હેલ્મેટના મુદે ‘આ માથુ મારૂ’ કહી બુમબરાડા પાડનારને માનવ જીવન રાષ્ટ્રની સંપત્તી હોવાનું કોણ સમજાવશે?
ટ્રાફિક નિયમનના કડક નિયમનના વિરોધમાં રસ્તા પર ઉતરી આવેલા અગ્રણીઓ દારૂની બદી સામે જનજાગૃતિ અભિયાન કયારે છેડશે?
નશો કરી બાઇક ચલાવનારની અને રાહદારીની જીંદગી માટે જીંદગી બચાવવાના તંત્રના પ્રયાસને સહયોગ આપવો જરૂરી
અબતક-રાજકોટ
માનવ જીવનને રાષ્ટ્રની સંપત્તી માનવામાં આવે છે તે બંધારણમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું હોવાથી સરકાર દ્વારા માનવ જીવનનો અકાળે અંત ન થાય તે માટે જનજાગૃતિ અભિયાન દ્વારા અને જરૂર પડે ત્યાં કાયદો બનાવીને રાષ્ટ્રની સંપત્તી માનવ જીવન બચાવવા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક લેભાગુઓ પોતાના અંગત સ્વાર્થ માટે સરકારની ટીકા કરી પોતાનો રાજકીય રોટલા સેકવા પ્રજાને ગેર માર્ગે દોરી લોકોની સલમાતિ માટે બનાવવામાં આવેલા કાયદાનો બીન જરૂરી વિરોધ કરી હવનમાં હાડકા નાખી રહ્યા છે. હેલ્મેટનો વિરોધ કરનારાઓએ નશો કરી બાઇક ચલાવનારની પડખે ઉભા રહેવાના બદલે દારૂબંધીનો કંઇ રીતે કડક અમલ થાય અને કંઇ રીતે માનવ જીવન બચાવી શકાય તેવા પ્રયાસ કેમ કરવામાં આવતા નથી તેવા બુધ્ધીજીવીઓ સવાલ કરી રહ્યા છે.
શહેરમાં નવરાત્રી તહેવાર નિમિતે ટ્રાફિક નિયમન સરળ રીતે થઇ શકે તે માટે જાહેર માર્ગ પર વાહન ચેકીંગ ઝુંબેશ હાથધરી હતી તે દરમિયાન શહેરના વિવિધ માર્ગ પરથી આઠ જેટલા શખ્સો દારૂનો નશો કરેલી હાલતમાં બાઇક ચલાવતા મળી આવ્યા હતા. દારૂનો નશો કરી સર્પ આકારે બાઇક ચલાવી પોતાની તેમજ રાહદારીની જીંદગી જોખમમાં મુકનાર સામે પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી જીવન બચાવવા પ્રયાસ કર્યો છે. દારૂના નશામાં જીવલેણ અકસ્માત સર્જાવવાની ઘટનાનું પ્રમાણ વધુ નોંધાયેલું છે. દારૂ પી બાઇક ચલાવવાથી રાહદારી સાથે અકસ્માત ન થાય તો પણ ચલાવનાર પોતાની જીંદગીનું જોખમ વધુ રહે છે. ત્યારે તેના પરિવારજનો એક સભ્ય ગુમવે નહી અને દેશ એક રાષ્ટ્રની સંપત્તી ગુમાવે નહી તે માટે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. માનવ જીંદગીનો સવાલ હોય ત્યારે તંત્રની કડક કાર્યવાહી સામે બુમબરાડા પાડનાર એનજીઓ પોતાનું અસ્થિત્વ ટકાવવા હીન પ્રયાસ છોડી તંત્રને સહકાર આપવા આગળ આવવું જરૂરી બન્યું છે.
રાજકોટમાં ઝડપાયેલા આઠ નશાખોરો સામે પોલીસે કાર્યવાહી કરી ન હોત તો આઠ પૈકી એકાદ બાઇક ચાલક અકસ્માત સર્જે અને નિર્દોષ વ્યક્તિનો ભોગ લઇ અકાળે જીવન દીપ બુઝાવે નહી તેની તકેદારી માટે કાર્યવાહી કરવામાં આવી છે.
આ માથુ મારૂ છે કહી હેલ્મેટનો વિરોધ કરનારે કયારેક નશાખોર જીવલેણ અકસ્માત સર્જે ત્યારે મૃતકના પરિવારની સ્થિતી શું થાય અને આવી બીજી વ્યક્તિ ભુલ ન કરે તે માટે જનજાગૃતિ એનજીઓ દ્વારા છેડી લોકોની ખરા અર્થમાં સેવા કરવી જરૂરી બન્યું છે નહી કે તંત્ર દ્વારા છેડવામાં આવેલા ભગીરથ કાર્યમાં રોળા નાખી વિધ્ન ઉભા કરવા પોતાનાથી માનવ જીંદગી બચાવવા કંઇ થઇ ન શકે ત્યારે તેઓએ આવા ભગીરથ કાર્યનો વિના કારણે વિરોધ કરી સમાજની કુસેવા ન કરવી જોઇએ તંત્રએ પણ અર્થહીન વિરોધને બેધ્યાન કરી રાષ્ટ્રને કંઇ રીતે વધુ સુદ્રઢ બનાવવો તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે.