વિદ્યાર્થીના શિક્ષણમાં માનસિક, સામાજીક સાથે શારીરિક વિકાસનું વિશેષ મહત્વ છે: જૂની શાળાઓમાં કશું જ ન હતું છતાં, બધુ જ હતું: શિક્ષણનો શ્રેષ્ઠ સમય 1960 થી 1980 સુધીનો રહ્યો હતો: જુના શિક્ષકોની કર્મ નિષ્ઠાની તુલનામાં અત્યારનો શિક્ષક આવી શકે નહી તે મોટો પ્રશ્ર્ન
રિશેષની ધિંગામસ્તીનો એક યુગ આજે લુપ્ત થઇ ગયો: બધી જ અદ્યતન સુવિધા હોવા છતાં શિક્ષણ ઝીરો થઇ ગયું: અત્યારની શાળામાં બાળપણ ખોવાય ગયું છે
અત્યારની હાઇફાઇ સ્કુલોમાં મેદાન જ હોતા નથી ત્યાં બાળકનો શારિરીક વિકાસ ક્યાંથી થાય. આજથી ચાર કે સાડા ચાર દાયકા પહેલા બહું ઓછા ખાનગી શાળાઓ હતી. જે હતી તે પણ વિદ્યાર્થીને દિલથી ભણાવતી હતી. એક વાત કે ત્યારે આવડી મોટી ફિ જ નથી. આજે તો પ્રાથમિક શિક્ષણમાં જ વાલીઓનો અડધો લાખ રૂપિયો ચાલ્યો જાય છે. આજની શાળાના મકાનો સાથે તમામ ક્ષેત્રે અદ્યતનની સાથે વાતાનુકુલિન પણ શાળા આવી પણ જુના જમાનાની શાળાની કદી ના આવી શકે. જુની શાળામાં કશું જ ન હતું છતાં, બધુ જ હતું એની સામે આજે બધુ જ છે પણ કાંઇ નથી.
ભણતર સાથે ગણતર નીકળી ગયું ત્યાં બાળકોનાં સંર્વાંગી વિકાસની વાત ક્યાં કરવા જઇએ. આજે તો અનક્વોલી ફાઇડ ટીચર તમારા સંતાનોને ભણાવે ત્યાં તેની પ્રગતિની આશા કેમ રાખી શકાય.
શિક્ષણનો શ્રેષ્ઠ દશકો 1960 થી 1980નો રહ્યો. આ ગાળામાં જે ભણેલા છે તેને પૂંછજો કે શાળા-શિક્ષણ કેવું હોય એ સમયે શિક્ષકો પણ પોતાના સંતાનોની જેમ બાળકોને ભણાવતા ને પારિવારિક સંબંધો પણ નિભાવતા. માંદગી સમયે માસ્તર અચુક ઘરે આવીને તપાસ કરતાં. વાલીઓ વર્ષોમાં ક્યારેક જ શાળાએ આવતા બાકી બાળકો એની મેળે જ ભણી લેતા. સૌથી સારી બાબતએ હતી કે વર્ગનો તમામ બાળક હોંશિયાર જ હતો ને બધાને લખતા-વાંચતા-ગણતા કડકડાટ આવડતું જો ન આવડે શિક્ષકો મેથીપાક આપતા કે ફૂટપટ્ટી મારતા કે પગનાં અંગૂઠા પકડાવતા છતાં કોઇવાલીએ વિરોધ કર્યો ન હતો. આજ વસ્તું આજે નથી તેને કારણે બાળકને કેરલેશ થવામાં પ્રોત્સાહન મળે છે. ‘સોટી વાગે ચમચમને વિદ્યા આવે રમઝમ” આ સિસ્ટમ સારી જ હતી, ને આને કારણે જ બાળકમાં ચિવટ, મહેનત, સમયપાલન, સમજ જેવા વિવિધ ગુણો ખીલ્યા હતા.
દફ્તરનો વિદ્યાર્થીને ભાર જ ન હતોને શિક્ષકોને સિલેબસ પૂર્ણ કરવાની ચિંતા ન હતી. કોઇ તાલિમ કે બીજી કામગીરી ન હોવાથી એ શાળા ‘માસ્તર’ હતો. કક્કો, બારાખડી 1 થી 100 સાદા શબ્દો, કાના માત્રવાળા શબ્દો, જોડ્યા શબ્દો સાથે શબ્દ વાંચન, લેખન, રૂકરા લેખન, શ્રૃત લેખન, સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, કવિતા મોઢે કરવી, હિન્દી વર્ણમાલા અને હા અંગ્રેજીની માત્ર એબીસીડીને તેના સાદા શબ્દોમાં બી ફોર બોય જેટલું આવડી જાય એટલે ભયો ભયો થઇ જતું. એ ગાળામાં વિદ્યાર્થી ક્યારે ભણીને મોટો થઇ જતો તે મા-બાપને પણ ખબર ન પડતી. બાળકના ધોરણ પણ મા-બાપને યાદ ન હતા છતાં એ બધા બાળકો ભલે ઓછુ ભણ્યા પણ જીવનના ઘડતર સાથે ભણ્યા હતા.
જુની શાળા કે શિક્ષણના માધ્યમથી તમામ ગુણો બાળક શીખતો હતો. પ્રવાસમાં તો એટલી મઝા પડતી કે જાણે સ્વર્ગનો આનંદ ભળ્યો હોય. સાથે ભણતા ભાઇબંધો સાચા અર્થમાં ભાઇ જેવા હતા, કદાચ તેથી જ આજે પણ આપણી સાથે ભણતાને યાદ કરીએ કે ક્યારેક રસ્તે મળી જાય તો મઝા પડી જાય છે. હાલના દર અઠવાડીયે લેવાતી ટેસ્ટ, મૂલ્યાંકન છતાં ધો.5ના 11 વર્ષના છાત્રોને વાંચતા કે લખતા નથી આવડતું એ નગ્ન સત્ય છે. આજની અદ્યતન શાળાની ઘણી મુશ્કેલીઓ એ જમાનાની સાવ સામાન્ય શાળામાં હતી જ નહી.
સાંજે 4 વાગે સમુહમાં કવિતા, બાળગીતો, વાતાંમાં ‘ટેસડો’ પડી જતો ને બધાના વારા આવે એટલુ ગાવું પડે તેથી આજે પણ કવિતા યાદ છે. ફળના નામ, પ્રાણીઓના નામ જેવી ઘણી વાતો સાથે “નાની મારી આંખ જોતી કાંઇક કાંઇક” બાળકાવ્યથી શરીર વિજ્ઞાન ભણી કે શીખી લેતા હતા. પ્રેરક પ્રસંગોને ગમતી વાર્તાને કારણે જીવનના મૂલ્યોનું શિક્ષણ મળી જતું ને પ્રેમ, હૂંફ, લાગણી, કરૂણા જેવા વિવિધ ગુણોનું બાળકોમાં સિંચન થઇ જતું. દફ્તર હતું જ નહી માત્ર થેલી કે ટીન, પતરાની પેટી જ હતી. તમામ ભણતર એમાં જ પુરૂ થઇ જતું હતું.
શનિવારની બાલસભા તો ખૂબ જ ગમતીએમાં મોટા સાહેબ વાત કરે મહિલા શિક્ષકો બાળગીત ગવડાવે. સમુહમાં ઘડિયાગાન કરાવે. છોકરાની ટોળી ભગવાનનાં ફોટા, સરસ્વતીજીના ફોટાને અગરબત્તી કરે ને પછી “પેલા મોરલાની પાસે બેઠા શારદા રે” ગીત ગવાતું. ત્યારના વાતાવરણ, લયની એક હાર્મની જોવા મળતી હતી. બાળકો ખંત, ઉત્સાહ સાથે તમામ શાળાની પ્રવૃતિમાં જોડાતા હતા. વરસની બે જ પરીક્ષા કાચી પરીક્ષા એટલે છ માસિકને પાકી પરીક્ષા એટલે વાર્ષિક પરીક્ષા હતી. કોઇ નાપાસ થતું જ નહી, કારણ કે બધા જ બાળકોને તમામ વસ્તું આવડતી હતી. શાળા ઇન્પેક્શન વખતે બહાર આવેલા મોટા સાહેબ વર્ગે વર્ગે જઇ તમામ બાળકને પૂછતા.
1 થી 10, 11 થી 20, 21 થી 30 જેવા તમામ ઘડિયા મોઢે આવડી જતાં જરોયા વાળી કે વગરની પાટીમાં ડબ્બીમાં પાણી પોતું રાખતાને ચોપડીમાં મહેંદી જેવા પાન જેને વિદ્યા કહેતા તે રાખતા. બોલપેન તો બહું મોટા થાય ત્યારે હાથમાં આવતી. પાટી, પેનને બાદમાં પેન્સીલ જ શૈક્ષણિક સાધનો હતો. સુખી-સંપન્નના પુત્રો કંપાસ રાખતા. એ જમાનામાં બાળકોને નાસ્તો કરાવવા બહું જ લોકો આવતા. તહેવાર આવે એટલે મઝા જ પડી જાય. તમામ શિક્ષકો તહેવારની એટલી સરસ વાત કરતાં કે જાણે આપણે તે ઉજવી રહ્યા છીએ. બે વેકેશનમાં કશુ જ નહી ‘મામાને ઘેર’ પહોંચી જવાનું 100% નક્કી જ હોય. છેલ્લા દિવસે તો “મામાનું ઘર કેટલું, દિવો બળે એટલું” જેવી કવિતા મોટા અવાજે ગાતા. બધા જ બાળકો શાળાનું બધુ કામ કરતાં હતા જો કે શિક્ષકો પણ સાથે જોડાતા તેથી સૌ હોંશે હોંશે આ સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં જોડાતા.
આજની શાળાને શિક્ષણના કારખાના કહેવાયને જુની શાળાને ‘જ્ઞાનમંદિરો’ કહેવાતા, સાચે જ એ જ્ઞાન આપતા અત્યારે ગોખણ પટ્ટીની જીંદગીમાં ને પ્રશ્ર્નોના જવાબો શોધવામાં ક્યારે યુવાન થઇ જાય એ જ ખબર નથી રહેતી.
અત્યારનાં શિક્ષણના તમામ અઘરા શબ્દો ત્યારેય હતા પણ તેના નામ ન હતા જેમ કે ઉદ્યોગમાં આપણે પુંઠાના ઘર બનાવતા હતાને સાહેબને બતાવતા આજે તેને પ્રોજેક્ટ કહેવાય છે. એટલો ફરક તો આટલા વર્ષે શું નવું આવ્યું તે નથી સમજાતું.
ઘણીવાર તો એકથી વધુ ધોરણના બાળકોને એક જ વર્ગમાં એક જ માસ્તર ભણાવ તો જે બહુ શ્રેણી વ્યવસ્થાનું નામ અપાયું છે આજે અસરકારક વર્ગ વ્યવસ્થા સાથે જીવનના તમામ પાસાનું શિક્ષણ એ જમાનામાં મળતું. ભાગ્યે જ કોઇ છોકરો ગે.હા. રહેતો વાલીને બહાર જવાનું હોય તો શાળાએથી જ બાળકને સાયકલ ઉપર દફ્તર સાથે બેસાડીને લઇ જતાં સૌથી સારી વાત કે ત્યારે ફાટલા કપડાં પહેર્યા તો પણ ક્ષોભ લાગતો નહી.
જુની શાળાની વાતો વર્ષો ચાલે, એ વખતની તમામ સિસ્ટમ ફરી આવે તો જ શિક્ષણ સુધરે પણ આજે તો શિક્ષણમાં વ્યવસાય આવતાં બધુ જ ખોવાય ગયુંને અધુરામાં પુરૂ નવી નવી ટેકનોલોજીએ દાટ વાળી દીધો. બાળક એ માટે ટ્યુશનમાં કે વિવિધ ક્લાસમાં સવારથી સાંજ મજૂરની જેમ ઢસરડા કરતો જોવા મળે છે.
સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં છાત્રોને જોડવા જરૂરી
એન.સી.સી. અને સ્કાઉટ જેવી વિવિધ ઇત્તર કે સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં છાત્રને જોડવા જરૂરી છે. વિવિધ ગુણોનાં સિંચન માટે પણ આવી એક્ટીવીટી જરૂરી છે. શિક્ષણની સાથે સમાજ સેવા તરફ પણ તેમને રૂચી આવી પ્રવૃતિ કરવાથી વધતી હોય છે.
રમત એક એવું માધ્યમ છે જે બાળકોને શિક્ષણના સિધ્ધાંતો સાથે જોડી શકે
શાળા કે કોલેજમાં સૌથી મહત્વનું પ્રાથમિક શિક્ષણ છે જેમાં નાની-મોટી રિસેષ કે શાળા સમય પહેલા પછી શાળાના મેદાનમાં ધિંગામસ્તી અને વિવિધ રમતોથી ઘણા બધા ગુણો વિકસતા અને શિક્ષણના સિધ્ધાંતો સાથે છાત્ર જોડાઇ જતો હતો. આજે શારિરીક શિક્ષણ વિષય ભલે આવ્યો પણ વ્યાયામ શિક્ષક છાત્રોને સૌથી ગમતા હતા તેનું કારણ તે ગેમ્સના તાસમાં રમાતી વિવિધ રમતોમાં નેતૃત્વ, ભાઇચારો, ખેલદીલી, એકાગ્રતા, લક્ષ્ય હાંસલ કરવા જેવા ઘણા ગુણોનું સિંચન પણ કરતા હતા. આજે તો ફ્લેટ કે મકાનમાં શાળા ચાલતી હોય ત્યારે આવુ કશું જ બાળકને મળતું જ નથી. શિક્ષણમાં બાળકના સંર્વાંગી વિકાસમાં સામાજીક વિકાસ, માનસિક વિકાસ સાથે શારિરીક વિકાસનું સૌથી વિશેષ મહત્વ છે. શ્રેષ્ઠ નાગરિક ઘડતર માટે પણ છાત્રોને મેદાની રમતની જરૂર છે. છાત્રોની તંદુરસ્તી સાથે ખડતલ શરીર પણ આવી જ પ્રવૃત્તિ આવી શકે છે. રમતાં-રમતાં શિક્ષણ આપવાની વાત આજે સાવ વિસરાય ગઇ છે