સોશિયલ વાયરસ બની રહ્યું વાયરલ: સરકાર સફાળી જાગી!!!
હાલ ભારત દેશ જે રીતે સાયબર હુમલાઓ થઈ રહ્યા છે તેને દેશમાં સાયબર સિકયોરીટીનો મુદ્દો ચરમસીમા પર છે. સાયબર એટેક અને સાયબર હુમલાથી કેવી રીતે બચી શકાય તે દિશામાં સરકાર તમામ પ્રકારે પગલા લઈ રહી છે ત્યારે તેવી જ એક ઘટના ઘટી છે જેમાં વોટસએપ, વિડીયોકોલ મારફતે ઈઝરાયલી સ્પાયવેર દ્વારા ભારતીય પત્રકારો, આઈટીઆઈ એકટીવીસ્ટો ઉપર જાસુસી કરી રહ્યું હતું. સ્પાયવેર મારફતે ભારત સહિત ૨૦ દેશોનાંઆશરે ૧૪૦૦ લોકોની ખાનગી વિગતો લીક થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મળતી વિગતો મુજબ વોટસએપનાં વિડીયોકોલનાં માધ્યમથી લોકોનાં ફોનમાં માલવેર ઈનસ્ટોલ કરીને વપરાશકર્તાઓ એટલે કે યુઝર્સની તમામ ખાનગી વિગતો મેળવી લેવાઈ હતી. માલવેર ઈનસ્ટોલ થતાની સાથે જ લોકોનાં કોલ ડીટેઈલ, કોન્ટેકટ અને ફોનમાં લાગુ કરવામાં આવેલા પાસવર્ડને હેક કરી લેવામાં આવ્યા હતા. આ અંગે સરકારે વોટસએપ પાસેથી આગામી ૪ નવેમ્બર સુધીમાં જવાબ મંગાવ્યો છે અને આ ઘટના ઘટવા પાછળનું શું કારણ હોય શકે તે દિશામાં ચર્ચા અને વિચારણા પણ ચાલી રહી છે. સરકાર દ્વારા વોટસએપને તાકીદ કરતા જણાવ્યું છે કે, કેવી રીતે સાયબર એટેકને રોકવા માટે વોટસએપ સિકયોરીટીનું નિર્માણ કરશે. ઈઝરાયલી કંપની એનએસઓ પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેમનું ખંડન કરવામાં આવ્યું છે અને તેઓએ જણાવ્યું હતું કે, ફેસબુક અને વોટસએપ દ્વારા જે કરાયેલ ફરિયાદનો કોર્ટમાં સામનો કરવામાં આવશે. પિગાસુસ નામક જે સોફટવેર ઈઝરાયલી કંપની એનએસઓ દ્વારા નિર્મિત કરવામાં આવ્યો છે તે કોઈ માલવેર કે સ્પાઈવેર નહીં પરંતુ સોફટવેર છે જેઓને માન્યતા પણ મળેલી છે. એન એસ ઓ કંપનીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમના પર લગાવવામાં આવેલા આરોપ ખોટા છે અને તેઓ કોર્ટમાં આ આરોપને પડકારશે.
ગત એપ્રિલ અને મે મહિના દરમિયાન ઈઝરાયલી સ્પાયવેર દ્વારા વોટ્સએપના સર્વરનો ઉપયોગ કરીને આશરે દોઢ હજાર વપરાશકર્તાઓના મોબાઈલમાં માલવેર દાખલ કરી દેવાયો હતો, જેનાં વડે ઉપયોગકર્તાની ખાનગી વિગતો મેળવી લેવાઈ હતી. જાસુસીનો ભોગ બનેલાં લોકોમાં ભારત સહિત કુલ ૨૦ દેશોના પત્રકારો, બુદ્ધિજીવીઓ, એક્ટિવિસ્ટ અને ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. સમગ્ર ઘટનાક્રમની વિગતો મેળવ્યા પછી ગત મંગળવારે વોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુક દ્વારા ઈઝરાયલની સાયબર સિક્યોરિટી કંપની NSO સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. કેટલાં લોકો સાઈબર જાસુસીનો ભોગ બન્યા છે તેનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણવા નથી મળ્યો પરંતુ ૨૦ દેશોના આશરે ૧૪૦૦ લોકો હોવાનો હાલ અંદાજ મૂકાઈ રહ્યો છે. વોટ્સએપ દ્વારા હાલ આ માલવેરને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો છે અને જે લોકો તેનો ભોગ બન્યા છે તેમને અંગત રીતે ફોન કરીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ફેસબુક દ્વારા એક ગંભીર સાઈબર એટેકને નિષ્ફળ બનાવાયો હોવાની ગત મે મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી.વોટ્સએપના યુઝર્સની વિગતો મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલ સ્પાયવેરનું નામ Pagasus છે. જ્યારે પણ તમે વોટ્સએપ વીડિયો કોલ કરો છો અથવા તમારા મોબાઈલમાં વીડિયો કોલ આવે છે ત્યારે સાઈબર એટેક કરનાર લોકો એક કોડ ઈસ્યુ કરે છે. તમે વીડિયો કોલ રિસિવ ન કરો તો પણ આ કોડના માધ્યમથી તમારા ફોનમાં માલવેર ઈન્સ્ટોલ થઈ જાય છે. એ પછી તમારા ફોનની કોલ ડિટેલ્સ, વોઈસ કોલ, પાસવર્ડ, કોન્ટેક્ટ લિસ્ટ, કેલેન્ડર ઈવેન્ટ, માઈક્રોફોન, કેમેરા યુઝ સહિતની વિગતો લિક થઈ જાય છે. જોકે ઈઝરાયલની કંપની NSO દ્વારા આ આરોપનું ખંડન કરવામાં આવ્યું છે અને ફેસબુક દ્વારા કરાયેલ ફરિયાદનો કોર્ટમાં સામનો કરવામાં આવશે તેવું સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.એ કોઈ સ્પાયવેર નહિ પરંતુ માન્ય સોફ્ટવેર છે, જેને વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા પણ માન્યતા મળી હોવાનો કંપનીએ દાવો કર્યો છે.
વોટ્સએપના જણાવ્યા અનુસાર યૂઝરના ફોનને હેક કરવા વોટ્સએપનું વીડિયો કોલિંગ ફિચર ઉપયોગમાં લેવાયું હતું. લગભગ ૧૪૦૦ જેટલા યૂઝરને અસર થઈ છે. વોટ્સએપ દ્વારા આ યૂઝરને સાયબર હુમલાની માહિતી પણ અપાઈ હતી. ભીમા કોરેગાંવ કેસના ઘણા આરોપીઓના વકીલ નિહાલસિંહ રાઠોડ, એક્ટિવિસ્ટ બેલા ભાટિયા, ડિગ્રીપ્રસાદ ચૌહાણ, આનંદ તેલતુમડે અને પત્રકાર સિદ્ધાંત સિબ્બલે એક ચેનલ પર વોટ્સએપનો સંદેશો મળ્યો હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર જાસૂસીનો આક્ષેપ કર્યો છે. તેમણે સુપ્રીમકોર્ટને આ અંગે આગળ આવવા કહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે પત્રકારો, એક્ટિવિસ્ટ અને વિપક્ષી નેતાઓની જાસૂસી કરનારી સરકાર લોકશાહીમાં નેતૃત્વનો અધિકાર ગુમાવી ચૂકી છે.
સરકારે વોટ્સએપને કરોડો ભારતીયોની પ્રાઈવસીના રક્ષણ માટે કયા પગલાં ભર્યા તે જણાવવા કહ્યું છે. આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટ કરી કહ્યું કે સરકાર પોતાના નાગરિકોના અધિકાર માટે કટિબદ્ધ છે. યુપીએ સરકાર દરમિયાન માજી નાણામંત્રી પ્રણવ મુખરજીની ઓફિસમાં બગ મળવાની ઘટના ભૂલવી જોઈએ નહીં. તે સમયના આર્મી ચીફ વી.કે.સિંહની પણ જાસૂસી થઈ હતી.
વ્હોટ્સએપ જાસૂસી કેસમાં સરકાર નાગરિકોની ગોપનીયતાના નિયમોનું ઉલ્લંઘનને લઈને ચિંતિત છે. સાથે કહેવામાં આવ્યું છે કે સરકારની આ મામલે કોઈ ભૂમિકા નથી. સરકાર તરફથી આરોપોને નકારવામાં આવ્યા છે. વ્હોટ્સએપનું સર્વર સંપૂર્ણ દુનિયામાં છે. આ વ્હોટ્સએપ અને ઇઝરાયેલી કંપની વચ્ચેનો મામલો છે. વ્હોટ્સએપનું સર્વર ભારતમાં નથી. આ પહેલા વ્હોટ્સએપે ઇઝરાયેલની પ્રાદ્યોગિક કંપની NSOના જૂથ પર આરોપ લગાવ્યો હતો કે ફેસબૂકની માલિકીની મેસેજિંગ સેવા દ્વારા પત્રકારો,માનવાધિકાર કાર્યકર્તાઓ અને અન્ય સાયબર જાસૂસી કરવામાં આવી રહી છે. વ્હોટ્સએપે આ સાથે જ કંપની પર કેસ દાખલ કર્યો છે. આ કેસ કેલિફોર્નિયાની સંઘીય અદાલતમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં કહેવામાં આવ્યું છે કે NSO જૂથે મેસેજિંગ એપનો ઉપયોગ કરનારા અંદાજે ૧૪૦૦ જેટલા ઉપકરણોનો ડેટા મેળવીને મહત્વપૂર્ણ જાણકારી ચોરવાનો પ્રયાસ કર્યો હતો.
હોટ્સએપના પ્રમુખ વીલ કેથકાર્ટે કહ્યું હતું, સાયબર હુમલાની તપાસમાં ઇઝરાયેલની કંપનીની ભૂમિકા સામે આવ્યા બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કંપનીએ આરોપોનું ખંડન કર્યું છે. કેથકાર્ટે ટ્વીટર પર લખ્યું હતું, NSO જૂથનો દાવો છે કે સરકાર માટે પૂરી જવાબદારીથી કામ કરીએ છીએ. અમને ખબર પડી છે કે મે મહિનામાં થયેલા સાયબર હુમલામાં ૧૦૦થી વધારે માનવાધિકાર કાર્યકર્તાઓ અને પત્રકારો જાસૂસી હુમલામાં નિશાના પર હતા. આ દુરુપયોગ બંધ થવો જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે NSOનું પેગાસસ નામનું સોફ્ટવેર કંઈક એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જેથી એન્ડ્રોઇડ, IoS અને બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમને હેક કરી શકાય છે.
વિશ્વભરમાં જે રીતે સાયબર ક્રાઇમ વાઇરલ થઇ રહ્યું છે ત્યારે વિશ્વ આખુ ચિંતાતુર બન્યું છે અને સાયબર હુમલાને રોકવા માટે અનેકવિધ પ્રકારે પ્રયત્નો પણ હાથ ધરી રહ્યું છે તમામ સરકારી એજન્સીઓ સ્પાયવેર અને સાયબર એટેકથી કેવી રીતે બચી શકાય તે દિશામાં પણ પગલા લઇ રહ્યું છે ત્યારે લોકો દ્વારા જે સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તથા તેની સિક્યુરિટીનું સહેજ પણ ધ્યાન ન હોવાના કારણે ૨૦ દેશોના કુલ ૧૪૦૦ મોબાઇલ યુઝર્સના ડેટા હેક થવાથી વિશ્વભરમાં ચકચાર મચી જવા પામ્યો છે જેનાથી સરકાર પણ ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે.