સુપ્રિમકોર્ટના 2016ના આદેશ બાદ 2019 સુધીની છૂટ હતી પણ આજે પણ બિન લાયકાતી શિક્ષકો છાત્રોને ભણાવી રહ્યાં છે
ગુજરાતની સરકારી શાળામાં 100 ટકા લાયકાત વાળા હાઇ ક્વોલીફાઇડ શિક્ષકો શિક્ષણ આપી રહ્યાં છે, પણ ખાનગી શાળામાં આ બાબતે ગંભીરતા લેવાતી નથી, આજે બધાને તાલીમ લીધા વગર ‘માસ્તર’ બનવું છે
ડિગ્રી વગરનો ડોક્ટરને રોગની, તેના ચિહ્નોની સાથે સારવાર વિગેરેની ખબર હોતી નથી, તેના સારવાર કાર્યોથી દર્દીનો જીવ પણ જઇ શકે છે. સરકાર દ્વારા આવા બોગસ તબીબો છાશવારે પકડે છે. કંઇક આવી જ વાત શિક્ષણમાં જોવા મળે છે. બાળકોને ભણાવવા માટેની વિવિધ લાયકાત સાથે કોર્સ કરવા જરૂરી છે અને કોર્સ કરેલા હોય તે જ સારૂં શિક્ષણ આપી શકે તે એટલી જ સત્ય વાત છે. બાલમંદિરમાં પ્રી.પી.ટી.સી., ધો.1 થી 5માં પી.ટી.સી. અને ધો.6 થી 8માં બી.એડ. કોર્સ કરેલા શિક્ષકો ભણાવવાને સરકારે લાયક ગણ્યાં છે.
સમગ્ર દેશમાં સરકારી શાળામાં જ આવા ક્વોલીફાઇડ શિક્ષકો છાત્રોને ભણાવતા હોય છે પણ સ્વનિર્ભર પ્રાઇવેટ શાળામાં આવા કાંઇ ધારા-ધોરણ હોતા જ નથી, ગમે તે આવીને બાળકોને ભણાવા લાગે છે. સુપ્રિમ કોર્ટે 2016ના એક આદેશ બહાર પાડીને તમામ રાજ્યોને શાળામાંથી બિનતાલિમી શિક્ષકોને હાંકી કાઢવા ફરમાન કરેલ પણ વિવિધ રજૂઆતો આવતા 2019ની ડેડલાઇન અપાઇ હતી. પરિણામે આજે પણ 2021માં રાજ્યની લગભગ પ્રાઇવેટ શાળામાંથી આ બિનતાલિમી શિક્ષકો બાળકોની શૈક્ષણિક કારકિર્દી સાથે ચેડાં કરી રહ્યાં છે.
ગુજરાતની સરકારી શાળામાં 100 ટકા ઉચ્ચ ગુણાંક વાળા હાઇક્વોલીફાઇડ શિક્ષકો છે જેની સામે ખાનગી શાળામાં આ ધોરણ-લાયકાત જળવાત જ નથી. દરેક સરકારી શાળાની બહાર જ વાલીઓને દેખાય તે રીતે શિક્ષકોનું નામ, લાયકાત, મો.નં., લેવાતા વિષયો જેવી તમામ યાદીનું મોટું બોર્ડ મારેલ હોય છે, જે ખાનગી શાળામાં ક્યાંય જોવા મળતું નથી. જો ખાનગીમાં પણ આવા ક્વોલીફાઇડ શિક્ષકો હોય તો તેમની યાદી મુકે અથવા સરકારી આદેશ મુજબ ઘર ભેગા કરે તેવી આજકાલ માંગ ઉઠી રહી છે.
બે વર્ષના પી.ટી.સી., બી.એડ.ના કોર્ષના બાળકને કેમ ભણાવવું તેની તાલીમ સાથે બાળ મનોવિજ્ઞાન શિખવવામાં આવે છે. સતત શિક્ષણ સાથે શાળા વર્ગમાં જઇને બાળકોની સમક્ષ પાઠ આપવાના હોય છે જેથી તેને અલગ-અલગ મેથડ વડે સાથે શૈક્ષણિક રમકડાંના માધ્યમથી કેમ ઝડપી શીખવી શકાય તેની તાલીમ અપાય છે. તાલીમ પામેલ શિક્ષક જ બાળકને સાચુ, સારૂં, ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે છે. બિન તાલીમ શિક્ષકો શ્રેષ્ઠ રીતે કોઇ દિવસ ભણાવી જ ન શકે તેને ઘણી વસ્તુઓ ખબર જ નથી હોતી ત્યાં નાનકડા બાળકને ભણાવવાની વાત ક્યાંથી સમજે.
ખરેખર વાલીઓએ જાગૃત થઇને ખાનગી શાળાનાં શિક્ષકોની લાયકાત પૂછવી જોઇએ. લાખો રૂપિયાની ફી ભરીને બીન લાયકાતી અર્થાત આવડત વગરના કહેવાતા ‘માસ્તરો’ પાસે તેના સંતાનોને ભણવા મોકલે છે તેથી તેનો હક્ક છે અને કાયદાકીય જોગવાઇ પણ છે. ધો.12 પછી ડી.એલ.એડ.ના બે વર્ષના શિક્ષક સજ્જતાનો કોર્ષ કર્યો હોય તો જ તે લાયક શિક્ષક છે. આજે ધો.6 થી 8માં વિષય શિક્ષકો આવી ગયા છે. જેમાં બી.એ., બી.એડ., બી.એસ.સી., બી.એડ. જેવા ગણિત-વિજ્ઞાન સાથે ભાષા સાયકોલોજી, સમાજવિદ્યા, શારીરીક શિક્ષણ જેવા વિવિધ વિષયોના નિષ્ણાંતો સરકારી શાળામાં હોય છે, જે ખાનગી શાળામાં મોટા ભાગે અપવાદ બાદ કરતાં ક્યાંય હોતું જ નથી કે તેના ધારા-ધોરણ જ જળવાતા નથી. શિક્ષકની તાલીમ ટ્રેનિંગ કોર્ષમાં 1 થી 9ની તાલીમ મેળવવી ફરજીયાત છે
તો જ તે સંપૂર્ણ રીતે પાસ થાય છે. શાળાકક્ષાએ જઇ શિક્ષક બનનારે 100 દિવસ જેટલી વર્ગખંડની તાલીમ મેળવવાની હોય છે. પ્રથમ કોર્સમાં જ તેને ચાઇલ્ડ સાયકોલોજીનો અભ્યાસ કરવાનો આવે છે.
કોર્સની ડિગ્રી મળ્યા બાદ ટીચર એલિજિબિલીટીનો ટેસ્ટ પાસ કરવો પડે છે. બાદમાં તેને મેરીટમાં ક્રમિક નોકરી મળતી હોય છે. આથી ઉલ્ટું ખાનગી શાળામાં ગમે ત્યારે શિક્ષણ લાયકાત હોય કે ના હોય પણ તે બાળકને ભણાવી શકે તે એટલું જ નગ્ન સત્ય છે. નિયત કોર્સ કર્યા બાદ જ શિક્ષકમાં વ્યવસાય લાયકાત આવે છે. લાયકાત વાળા શિક્ષકો જ બાળકોને ગુણવત્તાસભર અને આનંદપ્રદ ગમ્મત સાથે જ્ઞાનનો પ્રયોગ કરીને ઉત્તમ શિક્ષણ આપી શકે છે. તાલીમ પામેલ શિક્ષક જ બાળકોમાં રહેલી કૌશલ્ય શક્તિ ખિલવી શકે છે.
આપણા દેશના ભાવિ નાગરિકોનું શ્રેષ્ઠ ઘડતર માટે શિક્ષકોનું કાર્ય જ શ્રેષ્ઠ ગણાય છે, પણ અહિં લાયકાત વગરનાં શિક્ષકો જ શિક્ષણની ઘોર ખોદી રહ્યાં છે. આજના વાલીઓએ જાગૃત થઇને આવા શિક્ષકોની અસ્વિકૃત કરવા જોઇએ. આપણાં ગુજરાતમાં તો ચિલ્ડ્રન યુનિવર્સિટી પણ ચાલે છે. જેમાં વિવિધ નિષ્ણાંતો દર વર્ષે બે-ત્રણ તાલીમો યોજીને શિક્ષકોને સજ્જ કરી રહ્યાં છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દર બે-ત્રણ માસે ‘કરન્ટ એજ્યુકેશન’ બાબતે વિવિધ તાલીમ પણ અપાય છે. જે ખાનગી શાળાનાં શિક્ષકોને ક્યારેય લાભ મળતો જ નથી.
સરકારી શાળામાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સિવાય બીજી એક પણ ખાનગી પ્રકાશનની બુક ન ચાલે ત્યારે ખાનગી શાળામાં તો ખાનગી પ્રકાશનનાં પુસ્તકોનો રાફડાથી જ ધો.1ના બાળકોનું દફ્તર ‘ભાર’ વાળું થઇ જાય છે. ધો.1-2માં પ્રજ્ઞા પ્રોજેક્ટ સરકાર ચલાવે છે જેમાં બાળકોને સ્કૂલ બેગ વગર જ શાળાએ આવીને રમતા-રમતાં જ બે વર્ષ શિખવાનું હોય છે જે પ્રાઇવેટ શાળામાં ક્યાંય જોવા મળતું નથી. ખાનગી પ્રકાશનના પુસ્તકો શાળા વર્ગખંડમાં લાવવાના હોતા જ નથી તેવો સરકારી પરિપત્ર છે, છતાં બધુ ચાલ્યા કરે છે.આવનારા ભારતનાં ભાવિ નાગરિકોના શિક્ષણ બાબતે હવે સૌએ ચિંતા-ચિંતન કરવું જ પડશે. નવી શિક્ષણનિતી-2021 પણ આવી ગઇ છે ત્યારે સૌ જાગૃત થઇને કાર્યરત થવું જ પડશે.
પ્રી.પી.ટી.સી.-પી.ટી.સી. અને બી.એડ. પાસ કરેલા જ શિક્ષકો માન્ય ગણાય
આજે તો ગમે તે ફ્રી હોય કે કોલેજ પૂર્ણ કરીના કરી તે ગમે તે શાળામાં નોકરી મેળવીને ટીચર બની જાય છે. અનક્વોલિફાઇડ શિક્ષકોનો રાફડો ફાટી નીકળ્યો છે. છેલ્લા થોડા સમયથી જાગરૂકત્તા આવતાને સુપ્રિમ કોર્ટની 2019ની ડેડલાઇન બાદ આજે બે વર્ષે પણ હજી બીન લાયકાત શિક્ષકો પ્રાઇવેટ શાળામાં ભણાવી રહ્યાં છે. સરકારી શાળામાં તો હાઇ ક્વોલીફાઇડ ઉચ્ચગુણાંક વાળા જ શિક્ષણ આપી રહ્યાં છે જેથી હમણાં હમણાં કોરોના કાળમાં ફી ભરવામાં પડતી તકલીફને કારણે વાલીઓએ પોતાના સંતાનોને સરકારી શાળામાં બેસાડ્યા જેની સંખ્યા પણ ઘણી મોટો જોવા મળે છે.