સાબરકાંઠા, હિતેશ રાવલ:
અબોલ જીવને ખોટી રીતે કનડગત કરાતા હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે. આ પરથી એમ પણ થાય કે આખરે આ મૂંગા પશુઓની સાથે કોઈને શું વેર હશે..?? સાબરકાંઠાના વડાલીમાં આવો જ એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. વડાલીમાં આખલા પર એસિડ હુમલો થતા પશુપ્રેમીઓમાં ભારે રોષ પ્રવર્ત્યો છે. આખરે આવી હરકતો શું કામ ?? અબોલ જીવોને આવી પીડા શું કામ ?? આ મુંગા પશુઓએ શું બગાડ્યું હશે કે આવી આવું કૃત્ય ?? તેવા પ્રશ્નો ઉપજ્યા છે.
મુંગા પશુ પર નરાધમો દ્વારા એસિડ નાખવામાં આવતા આખલાના શરીર પર કાળા નિશાન જોવા મળ્યા છે. ચામડી બળી જતાં જીવદયા પ્રેમી દ્વારા સારવાર હાથ ધરાઈ છે. આ બનાવને લઈને સ્થાનિક લોકો અને જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. અસામાજિક તત્વોને પકડી પાડી આકરી સજા ફટકારવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી છે.
સ્થાનિક લોકો ઉપરાંત પશુ પ્રેમીઓ દ્વારા વડાલી પોલીસ સ્ટેશને રજૂઆત કરવામાં આવી છે. અને જો આ કૃત્ય કરનાર નરાધમોને નહિ પકડે તો જીવ દયા પ્રેમી દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરાશે તેમ જણાવ્યું છે.