રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં ઝાપટાથી લઇ અર્ધો ઈંચ સુધી વરસાદ: આગામી દિવસોમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થવાની હવામાન વિભાગની આગાહી
રાજયમાં અષાઢે અનરાધાર વરસાદ વરસતા અધિક માસ કોરો ગયો છે. ગયા વર્ષની સાપેક્ષે આ વર્ષે સિઝનનો સરેરાશ વરસાદ પણ ઓછો પડયો છે. ઓગસ્ટનાં 21 દિવસ ખાલીખમ્મ જતા રહ્યા છે જેને લઈ જગતનો તાત ચિંતાતુર બન્યો છે તો હવે શ્રાવણના સરવડા કયારે વરસશે ?
રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. જો કે, ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ વરસાદે વિરામ લીધો છે અને સામાન્ય વરસાદી છાંટા પડી રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે દર વર્ષે એવરેજ 7 ઈંચ જેટલો વરસાદ ઓગસ્ટમાં થાય છે ત્યારે આ વર્ષે ફક્ત 1 ઈંચ જેટલો વરસાદ થયો છે. જો કે, હાલ એક સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેના કારણે આગામી કેટલાક દિવસો દરમિયાન વરસાદી માહોલ રહેશે પરંતુ ભારે વરસાદ થવાની શક્યતા નહીંવત છે. જુલાઈ માસમાં રાજ્યમાં 448.73 મીમી વરસાદ નોંધાયા બાદ ઓગસ્ટના 21 દિવસમાં એક ઈંચ પણ વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ કોઈ વરસાદી સિસ્ટમ પ્રબળ રીતે સક્રિય ન થતા રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આહવા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, જામનગર સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં સામાન્ય વરસાદ રહેશે, અમદાવાદમાં પણ ઝાપટા પડવાની શક્યતા છે. નોંધનીય છે કે, આ વર્ષે અત્યાર સુધી રાજ્યમાં 81 ટકા વરસાદ થઇ ચૂક્યો છે. પરંતુ ઓગસ્ટમાં જોઇએ તેવો વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આગામી દિવસોમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થશે તેવો અંદાજ પણ હવામાન વિભાગે આપ્યો છે.
ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે ભારે વરસાદ પડતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત ત્રીજુ સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છતાં મેઘરાજાની મહેર થવા પામી નથી. સોમવારે સવારથી સાંજ સુધી વંથલીમાં મહત્તમ પોણા ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો હતો.
બીજી તરફ જૂનથી સમયસર વરસાદ થતા અને જુલાઇમાં પણ ભારે વરસાદ જારી રહેતા ખેડૂતોએ મોટાપાયે વાવેતર કર્યું છે. 21 ઓગસ્ટ સુધીમાં 95.60 ટકા જેટલું કુલ સરેરાશ વાવેતર થયું છે. જેમાં ધાન્ય પાકનું 101 ટકા વાવેતર થયું છે. ડાંગર અને બાજરીનું ગત વર્ષની સરખામણીમાં આ વખતે સો ટકા કરતા વધુ વાવેતર થયું છે. મકાઇ અને અન્ય ધાન્ય પાકનું પણ 97 ટકા જેટલું વાવેતર થયું છે. કઠોળ પાકોનું 78 ટકા વાવેતર થયું છે જેમાં તુવેરનું 86 ટકા અને મઠનું 91 ટકા છે. મગફળીનું પણ હાલ 86 ટકા જેટલું વાવેતર થઇ ચૂક્યું છે જ્યારે સોયાબીનનું 134 ટકા વાવેતર કરાયું છે. કપાસનું પણ 113 ટકા વાવેતર કરાયું છે.
આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદનો ઘણો વિરામ રહ્યો, જેના કારણે ખેડૂતો મૂંજવણમાં મુકાયા હતા. પરંતુ વચ્ચે કંઈક અંશે થોડો વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે.