વોટ્સએપ જોઈએ કે પુસ્તક ? વિષયે વીવીપી કોલેજના લાઈબ્રેરીયનનું પ્રેરક પ્રવચન
સ્વામીનારાયણ મંદિર, ઉદયનગર, રાજકોટ ખાતે આયોજીત યુવાસભા કે જે દર મહિને યોજાય છે જેમાં સાંપ્રત સમયને સ્પર્શતા સંસ્કૃતિ સંવર્ધનના, પરીવાર કલ્યાણ, વ્યકિતત્વ વિકાસ, કારકિર્દી ઘડતર, વ્યસનમુકિત, સંસ્કાર ઘડતર જેવા વિવિધ વિષયો પર યુવાનોને અનુભવી નિષ્ણાંતોનું વકતવ્ય મળી રહ્યું છે ત્યારે તાજેતરમાં વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના સિનીયર લાઈબ્રેરીયન ડો.તેજસ શાહ દ્વારા આધુનિક યુગમાં નાના-મોટા દરેકને સ્પર્શતો વિષય વોટસઅપ જોઈએ કે પુસ્તક વિષય પર ખુબ જ પ્રેરક પ્રવચન આપેલ હતું.
તેમના પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે, શરૂઆત આપણે આપણા પુસ્તકોના મહત્વ વિશેથી કરીશું ત્યારબાદ વોટસઅપના વિષય પર આવીશું. ત્યારબાદ ઉદાહરણ આપતા જણાવેલ કે, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની વર્ષ ૧૮૨૬માં ૨૧૨ શ્ર્લોકોની ઉતમ રચના કરેલી જેમાંથી આજે પણ આપણને જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે જે પણ એક પુસ્તક સ્વરૂપ જ છે જે આજે વિવિધ સ્વરૂપે વંચાય છે. પુસ્તકની વ્યાખ્યા આપતા જણાવેલ કે જે વાંચવાથી મસ્તક ઉચું રાખી શકાય તેનું નામ પુસ્તક. આપણી હજારો વર્ષ પહેલાની સંસ્કૃતિમાં પણ પુસ્તકનું મહત્વ ઉલ્લેખનીય રહ્યું છે. પુસ્તકો આપણો આત્મવિશ્ર્વાસ વધારે છે, વિશ્ર્વદર્શન કરાવે છે, પર્સનાલીટી ડેવલપ કરે છે, પરફેકશન આપે છે, પ્રવૃત રાખે છે, કરંટ અવરેનેસ આપે છે, ચિંતા-તાણ-થાક ઘટાડે છે. કલ્પનાશકિત વિકસાવે છે, આધ્યાત્મિક પાવર વધારે છે, આંતરિક શકિતઓને ખીલવે છે, આવા અનેકવિધ ફાયદાઓ પુસ્તકના છે. હવે તો ઓનલાઈન પુસ્તકો પણ એટલા જ આવી ગયા છે. આંગળીના ટેરવે તમે વિશ્ર્વની કોઈપણ માહિતી મેળવી શકો છો ત્યારે પુસ્તકનું મહત્વ જરાય ઓછું આંકી શકાય તેમ નથી.
પરંતુ હવે વાત કરીએ વોટસઅપની અને તેના વલોપાતની તો ખ્યાલ આવશે કે આ વોટસઅપ અને સોશિયલ મિડીયાએ કેટલો દાટ વાળ્યો છે. આજની યુવા પેઢીનો. એક સર્વે મુજબ ભારતની અંદર દરરોજ એક વ્યકિત ૩૬ મિનિટ વોટસઅપ પાછળ વાપરે છે. વાર્ષિક ૩૪૦ અબજ કિંમતી કલાકો વોટસઅપ પાછળ ખર્ચાય જાય છે. ફેસબુકના કુલ ૧૫૦ કરોડ યુઝર્સમાંથી એકલા ભારતમાં ૨૭ કરોડ યુઝર્સ છે અને આજ રીતે ઈન્સ્ટાગ્રામ, ટવીટર, હાઈક, લાઈન, વાઈબર, યુ-ટયુબ કે અન્ય સોશિયલ મિડીયાને કારણે કલાકો માનવ કલાકો વ્યર્થ વેડફાય જાય છે. કાર્યક્રમમાં રાજકોટના ઉદયનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂ.વૃજ વલ્લભ સ્વામીજીએ તથા વંથલીથી પધારેલ પૂ.ભગવત સ્વામીએ આ સુંદર વિષય પર યુવાનોને તલસ્પર્શી માર્ગદર્શન આપવા બદલ આર્શીવચન પાઠવેલ હતા. કાર્યક્રમનું સફળ આયોજન રાજકોટ મેડિકલ કોલેજના કર્મચારી, લેખક, શિક્ષક અને પ્રખર સત્સંગી એવા ડો.નિમિષ મુંગરાએ કરેલ હતું.