મજૂર અને વેપારી વચ્ચે સમાધાન થતા હડતાલનો અંત
રાજકોટના બેડી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ મા. યાર્ડમાં ગત ૧૫ દિવસથી ઘઉંની હરાજી બંધ કરાઈ હતી. જેનું મુખ્ય કારણ મજૂરોના વેતન બાબતે મતભેદ સર્જાયું હોવાનું હતુ જેના કારણે બેડી યાર્ડમાં ઘઉંની હરાજી બંધ કરાઈ હતી ગત ૨૦ વર્ષથી મજૂરોને પ્રતિ કટ્ટા (૫૦ કિલો) ઉપર રૂ.૧.૬૦ ચૂકવવામાં આવતા હતા પરંતુ તેમની માંગ એવી હતી કે આ ભાવ હવે મજૂરોને પોષાય તેમ નથી તેથી ભાવ રૂ.૨.૨૫ કરવા અંગેની રજુઆત વેપારીઓ અને યાર્ડના સતાધીશોને કરાઈ હતી પરંતુ વેપારીઓએ આ બાબતે ના પાડી હતી જેથી મજૂરોએ જૂના ભાવમાં કાર્ય કરવાની ના પાડવામાં આવતા ઘઉંની હરાજી બંધ કરવામાં આવી હતી.
આ બાબતે અગાઉ એકવાર યાર્ડના સતાધીશો દ્વારા વેપારીઓની અને મજૂરોની બેઠક બોલાવીને સમાધાન કરાયું હતુ. પરંતુ ફરીવાર તે જ સમસ્યાનું નિર્માણ થવા પામ્યું હતુ જેના કારણે હરાજી ફરીવાર સ્થગીત કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ મા. યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહની આગેવાનીમાં ફરીવાર બેઠક બોલાવીને સમસ્યાનું નિરાકરણ કરાયું હતુ.
આ વિશે હરદેવસિંહે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, વેતનની સમસ્યાને લઈને વેપારીઓ અને મજૂરો વચ્ચે મતભેદ સર્જાયો હતો જેના કારણે ૧૫ દિવસથી ઘઉંની હરાજી બંધ કરાઈ હતી. પરંતુ ગત તા.૧૪ ડીસે.ના રોજ યાર્ડના સતાધીશોની હાજરીમાં વેપારીઓ અને મજૂરોની બેઠક બોલાવામાં આવી હતી.
જેમાં વેપારીઓ અને મજૂરો એમ બંનેની વાતને સાંભળવામાં આવી હતી. જેમાં વેપારીઓ દ્વારા તેમની વાત મૂકતા જણાવાયું હતુ કે જે માંગણી મજૂર એસો.ની છે તે વેપારી દ્વારા સ્વીકારી શકાય તેવું નથી. જયારે મજૂરોએ કહ્યું હતુ કે જૂના ભાવમાં કામ કરવું મુશ્કેલ છે. ત્યારે હરદેવસિંહ દ્વારા બંને પક્ષોના વચની વાત કરતા નિર્ણય લેવાયો હતો કે હવે મજૂરોને પ્રતિ કટ્ટા રૂ.૨ ચૂકવવામાં આવે જેથી વેપારીઓ અને મજૂરો એમ બંનેને તકલીફ નો સામનો ન કરવો પડે જે નિર્ણયમાં બંને પક્ષોએ સમર્થન આપ્યું હતુ જેના પરિણામે આજથી રાબેતા મુજબ ઘઉંની હરાજી રાબેતા મુજબ શ‚ કરાઈ હતી.
આમ, હરદેવસિંહની શુભ-બુઝથી આ સમસ્યાનો સુખદ અંત આવ્યોહતો.