રાજકોટ યાર્ડમાં ૨૮ ખેડૂતો,ગોંડલમાં ૪૦ ખેડૂતોનો માલ વેચાયો: વાહનના અભાવે ખેડૂતોને મુશ્કેલી
સૌરાષ્ટ્રમાં એકમોની ખેત ઉપજના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાયા બાદ આજથી રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉની હરરાજી સાથે યાર્ડ ધમધમવા લાગ્યા છે. આજે પ્રથમ દિવસે રાજકોટ યાર્ડમાં ૫૦ ખેડુતોને બોલાવવામાં આવ્યા હતા જેમાં ૨૮ ખેડૂતો ઘઉં લઇને આવ્યા હતા અને ગોંડલ યાર્ડમાં ૧૦૦ ખેડુતોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ૪૦ ખેડૂતો આવ્યા હતા. આજે આ તમામ ખેડૂતોનો માલ વેચાઈ ગયો હતો. ખેડૂતોને વાહનના અભાવે માલ યાર્ડમાં લઇ આવવામાં મુશ્કેલી પડી હતી. વાહનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વધુ ખેડૂતો પોતાનો માલ યાર્ડમાં લાવી શકે. રાજકોટ યાર્ડમાં ઘઉંનાં ભાવ રૂા.૩૫૦ થી ૩૭૦ રહ્યા હતા.
જયારે ગોંડલ યાર્ડમાં રૂા.૩૩૦ થી ૪૧૦ સુધીના ભાવ ખેડુતોને મળ્યા હતા. યાર્ડમાં હરરાજીનો પ્રારંભ થઈ જતા હવે રોજ વધારે ખેડુતોને બોલાવવામાં આવશે. રાજકોટ યાર્ડ ૧૦૦ જેટલા ખેડુતોને બોલવવાનું નકકી કર્યું છે.
રાજકોટ યાર્ડમાં ૧૫૦૦ ખેડુતોના રજીસ્ટ્રેશન થયા છે. તેમાંથી આજે ૫૦ ખેડુતોને ઘઉંના વેચાણ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી ૩૦ ખેડુતો ૨૮ વાહનો સાથે યાર્ડમાં આવ્યા હતા. યાર્ડમાં પ્રવેશ દ્વાર ખાતે જ ખેડુતોને સેનેટાઈઝ કરી પ્રવેશ અપાવ્યો હતો. ઘઉંની હરરાજી થઈ તે જગ્યાએ પણ સામાજીક અંતર જાળવી અને પોલીસના બંદોબસ્ત સાથે વ્યવસ્થા જાળવવામાં આવી હતી.
રાજકોટમાં સવારે ૭ થી ૯ દરમિયાન ઘઉંની હરરાજી કરવામાં આવી હતી. દલાલો, વેપારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હરરાજીમાં ભાગ લીધો હતો.
ગોંડલ યાર્ડમાં ૮૦૦ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ તેમાંથી આજે ઘઉંના વેચાણ માટે ૧૦૦ ખેડુતોને બોલાવવામાં આવ્યા હતા ૩૫ થી ૪૦ ખેડુતો હાજર રહ્યા હતા ખેડુતોને ઘઉંના મણ દીઠ રૂા.૩૩૦ થી ૪૧૦ ભાવ મળ્યા હતા ગોંડલમાં આજે ૧૨૦૦ ગુણીની આવક થઈ હતી જેટલા ઘઉં આવ્યા હતા તે તમામ વેચાઈ ગયા હોવાનું યાર્ડના પ્રવીણભાઈ સોમૈયાએ જણાવ્યું હતુ.
ગોંડલ યાર્ડમાં હજુ પણ ખેડુતોની નોંધણી ચાલુ છે હવે રોજ વધુ ખેડુતોને બોલાવવામાં આવશે. રજીસ્ટ્રેશન વગર કોઈ ખેડુતોનો માલ વેચી શકાશે નહી.
રાજકોટ યાર્ડમાં ચેરમેન સખીયા શું કહે છે?
રાજકોટ માર્કેટ યાર્ડનાં ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતુ કે આજે સરકારના કોરોના અંગેના આદેશોના અમલ સાથે યાર્ડમાં ઘઉંની હરરાજી શરૂ કરવામાં આવી છે. સેનીટાઈઝેશન સામાજીક અંતર જાળવવા સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે હરરાજી શરૂકરાઈ છે. ખેડુતોને આવવા જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે જિલ્લા કલેકટરને સૂચનાઓ આપી છે. જેથી માલ લઈ યાર્ડમાં આવતા ખેડુતોને કોઈ મુશ્કેલી નહી પડે ખેડુતોને પોલસી તરફથી કે અન્ય કોઈ મુશ્કેલી હોય તો યાર્ડના સતાધીશો, યાર્ડના કર્મચારીઓનો સંપર્ક કરી શકશે. ખેડુતોને કોઈ મુશ્કેલી નહી પડે તેનું ધ્યાન રખાશે.
સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન, તમામ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ
રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે હરરાજીની પ્રક્રિયા શરૂ થઈ છે. હાલ કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને ખાસ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સની ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે.
સાથોસાથ જે લપકો યાર્ડમાં પ્રવેશે તેઓનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આમ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને યાર્ડમાં કાળજી પૂર્વક હરરાજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.