- દેશી દારૂના ધંધાર્થીને ત્યાં દરોડા પાડતી પોલીસ દ્વારા કેમિકલનું ઉત્પાદન અને વેચાણ કરનાર સામે શું કાર્યવાહી કરાઇ
- કેમિકલના સ્ટોરેજ પર લાલ કલરથી ચેતવણી સાથે ડેન્જરની નિશાની ફરજિયાત: અવાર નવાર સરપ્રાઇઝ ચેકીંગ જરૂરી
- અમદાવાદની એમોજ કંપનીમાંથી કેમિકલ ચોરાયું તેમ રાજકોટ અને મોરબીની કેમિકલ ચોરાશે ત્યારે ફરી વધુ એક કાંડ સર્જાશે
- મિથેનોલ કેમિકલ અંગે તંત્ર દ્વારા પોલીસી બનાવી જરૂરી: નશાબંધી અને પોલીસ દ્વારા ઝેરી કેમિકલ અંગેના નિતિ નિયમનું પાલન કરાવુ જરૂરી
ધંધૂકા અને બરવાળામાં ઝેરી કેમિકલનું સેવન કરવાના કારણે 55થી વધુ શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યા બાદ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મૃતકોએ દારૂ નહી પરંતુ મિથેલોન કેમિકલનું સેવન કરવાના કારણે મોતનું તાંડવ સર્જાયું છે. અમદાવાદની એમોજ કંપનીની જેમ રાજકોટ-મોરબીની અસંખ્ય કેમિકલ વેચાણ અને ઉપયોગ અંગે લાયસન્સ ધારકો પાસે નિતિ નિયમનું પાલન કરાવવું જરૂરી બન્યું છે.
તંત્ર દ્વારા પણ કેમિકલ અંગે નવી પોલીસી જાહેર કરવી અને કેમિકલ અંગે પોલીસ અને નશાબંધીના નિયંત્રમ સાથે અવાર નવાર સરપ્રાઇઝ ચેકીંગ કાર્યવાહી જરૂરી બની છે. જે જરૂરી છે તેના બદલે રાજકોટ પોલીસ દેશી દારૂના ધંધાથીઓ પર ધોસ બોલાવી રહી છે. આ પહેલા સર્જાયેલા આવા કાંડની ભીતરમાં ડોકયુ કરવામાં આવે તો દારૂના કારણે નહી પણ ઝેરી કેમિકલના કારણે કાંડ સર્જાયો હોવાનું સર્વ વિદીત છે.
રાજકોટ-મોરબીમાં અંદાજે 85 થી 90 જેટલા ઉદ્યોગો કેમિકલના વેચાણ અને ઉપયોગ અંગે જોડાયેલા છે. તે તમામને કેમિકલનો સ્ટોક મેઇન્ટ કરવો, આ કેમિકલ કેટલું જોખમી છે? કેમિકલ સ્ટોરેજ પર સીસીટીવી કેમેરા અને જાણકાર મેનેજરની નિયુક્તિ તેમ નશાબંધી દ્વારા સપ્રાઇઝ ચેકીંગ અંગે કયારે કાર્યવાહી થશે તેવો સવાલ થઇ રહ્યો છે.
ઝેરી કેમિકલના કારણે ભૂતકાળમાં રાજકોટ, કચ્છ અને અમદાવાદમાં કાંડ સર્જાયા છે. તમામ કેમિકલના કારણે જ કાંડ સર્જાયા છે. આમ છતાં પોલીસ દ્વારા લાચારી અને મજબુરી સાથે દેશી દારૂનું વેચાણ કરતા બુટલેગર પર તુટી પડે છે. પરંતુ દારૂના કારણે આવા કોઇ કાંડ થયા જ નથી તેમ છતાં પોલીસ માટે દેશી દારૂના ધંધાર્થીઓ ટારગેટ બની રહ્યા છે.
આવા કાંડ અટકાવવા કેમિકલના પરવાના મેળવી દુર ઉપયોગ થતો અટકાવવો જરૂરી બન્યો છે. આ માટે માત્ર પોલીસ જ નહી નશાબંધી શાખા પણ પરવાનાના નિતિ નિયમનું ચુસ્ત પાલન કરાવે જે જરૂરી બન્યું છે. આ અંગે નશાબંધી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો રાજકોટમાં પણ ગમે ત્યારે કેમિકલ કાંડ સર્જાશે તેમાં બે મત નથી અને મોતનો ખેલ ખેલાય તે પહેલાં નક્કર કાર્યવાહી આવશ્ય બની છે.
રાજકોટ-મોરબીમાં 85થી વધુ પાસે કેમિકલનું લાયસન્સ
અમદાવાદની એમોજ કંપનીની જેમ રાજકોટ અને મોરબીના 85 થી 90 જેટલા ઉદ્યોગપતિઓ પાસે કેમિકલના ઉપયોગ અને વેચાણ અંગેના લાયસન્સ છે. કેમિકલ લાયસન્સ ધારક માટે નક્કી કરાયેલા નિતિ નિયમનું યોગ્ય પાલન થાય છે કે કેમ અને એમોજ કંપનીની જેમ કેમિકલની ચોરી થાય છે કે કેમ તે અંગે જરૂરી કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે. નશાબંધી શાખા દ્વારા મિથનોલ કેમિકલ અંગે સપપ્રાઇઝ ચેકીંગ નહી કરાય તો રાજકોટમાં પણ ગમે ત્યારે મોતનું તાંડવ સર્જાય તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે.