પ્રથમ પ્રજાસત્તાક દિને તેમણે આવી જ આશાઓ અને કોડભરી મીટ માંડી હતી, ત્રિરંગો ધ્વજ એમનો સાક્ષી હતો, અને દેશભરમાં અત્યારે ય ઉભેલી પ્રતિમાઓ એની જામીન હતી !
અર્ધાપર્ધા અંગ ઢંકાયે અને દરરોજ અર્ધ ભૂખી રહ્યા કરતી ગરીબ જનેતાઓને જોઈને એક કવિશ્રીએ એવું કહેલું કે ‘ઉભાં ઉભાં કરે ઝાડવા વાતું, અસ્તરી જાતની આબરૂ સારૂ પડી જતી નથી કેમ મોલાતું?’ અને બીજા એક કવિશ્રીએ એવું લખેલું કે, ‘એક દિન આંસુભીનાં રે હરિનાં લોચનિયા મેં દીધા !’ હવે અયોધ્યા મંદિર પ્રત્યે એ એમાં બિરાજનારા ભગવાન પ્રત્યે કરોડો ગરીબોની જેમની તેમ મીટ છે ! હા, આ બધો સમય વિતી ગયો છે એટલે એમના ચહેરાઓ વધુ નિસ્તેજ બની ચૂકયા છે !
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એવું કહ્યું હતુ કે, આપણા આ દેશની પ્રજા માટે રામરાજય લાવવા માટે આપણે પસીનો પાડવાનો છે.
મને જો કોઈ મારી નહીં નાખે તો હું સવાસો વર્ષ સુધી જીવવાનો છું અને આ ભૂમિમાં રામરાજય લાવીને જ હું જંપીશ…
આ દેશના કરોડો ગરીબાઈમાં રીબાતા લોકો મરતાં પહેલા શું કદાપિ શ્રીમંતાઈ નહિ જૂએ ?
આપણા સંગીત સામ્રાજ્ઞી લતા મંગેશકરે ગાયેલું અને કવિ પ્રદીપજીએ લખેલું એક અજરઅમર ગીત અહી સાંભરે છે:
‘એ મેરે વતન કે લોગોં, જરા આંખો મેં ભરલો પાની, જો શહીદ હુએ હૈ ઉનક, જરા યાદ કરો કુરબાની ’
આ બધુ અને બીજું કેટલુ આપણા દેશના કરોડો ગરીબો અને આપ્તજનોએ, આપણી ઉગતી પેઢીએ અને આપણા દેશની કંગાલિયતે આપણા દેશના વડાપ્રધાનને, રામમંદિરને માટે રથયાત્રાઓ કાઢનારાઓને, ગોળીઓ-લાઠીચાર્જની વેદનાઓને, કારસેવકોને અને આટલા બધા વર્ષો સુધી અવનવી વાતો, વિવાદો તેમજ રાજકારણનાં પ્રપંચો આચરનારાઓએ મંદિર-નિર્માણોત્સવમાં હોંશે હોંશે ભાગ લેનારાઓ અને યશ માટે સાચી-જૂની કથાઓ કહેનારાઓને ચરણે ધરવાનું છે. મંદિરની ભવ્ય ઈમારતને, એને માટે ખૂન-પસીના પાડનારાઓ અને મંદિરનાં સુવર્ણકળશ તેમજ એની અયોધ્યામાં તેમજ જગતભરમાં આણ ફેલાવનારાઓનાં ચરણકમળમાં મૂકવાનું છે. ભલે પછી અયોધ્યાનીક રામજન્મભૂમિનાં ગરવા ઈતિહાસની એક આંખમાં હર્ષ-ઉમંગ હોય અને બીજી આંખમાં વિષાદ હોય !
કવિશ્રી કરસનદાસ માણેકે લખ્યું છે કે,
‘પછરંગી ઓચ્છવ ઉજવ્યો’તો અન્નકૂટની વેળા
સાજન માજન મૂછ મરડતા પોરસ ફૂલ્યા ફરતા.
આંખીની ચાપડીઓએ ચઢી ભકતો થયા’તા ભેળા..
દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટટળતા, તે દિન
આસુંભીના રે હરિનાં લોચનિયા મેં દીઠાં.
મંદિર આપોઆપ નથી બનતા.
મંદિરની ઈમારતોને નિર્માણમાં જે શ્રમ પડે છે, તેના કરતા એને સાચા સ્વરૂપમાં સાચવતાં વધુ શ્રમ પડે છે.
આ મંદિરનાં પાયામાં તો સોમનાથ ભગવાન છે, સોમનાથની કેસરિયા રથયાત્રા છે ?
પૂજય મોટાએ એક ઠેકાણે જણાવ્યું જ છે કે, ‘આજે તો પૈસા એજ જગતમાં ભગવાન થઈ પડયો છે.
ખરાબમાં ખરાબ, ચારિત્ર્યનો હલકો માણસ પણ પૈસાના જોરે આગળ પડતું મહત્વ ભોગવે છે. આજે ચારિત્ર્યનું કોઈ મહત્વ નથી, એટલે આપણા સમાજનું કેટલું બધું પતન થયું છે!
એટલે પૈસાને પરમેશ્ર્વર સમજનારો આપણો સમાજ છે, એ સમાજનું પતન જ છે. અંધાધુંધી આવશે ત્યારે એકેએક ઘર અને પાપીઓનાં ઘર ઉથલપાથલ થઈ જવાના એમાં બિલ્કુલ શંકાની કોઈ વાત નથી.
શ્રી મોટાના શબ્દોમાં જ કહીએ તો ‘લક્ષ્મી એ માતા છે. લક્ષ્મી વડે કરાયેલો દૂર્વ્યવહાર એ માતા સાથે કરેલા વ્યભિચાર બરાબર છે,
‘આ સમાજ મડદાં’ પૂજનારો છે…
પૂ. મોટાની આ વાતમાં ચેતવણી છે.
મંદિરો ભલે બંધાય પણ એની આમન્યાની અવગણના ન જ કરી શકાય. માત્ર ધનને જ પરમેશ્ર્વર ન ગણાવા દેવાય…
આપણા નેતાઓને પણ આ ચેતવણી ભૂલવા જેવી નથી.
મંદિર નિર્માણોત્સવને અવસરે આ વાત મંદિરની દિવાલ પર આરસ પથ્થરમાં કંડારાવી ઘટે.
જો મંદિર ગરીબો માટે અને માતૃભૂમિ માટે દાખલા રૂપ ન બને તો એ દ્વારકાના શંકરાચાર્યશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીએ વ્યક્ત કરેલા ઉદ્ગારો મંદિરનાં પ્રાંગણમાં બુલંદ પડઘા પાડશે.
સંતવર્ય પૂ.શ્રી રણછોડદાસજી મહારાજશ્રીએ તો એમ કહ્યું છે કે, ગરીબો કો કભી સતાના મત, અગર ઉનકા ભગવાનને સુન લિયા તો તુમ્હારી ખેર નહિ !’ અને છેલ્લે આ મહોત્સવમાં રાજકારણ ન ઘૂસે તોજ નવાઈ લેખાશે અને તે આશીર્વાદરૂપ બનશે, એ નિર્વિવાદ છે.