ઓજસ્વીની ફાઉન્ડેશને ધાર્મિક પરંપરાનું સેવા સાથે કરાવ્યું મિલન
મહિલા અને બાળ ઉત્થાન માટે વિવિધ પ્રોજેકટ ચલાવતા હેમલ દવેનું વધુ એક નવીનતમ સેવા કાર્ય: ૫૦ ગરીબ બાળાઓને સાજ-શણગાર સજી ભાવતું ભોજન કરાવ્યું
ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર તહેવારોમાં નિવેદ પ્રસંગે કુવારીકા બાળાઓને ગોરણી કરીને તેને પુજન-શણગાર કરવાનો આપણા કાઠિયાવાડી સંસ્કૃતિમાં રિવાજને પરંપરા છે. ઓજસ્વીની ફાઉન્ડેશન રાજકોટ છેલ્લા પ વર્ષથી મહિલા અને બાળ ઉત્થાન વિકાસ બાબતે વિવિધ પ્રવૃતિ-પ્રોજેકટ નિ:શુલ્ક ચલાવી રહ્યા છે. સમગ્ર આયોજન સંસ્થાના સંચાલક હેમલ મૌલેશ દવે સંભાળી રહ્યા છે. તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સારા ઘરની બાળાઓને બધા જ ગોરણી કરે જમાડેને શણગાર આપે પણ ઝુંપડપટ્ટીની બાળાઓને કોણ જમાડે ? આવા પ્રશ્ર્ને વિચાર આવ્યોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાછળ આવેલ ઝુંપડપટ્ટીની ૫૦ બાળાઓને પુજન-શણગારનો કાર્યક્રમનો વિચાર આવ્યો હતો.
ઓજસ્વીની ફાઉન્ડેશનની બહેનોએ પોતાના સ્વખર્ચે સાથે તેમના અંગત પાસેથી રકમ મેળવીને ઝુંપડપટ્ટીમાં પ્રથમવાર આવું આયોજન દશેરાના તહેવારે યોજેલ હતું. પોતાના ઘરેથી જ શ્રેષ્ઠ ગુણવતાસભર આયોજનમાં પુરી, ખીર, શાક, સેવા, બુંદી બનાવીને ૫૦ ગોરણીનું પુજન-શણગાર હેમલ મૌલેશ દવેની ટીમે કરીને સમાજમાં નવો ચિલો ચિતર્યો હતો. બપોરે ભરપેટ ભોજન બાદ સાંજે પણ ભોજન કરાવેલ હતું. આ પ્રોજેકટ સંસ્કૃતિ ઉત્સવમાં ગોરણીના ભાઈ તથા તેના પરિવારને પણ ભોજન કરાવાયું હતું. ૩૦ જેટલા પરિવારને આ કાર્યક્રમમાં આવરી લેવાયા હતા.
બસો રૂપિયા જેટલી કિંમતના બાળાઓના શણગારમાં ચાંદલા, લિપ્સ્ટીક, ક્રિમ, પાવડર, હેરપીન જેવી ૧૧ વસ્તુઓ અપાઈ હતી. જેનો તમામ ખર્ચ ઓજસ્વીની ફાઉન્ડેશનની બહેનોએ પોતાના સ્વખર્ચે કરેલ હતો.
ઝુંપડપટ્ટીની ઘણી બાળાઓએ પ્રથમવાર ચાંદલાને શણગાર કર્યો હતો. સમગ્ર આયોજનમાં હેમલ મૌલેશ દવે, સુરભીબેન આચાર્ય, કૃતિ રાઠોડ, દેવાંગી ચોટલિયા, બિંદુ દવે તથા હેતલ રાવલે જહેમત ઉઠાવીને રાજકોટની જનતાને અંગુલી નિર્દેશ સમો અનોખો સેવાયજ્ઞ કર્યો હતો. આ સંસ્થા દ્વારા ઘર ઉપયોગી સારા વાસણો એકત્ર કરીને ઝુંપડપટ્ટીના પરીવારને આપીને બર્તન ગીફટ પ્રોજેકટ ચલાવાય છે જેને સમગ્ર ગુજરાતમાં સરાહના મળી છે.
સંસ્થા દર વર્ષે અનાથ આશ્રમમાં આ કાર્યક્રમ યોજતી હતી પણ આ વર્ષે કોરોનાને કારણે ઝુંપડપટ્ટીની જરૂરીયાતમંદ બાળાઓમાં કાર્યક્રમ કરતા લોકોમાં ચાહના વધી હતી.