યાન થયેલા આરટીઆઈ અને મનરેગા જેવા કાયદા અત્યારના તાનાશાહી શાસનને બહુ નડે છે એ જ એમની મહાન સિદ્ધિ છે.