નારી તુ નારાયણી !!!
મહિલાઓને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. નારી તું નારાયણી અને મહિલાને જગત જનની તરીકે શાસ્ત્ર અને ધર્મની સ્વીકૃતિ, માન મર્યાદા અને મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ અત્યારે સમાજમાં મહિલાની પરિસ્થિતિ શું છે તેમાં કથની કરણીમાં આસ્માન-જમીનના ફરક જેટલો તફાવત જોવા મળે છે. 8મી માર્ચે વિશ્ર્વ મહિલા દિવસ તરીકેની ઉજવણી થાય છે પરંતુ સમાજમાં સ્ત્રીઓની શક્તિની સ્વીકૃતિ ક્યારે થશે તે કોઈ કહી શકે તેમ નથી. નારી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. પુરૂષ સમોવડી સમાજમાં મહિલાને ક્યારેય અવ્વલ દરજ્જે જોવામાં આવતી નથી. મનુષ્ય દેહીક રીતે પણ પુરૂષ કરતા મહિલાની બંધારણીય ઉપલબ્ધી અને દેહીક રચનામાં મહિલાઓ સવિશેષ શક્તિશાળી હોય છે. મહિલાઓના ડબલ એકસ રંગ સુત્ર રોગ પ્રતિકારક શક્તિથી લઈ આત્મબળ, બુદ્ધિપ્રતિભા અને કોઠાસુઝમાં પુરૂષના એકસવાય રંગ સુત્રથી હંમેશા ચડીયાતી માનવામાં આવે છે. ધર્મસંહિતા અને શાસ્ત્રમાં પણ મહિલાઓને શક્તિશાળી અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ આધુનિક યુગમાં મહિલાઓનું શોષણ અને સમાજની કુપમેડક જેવી ટૂંકા દ્રષ્ટિકોણથી હંમેશા મહિલાઓને જ સહન કરવાનો વારો આવે છે. આધુનિક યુગમાં સામાજિક અન્યાય હોય કે, સામાજિક શોષણ હેરાનગતિનો ભોગ સવિશેષ મહિલાઓને જ બનવું પડે છે. શાળા-કોલેજમાં ભણતી દિકરીઓને કોઈની હેરાનગતિમાં ક્યારેય પરિવારનો સહકાર મળતો નથી. સમાજના મહિલાઓ પ્રત્યેના દ્રષ્ટિકોણમાં જ મોટી ખોટ વર્તાય છે. શાળા-કોલેજમાં ક્યારેય કોઈની સત્તામણીનો બનાવ બને તો દિકરીને હિંમત આપીને નઠારાઓને સીધા કરવાના બદલે દિકરીને અન્યાય કરીને શાળા-કોલેજોમાં જવાની મનાઈ ફરમાવનાર સમાજને મહિલા દિવસની ઉજવણીનો કોઈ અધિકાર નથી.
આદિકાળથી આજ સુધી અગ્નિપરીક્ષા હંમેશા સીતાએ જ આપવી પડે છે. કાનૂનની મર્યાદા હોય કે કાયદાનું રક્ષણ મહિલાઓને જ પોતાની નિર્દોષતા સાબીત કરવી પડે છે. માત્ર કાગળ પર મહિલા દિવસની ઉજવણી કરવાના બદલે મહિલાના સામાજીક અધિકારો અને ધર્મ પરંપરાઓના નામે મહિલાઓનું જ્યારે સંપૂર્ણપણે શોષણ બંધ થશે, સમાજમાં દિકરા-દિકરી વચ્ચેનો ભેદ ભુલાઈ જશે, મહિલાઓથી જ થતાં અન્યાયોને પોષવાનું સમાજ બંધ કરશે ત્યારે જ મહિલા દિવસની ઉજવણી સાર્થક ગણાશે. બંધારણીય અધિકારો અને કાયદાકીય સુરક્ષાના કાયદાઓની તટસ્થ અમલવારી સમાન અધિકારોની વાતો થાય છે પરંતુ પુરૂષ પ્રધાન દેશમાં સાયરા હોય કે સરીતા નિર્દોષતા માટે મહિલાઓને જ પરીક્ષા આપવી પડે છે. મહિલા દિવસની ઉજવણીનું ખરૂ મર્મ ત્યારે જ સાર્થક થશે જ્યારે મહિલાઓના અધિકારનું રક્ષણ થશે.
આધુનિક સમયમાં પણ મહિલાઓને પુરૂષ સમોવડી ગણવામાં આવે છે પરંતુ સમાજમાં ક્યારેક-ક્યારેક જ્યારે મહિલાઓ આગળ આવવાની હિંમત કરે છે ત્યારે સમાજની કહેવાતી વ્યવસ્થા જ પગમાં જંજીરો નાખે છે. મહિલાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ મહિલાઓની આ શક્તિની સ્વીકૃતિ કરવામાં સમાજ નાનપ અનુભવે છે. જ્યારે મહિલાની શક્તિની ખરા અર્થમાં સ્વીકૃતિ થશે ત્યારે જ મહિલા દિવસની ઉજવણીનો સમાજને હક્ક બનશે.