ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટ્વિટર રાત્રે પોણો કલાક ઠપ્પ રહેતા યુઝર્સમાં ઉચ્ચાટ
45 મિનિટમાં 34 હજારથી વધુ વપરાશકર્તાઓએ ફરિયાદ કરી !!
આજના આધુનિક યુગમાં ડિજિટલ સેવાનો વ્યાપ સતત વધી રહ્યો છે. એમાં પણ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ રાતદિવસ રચ્યા પચ્યા રહે છે. જો આ પ્લેટફોર્મ થોડી ક્ષણ માટે પણ બંધ થઈ જાય તો તેના બંધાણીઓ ઉચાટ થઈ જાય છે. જાણે સોશિયલ મીડિયા વગર બધું જ અટકી જતું હોય તેમ દ્રશ્યો સર્જાય છે. આવી જ સ્થિતિ ગઈકાલે રાત્રે ઉભી થઈ હતી. સોશ્યલ મીડિયાના આ પ્લેટફોર્મને રાત્રે “ઝોકું” આવતા બંધાણીઓ પરેશાન થઈ ગયા હતા.
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટ્વિટર શુક્રવારે રાત્રે પોણો કલાક ઠપ્પ રહેતા તમામ યુઝર્સ અકળાઈ ગયા હતા. માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરના સોશ્યલ મીડિયા યુઝર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વપરાશકર્તાઓએ ફરિયાદ કરી હતી કે તેઓ સંદેશા મોકલવા અને મેળવવામાં અડચણ અનુભવી રહ્યા છે. કેટલાક વપરાશકર્તાઓએ એમ પણ કહ્યું હતું કે તેઓને વોટ્સએપ વેબ પર લોગ ઈન કરવામાં પણ મુશ્કેલી આવી રહી છે. ડાઉનડિટેક્ટર વેબસાઈટના અહેવાલ મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ગઈકાલે રાત્રે 10:40 વાગ્યેથી અડચણ શરૂ થઈ હતી.જેમાં વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામનો સમાવેશ છે. 10:40 વાગ્યાથી 11:25 એમ અંદાજે પોણો કલાક સેવા બંધ રહી હતી. વોટ્સએપ ફરી શરૂ થયા બાદ કંપનીએ કહ્યું કે, તેઓ બધા યુઝર્સએ શાંતિ જાળવી અમને સપોર્ટ કર્યો એ બદલ તમામનો આભાર વ્યક્ત કરે છે.
વોટ્સએપે કહ્યું કે તેની સેવાઓ ફક્ત 49 મિનિટ માટે જ ડાઉન હતી. કંપનીએ વિશ્વભરમાં સેવા ડાઉન થઈ જવાના વાસ્તવિક કારણ રાત્રે કોઈ માહિતી આપી ન હતી, પરંતુ તાજેતરમાં તેણે ચોક્કસપણે કહ્યું કે આ પાછળ તકનીકી ખામી છે.
ફેસબુકે માફી માંગી
ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે, તકનીકી ખામીના કારણે વપરાશકર્તાઓને રાત્રે ફેસબુકની કેટલીક સેવાઓ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. પણ અમે હવે આ સમસ્યા દરેક માટે ઠીક કરી દીધી છે. આ અડચણ બદલ અમે દિલગીર છીએ.
34 હજારથી વધુ વપરાશકર્તાઓએ ફરિયાદ કરી હતી
વોટ્સએપ ઉપરાંત ઘણા વપરાશકર્તાઓને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવામાં પણ મુશ્કેલી આવી રહી હતી. ડાઉન ડિટેકટર અનુસાર 28,500 થી વધુ વપરાશકર્તાઓએ ઇન્સ્ટાગ્રામમાં સમસ્યા વિશે ફરિયાદ કરી. તે જ સમયે, 34,127 થી વધુ વપરાશકર્તાઓએ વોટ્સએપ પર સમસ્યા અંગે ફરિયાદ કરી. તો ફેસબુકના 57 ટકા વપરાશકારોએ કુલ બ્લેકઆઉટ નોંધાવ્યું હતું. તે જ સમયે, 29% વપરાશકર્તાઓએ કહ્યું કે તેઓ ફેસબુકને પણ એક્સેસ કરવામાં સક્ષમ નથી.