અકળાવતા ઉનાળા વચ્ચે ઠંડક આપનારા સમાચાર મળી રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી ચોમાસુ કેરળ પહોંચી ગયું છે. કેરળના દરિયા કિનારાના પ્રદેશમાં આજથી વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ અંદમાન નિકોબાર સુધી 21મી મેના રોજ ચોમાસુ પહોંચી ગયું હતું અને કેરળમાં આજથી દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસા માટે સ્થિતિ ઉનુકુળ છે જેથી 5 જૂન સુધીમાં ચોમાસુ ગોવા પહોંચવાની સંભાવના છે અને ગુજરાતમાં પણ 15 જૂન એટલે કે, જૂનના મધ્યમાં ચોમાસુ દસ્તક દે તેવી પૂરી આગાહી છે. પ્રિ-મોન્સુન એક્ટિવીટી તો શરૂ થઈ ચૂકી છે જેની અસરતળે સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસમાં કેટલાંક વિભાગમાં છુટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વખતે દક્ષિણ-પશ્ર્ચિમમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે. જૂનથી લઈ સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના છે. હવામાનની લાંબી અવધી સરેરાશ 98 ટકા રહેશે જે સામાન્ય શ્રેણીમાં આવે છે. ચોમાસામાં થયેલો વરસાદ સરેરાશ 88 સે.મી. છે.
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીમાં ગુજરાતમાં 15મી મે ની આસપાસ ચોમાસાનો પ્રારંભ થવાની આગાહી વ્યકત કરાઈ છે જેમાં સુરતમાં 13 જૂન, અમદાવાદમાં 14, સુરેન્દ્રનગરમાં 15 જૂન, રાજકોટમાં 18 જૂન અને ભુજમાં 21મી જૂનના રોજ પ્રારંભ થવાની સંભાવના છે. આ બાદ ચોમાસુ ગુજરાતમાં સપ્ટેમ્બર 25મી સુધી રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
ચોમાસુ 10મી મે બાદ કેરળના 14 કેન્દ્રો પર સતત બે દિવસ 2.5 મીમી કે તેનાથી વધારે વરસાદ થાય છે તો બીજા દિવસે ચોમાસુ આવવાની આગાહી કરવામાં આવે છે. જો કે પાછલો તબક્કો હાલ પૂર્ણ થઈ ચૂક્યો છે. જેમાં નક્કી કોર્ડીનેશન વચ્ચે હવાની ગતિ રેડીયેશનના સ્તરનો સમાવેશ થાય છે. ચોમાસુ ત્યારે શરૂ થાય છે. જ્યારે દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસુ પહેલીવાર કેરળના દક્ષિણ ભાગ સાથે ટકરાઈ સામાન્ય રીતે જૂનના પહેલા અઠવાડિયા અને રાજસ્થાનથી સપ્ટેમ્બરમાં પાછળ ખસી જાય છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે. જ્યારે હવામાનની 21 ટકા સંભાવના સામાન્ય કરતા ઉપર છે. આ સતત ત્રીજુ વર્ષ છે કે જ્યારે હવામાન વિભાગે સારા વરસાદની ભવિષ્યવાણી કરી છે.
ત્યારે હવે દક્ષિણ-પશ્ર્ચિમના ગરમ પવન ફૂંકાવાના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. જો કે બીજીબાજુ હવામાન વિભાગ દ્વારા છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળમાં તો ચોમાસુ બેસી ગયું છે ત્યારે ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીની અસર વર્તાઈ રહી છે. જેને લીધે ઝાપટા પડી શકે છે જેથી હવે જોવાનું રહ્યું કે, ગુજરાતમાં ચોમાસુ 15 જૂન પછી કઈ તારીખે દસ્તક દેશે ?
ચોમાસુ મોડુ આવવાના કારણો
ચોમાસુ મોડુ થવાના અનેક કારણો હોય છે. સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસુ દસ્તક દેતું હોય છે. જો કે ક્યારેક ચોમાસુ મોડુ થવાના મુખ્ય કારણમાં દક્ષિણમાં પવન બંધાય, આ પવન નેતૃત્વના પવનો હોય છે અને આ પવનની ગતિ ક્યારેક ધીમી પડી જાય છે. જેના કારણે ચોમાસુ ગુજરાતમાં મોડુ આવે છે. આ ઉપરાંત અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં વાવાઝોડાની સીસ્ટમ બને ત્યારે નેતૃત્વના ચોમાસાની સીસ્ટમ વેર વિખેર થઈ જાય છે. જેને લીધે સીસ્ટમ બનતા એક અઠવાડીયું લાગે અને ચોમાસુ મોડુ દસ્તક લેતુ હોય છેે. આ ઉપરાંત અમેરિકાના પેસીફીક મહાસાગરના તાપમાનના આધારે પણ ચોમાસુ ક્યારે દસ્તક લે તે નક્કી થતું હોય છે તેના તાપમાનમાં ફેરફાર થાય તો ચોમાસુ મોડુ તો આવે છે પરંતુ વરસાદ પણ ઓછો થાય છે.
વહેલું ચોમાસુ બેસવાના કારણો
સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસુ 15 થી 20 જૂન દરમિયાન બેસે છે. જ્યારે ઘણીવાર મોડુ દસ્તક લે છે તો ઘણીવાર વહેલુ હોય છે. વહેલા આવવાના કારણોમાં અરબી સમુદ્રમાં જે સીસ્ટમ બને. આ સીસ્ટમના કારણે પવનોની ગતિ ક્યારેક વધારે હોય છે. જેને લઈને ચોમાસુ ગુજરાતમાં 15 જૂન પહેલા પણ દસ્તક દેતુ હોય છે. સીસ્ટમને કારણે વાદળો બનવાની પ્રક્રિયા ક્યારેક ઝડપી તો ક્યારેક મંદ હોય છે ત્યારે સૌપ્રથમ કેરળમાં ચોમાસુ દસ્તક દે ત્યારબાદ ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસુ એન્ટ્રી લે છે.