પ્રાથમિક શાળા પ્રાથમિક સુવિધાઓથી વંચિત: શાળામાં બાળકોને પીવા માટે પાણીની પણ સગવડ નથી, શિક્ષણ કાર્યમાં પણ છીંડા
પડધરી તાલુકાનાં મોટી ચણોલ ગામે આવેલ પ્રાથમિક શાળા અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જેમાં શાળાનાં બાળકોને પીવાનાં પાણીની પણ સગવડ નથી આ ઉપરાંત અહીંનાં બાળકો માટે મધ્યાહન ભોજન કેન્દ્રમાં જે ભોજન તૈયાર કરવામાં આવે છે તેમાં ઘઉં અને લોટમાં ધનેડા પણ જોવા મળ્યા હતા. આમ અહીં બાળકોનાં ભવિષ્ય ઉપરાંત આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોવાનો ધગધગતો બનાવ સામે આવતા શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પડધરી શહેરની તદન નજીક આવેલા મોટી ચણોલ ગામે પ્રાથમિક શાળા આવેલી છે જયાં આસપાસનાં વિસ્તારમાં રહેતા જરીયાતમંદ લોકોનાં બાળકો અભ્યાસ અર્થે આવે છે અહીં શાળામાં કોઈપણ જાતની પ્રાથમિક સુવિધા નથી. શાળામાં ફિલ્ટર આરઓ પ્લાન્ટ તો છે પરંતુ તે માત્ર શોભાનાં ગાંઠીયા સમાન બની ગયો છે. અહીં ફિલ્ટર પાણી તો ઠીક પરંતુ બાળકોને પીવા માટે ટીપુ એક પાણીની પણ સગવડ નથી.
બાળકોએ જાતે જ પોતાનાં ઘરેથી વોટરબેગમાં પાણી લઈને આવવું પડે છે. આ ઉપરાંત અહીં મધ્યાહન ભોજન કેન્દ્રમાં પણ ભારે ગોલમાલ થઈ રહી છે. અહીં બાળકો માટે જે ઘઉં અને લોટમાંથી ભોજન તૈયાર કરવામાં આવે છે તેમાંથી ધનેડા નિકળ્યા હતા ઉપરાંત અહીં મધ્યાહન ભોજનનું સરકારે જે મેનુ જાહેર કર્યું છે તે મુજબ ભોજન અને નાસ્તો પણ બનાવવામાં આવતો નથી. આ અંગે જયારે શાળાનાં પ્રિન્સીપાલને પુછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ પણ મેનુ અંગે કંઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું. મોટી ચણોલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણકાર્યમાં પણ છીંડા જોવા મળી રહ્યા છે. આ શાળામાં બાળકોનાં ભવિષ્ય ઉપરાંત આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય શિક્ષણ વિભાગ દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.