ટ્રેડવોર બાદ મોટાભાગનો સામાન અમેરિકા પાસેથી જ ખરીદવો પડે તેવી ચીનની મજબૂરી: વિમા, સિક્યોરીટી, ફંડ, મેનેજમેન્ટ સહિતના સેકટરમાં ટોચના સ્થાને રહેલી ભારતીય કંપનીઓને વાયા અમેરિકા થઈ ચીનમાં પ્રવેશવાની તક સાંપડી
અમેરિકા-ચીન વચ્ચે થોડા સમય પહેલા જોવા મળેલી ટ્રેડ વોરના કારણે સમગ્ર વિશ્વના દેશોના અર્થતંત્ર ઉપર માઠી અસર જોવા મળી હતી. અમેરિકા દ્વારા ચીનના સામાન પર થોપવામાં આવેલા ટેરિફના કારણે વૈશ્વિક અર્થતંત્ર થોડા સમય માટે ડામાડોળ થયું હતું. બન્ને દેશો વચ્ચેના વેપારી સંબંધોમાં આવેલી ખટાશ વધુ ઘેરી બને તેવી દહેશત વિશ્વને હતી. દરમિયાન બન્ને પક્ષે સમાધાન માટે તૈયારી દર્શાવતા વિશ્વએ રાહતનો શ્વાશ લીધો હતો. આ સાથે જ અમેરિકા અને ચીન વચ્ચે સમાધાન થવા જઈ રહ્યું છે. આ સંધી ભારત માટે કેટલાક ક્ષેત્રોમાં નકારાત્મક તો કેટલાક ક્ષેત્રમાં સકારાત્મક અસર પહોંચાડી શકે છે.
ભારતને અમેરિકા અને ચીન બન્ને દેશો સાથે વ્યાપારીક સંબંધો છે. જો કે, અમેરિકામાં અમુક અંશે સામાન વેંચવા માટે ચીનની સંધી થઈ છે. આ ઉપરાંત અમેરિકાના સામાનને ચીનમાં સરળતાથી એન્ટ્રી મળે તે માટેના કરાર પણ થયા છે. થોડા સમય માટે અમેરિકા અને ચીન વચ્ચે આર્થિક ખટરાગ થયો હતો. જેના પરિણામે ચીન ઉપર દબાણ વધ્યું છે અને અમેરિકાની કંપનીઓ દ્વારા ચીનમાં વધુને વધુ નિકાસ કરવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવે છે. અમેરિકાની બજારમાં ઉંચી ગુણવતાની વસ્તુઓ વેંચાય છે. આ ગુણવત્તાના માપદંડો ખુબજ કડક હોવાથી ભારત સહિતના કેટલાક એશિયન દેશો આ ધારા-ધોરણોમાં ખરા ઉતરતા નથી.
અમેરિકા દ્વારા ચીન ઉપર મુકવામાં આવેલા દબાણની સ્થિતિમાં ભારત સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓને ફાયદો જોવા મળી રહ્યો છે. જે ભારતીય કંપનીઓ અમેરિકામાં વેપાર વિનીમય સાથે સંકળાયેલી છે તે કંપનીઓ માટે હવે ચીનમાં પ્રવેશ દ્વાર ખુલ્યા છે. અમેરિકામાં વેપાર કરતી ભારતીય કંપની હવે ચીનમાં સરળતાથી ઘુસી શકશે તેવું માનવામાં આવે છે. અત્યાર સુધી ચીનના માર્કેટમાં પોતાનો પગદંડો જમાવવા માટે ભારતીય કંપનીઓને ભારે જહેમત ઉઠાવવી પડતી હતી પરંતુ સ્થિતિ બદલાઈ છે. અમેરિકાએ મુકેલું દબાણ ભારતીય કંપનીઓ માટે તક બની ગયું છે.
ભારતના આઈટી પ્રોફેશનલ્સ અને તબીબી ક્ષેત્રના નિષ્ણાંતોનો વિશ્વભરમાં ડંકો વાગે છે. તેઓ અમેરિકા, બ્રિટન સહિતના વિકક્ષીત દેશોમાં પથરાયેલા જોવા મળે છે. પરંતુ ચીનના મસમોટા બજારમાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને તબીબી ક્ષેત્રના નિષ્ણાંતોની સંખ્યા ખુબ ઓછી છે. જેની પાછળ અનેક કારણો જવાબદાર છે.
ભારતની કેટલીક કંપનીઓ વીમા, સિક્યોરીટી, ફંડ, મેનેજમેન્ટ સહિતના સેકટરમાં અમેરિકામાં ટોચના સને છે. આ કંપનીઓ અત્યાર સુધી ચીનમાં પગદંડો જમાવી શકી નથી. પરંતુ પરિસ્થિતિ બદલાઈ છે અને ચીનમાં પ્રવેશ માટે સંજોગો ઉજળા બન્યા છે. અમેરિકાના નોન બેન્કિંગ ફાયનાન્સીયલ ઈન્સ્ટિટયુશન માટે દ્વાર ખોલવા પડયા છે. અમેરિકા દ્વારા થઈ રહેલા દબાણના કારણે ચીનનું અર્થતંત્ર દાયકાના સૌથી નબળા તબક્કામાંથી પસાર થાય તેવી દહેશત છે. બીજીબાજુ ચીન ૨૦૨૫ સુધીમાં ટેકનોલોજી અપગ્રેડ કરીને મેઈન ઈન ચાઈના પ્રોજેકટને વધુ ધારદાર બનાવવાની મામણ કરી રહ્યું છે. નિકાસ અને આયાત મુદ્દે ચીનને સમતોલન જાળવવું મુશ્કેલી બની રહ્યું છે. જેના માઠા પરિણામ આવવાની દહેશત વચ્ચે ભારતીય કંપનીઓને ટેકનોલોજીમાં પણ ચીન સાથે હરિફાઈ કરવાની તક મળી છે.
ઓટોમોબાઇલ સેક્ટરમાં ‘ટેકનોલોજી’ના ફૂંફાડાથી ભારતનું બજાર સર કરવા ‘ડ્રેગન’ સજ્જ
ટેકનોલોજીમાં સમયાંતરે અપગ્રેડ લાવીને ચીનની કંપનીઓ દ્વારા સ્માર્ટ ફોનની બજાર ઉપર કબજો જમાવી દેવાયો છે. આવી જ રીતે હવે ઓટોમોબાઈલ સેકટરની હાલત પણ સ્માર્ટ ફોન જેવી થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ઓટોમોબાઈલ સેકટરમાં કારના એન્જીની લઈ તમામ ક્ષેત્રે જરૂરી ગણાય તેવા પાર્ટસ ચીન અપગ્રેડ કરી રહ્યું છે. આ અપગ્રેડના કારણે લોકોને પોતાની કાર પાછળ રૂ.૧ લાખ સુધીનો ખર્ચ કરવો પડે ત્યાં સુધીની તૈયારી દાખવવી પડે છે. ભારતનું કાર બજાર સૌથી ઝડપથી વિકસતુ બજાર છે. આવી સ્થિતિમાં કારની એસેસરીઝ પાછળ જેવી રીતે ખર્ચો કરવામાં આવે છે તેવી જ રીતે ચીન દ્વારા અપગ્રેડ કરાવેલી ટેકનોલોજીના માધ્યમથી કારને વધુ ડિજીટલ કરી શકાય છે. કારમાં ડિજીટલાઈઝેશન સહિતના ક્ષેત્રે ચીનની કંપનીઓ ઈનોવેશન છે. ચીનની સીયાક, બીવાયડી, ગ્રેટ વોલ અને એફએડબલ્યુ હાઈમા સહિતની કાર કંપનીઓ દ્વારા ભારતમાં પ્રવેશવાની તૈયારી થઈ રહી છે. પરંતુ આ કંપનીઓ મસમોટુ રોકાણ કરે તે પહેલા કારને લગતી અન્ય ટેકનોલોજીમાં ભારતમાં કેટલી કંપની પ્રવેશ કરી ચૂકી છે. રૂ.૫૦ હજારથી ૧ લાખ સુધીની કિંમત ચૂકવી કારમાં કનેકટીંંગ સર્વિસ મુકાવવાની તૈયારી લોકો દાખવી રહ્યાં છે. આ ટેકનોલોજી રોડ સેફટી માટે વધુ અસરકારક નિવડી શકે તેવું માનવામાં આવે છે. વર્તમાન સમયે ભારતીય રોડ-રસ્તા પર સેફટીને લઈ સરકાર દ્વારા અભિયાનો ચલાવાય છે. ત્યારે રોડ સેફટીના મુદ્દે ચીનની ટેકનોલોજીનો ઉપયોગ ભારત માટે ખુબજ મોટું મહત્વ ધરાવી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતની બજારમાં ચીનની કંપનીઓ ઈલેકટ્રોનિક કાર સહિતના વાહન વેંચવા પણ તલપાપડ બની હોવાનું જાણવા મળી રહ્યું છે.