વ્યક્તિગત લોનના કિસ્સામાં ન્યાયતંત્ર જ સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ આપી શકે!!
જો કોઈ વ્યક્તિએ વ્યક્તિગત(પર્સનલ)લોન લીધી હોય અને તેની ચુકવણીમાં નિષ્ફળમાં ગયા હોય તો તેની સંપત્તિ ટાંચમાં કઈ શકાય કે કેમ? જો ટાંચમાં લઇ શકાય તો ક્યારે અને કેવી પરિસ્થિતિમાં આ પ્રક્રિયા કરી શકાય? આ બંને સવાલ ખૂબ મહત્વપૂર્ણ છે અને તેના જવાબ કદાચ નહિવત લોકો જ જાણે છે.
વ્યક્તિગત લેવાયેલી લોનમાં લોન લેનારી વ્યક્તિ લોન આપનારને ગેરન્ટી તરીકે કોઈ મિલકતના પુરાવા આપતો નથી જેથી લોન આપનાર જે તે વ્યક્તિની સંપત્તિ ટાંચમાં લઈ શકે નહીં. મોટા ભાગે વ્યક્તિગત લોન જે તે વ્યક્તિના ક્રેડિટ સ્કોર પર આપવામાં આવતી હોય છે જેમાં કોઈ જ જાતની ગેરન્ટી આપવામાં આવતી નથી જેથી સંપત્તિ ટાંચમાં લેવા જેવી કોઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ હોતો નથી. બેંક કે મંડળી વ્યક્તિગત લોનની ઉઘરાણી માટે ન્યાયપાલિકા થકી જ સંપત્તિ ટાંચમાં લેવી કે અન્ય કોઈ વિધિ કરી શકે છે. જો કોર્ટ હુકમ કરે તો જ બેંક સંપત્તિ ટાંચમાં લઈને રકમની ઉઘરાણી કરી શકે છે. જેનો સીધો અર્થ છે કે, લોન આપનાર કોઈ વ્યક્તિની સંપત્તિ ટાંચમાં લઈ શકે નહીં. નિયમો મુજબ ફક્ત કોર્ટ આદેશ આપે તો જ લોન લેનારની સંપત્તિ ટાંચમાં લઈ શકાય અન્યથા આ પ્રક્રિયા કરી શકાય નહીં.
કોઈ વ્યક્તિ લોનની ભરપાઈ ન કરે તો પ્રથમ ત્રણ હપ્તાની ચુકવણી નહીં થયા બાદ લોન આપનારી સંસ્થા ૯૦ દિવસ બાદ જે તે વ્યક્તિને નોન પર્ફોર્મિંગ એસેટ(એનપીએ) કરી શકે છે અને ત્યારબાદ કાયદાકીય પગલાં લઈ શકે છે. જો કે, એનપીએ ઘોષિત કરવા પૂર્વે લોન આપનારે જે તે વ્યક્તિને બે હપ્તાની ચુકવણી નહીં થયા બાદ ૬૦ દિવસ બાદ લોન લેનારને હપ્તા ભરવા નોટિસ ફટકારવાની હોય છે અને આ નોટિસ બાદ પણ લોન લેનાર રકમની ચુકવણી ન કરે તો જ એનપીએ ઘોષિત કરી કાયદાકીય પ્રક્રિયા કરી શકાય છે.
ઘણા કિસ્સામાં કોઈ સંપત્તિ ગેરન્ટી તરીકે અપાતી નથી પરંતુ સેફ કસ્ટડી, બોન્ડ, ફિક્સ ડિપોઝીટ, શેર અથવા તો મ્યુચ્યુલ ફંડને ગેરન્ટી તરીકે મુકાતી હોય છે અથવા તો તે ફક્ત લોન લેનારી વ્યક્તિના નામે હોય તો લોનની ચુકવણી પૂર્વે લોન લેનાર આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરી શકે નહીં અથવા તો વેંચી પણ શકે નહીં.