કોરોનાના હોટસ્પોટ સીવાયના વિસ્તારોમાં વધારે છુટછાટ અપાશે: છુટછાટ અંગે નિર્ણય કરવાની સત્તા રાજ્ય સરકારોને અપાશે
૧ જૂનથી મોટાભાગના પબ્લિક ટ્રાન્સપોર્ટને સોશિયલ ડિસ્ટેંસિંગના માપદંડની સાથે શરૂ કરવાની વિચારણા
દેશના ૧૩ શહેરોને બાદ કરતાં તમામ ભાગમાં પ્રતિબંધોને હટાવી શકે: પશ્ચિમ બંગાળ, કર્ણાટક સહિતના રાજ્યોની મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળો ખોલવાની તૈયારી
લોકડાઉન ૪.૦ આવતીકાલે પૂરું થનાર છે ત્યારે હવે લોકડાઉન ૫.૦ હશે તો કેવું હશે ? કેવી કેવી છૂટછાટ મળશે ? તે અંગે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે. દેશભરમાં હજારો શ્રમિકો પોતાના વતન પહોંચ્યા છે. ત્યારે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. જો કે હાલની સ્થિતિ જોતા કોરોનાના કેસ વધતા હોવા છતાં સંભાળી શકાય તેમ છે. જેથી આગામી સમયમાં વધુ છૂટછાટો મળે તેવી આશા છે.
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી અને રાજ્યોની સ્થિતિ જાણી હતી અને હજુ કેટલા પ્રતિબંધો રાખવા જરૂરી છે. કેન્દ્ર સરકાર એક નવી ગાઇડલાઇન્સ પર કામ કરી રહી છે, તેના અંતર્ગત ૧ જૂનથી દેશના મોટાભાગના હિસ્સામાંથી લોકડાઉનને ખત્મ કરી દેવામાં આવશે. સૂત્રોનું જણાવ્યા મુજબ દેશના ૧૩ શહેરોને બાદ કરતાં તમામ ભાગમાં પ્રતિબંધોને હટાવી શકે છે. હોટલો, મોલ્સ અને રેસ્ટોરાંને પણ ૧ જૂનથી ખોલવાની મંજૂરી મળી શકે છે.
ગુરૂવારના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમ્યાન બંને નેતાઓએ નવી ગાઇડલાઇન્સને લઇ વિચારણા કરી હતી. ૩૧મી મેના રોજ આવતા ૧૫ દિવસ માટે દેશભરમાં લાગૂ થનાર દિશાનિર્દેશોને રજૂ કરી શકે છે.
દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, અમદાવાદ, થાણે, પૂણે, હૈદ્રાબાદ, કોલકત્તા-હાવડા, ઇન્દોર, જયપુર, ચેંગલપટ્ટુ અને તિરૂવલુરમાં પ્રતિબંધોને આગળ ચાલુ રાખી શકે છે.હોટલ, મોલ્સ, રેસ્ટોરાંને ૧ જૂનથી ખોલવાની મંજૂરી આપી શકે છે. જો કે હોટલોને તબક્કાવાર રીતે ખોલાશે. આ અંગે સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય લેશે. હાલ દેશમાં હોસ્પિટાલિટી સર્વિસ સંપૂર્ણપણે બંધ છે. અત્યારે માટે એ જ હોટલો કામ કરી રહી છે જ્યાં કોરોનાની વિરૂદ્ધ જંગમાં જોડાયેલા પોલીસકર્મી, અધિકારી અને હેલ્થકેયર વર્કને રાખ્યા છે.
આ અંગે માહિતી ધરાવતા અધિકારીઓએ કહ્યું કે, એ પણ શકય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારના રોજ મન કી બાતમાં લોકડાઉનના પાંચમાં તબક્કાને લઇ કેટલીક વાતો સ્પષ્ટ કરો. જો કે તેના પર આખરી નિર્ણય લેવાનો હજુ બાકી છે.
એક અધિકારીએ કહ્યું કે એ વાત પર વિચારણા ચાલી રહી છે કે, કંઇ રીતે હવે આગળ લોકડાઉન જેવા શબ્દના ઉપયોગથી બચી શકાય. તેમણે કહ્યું કે રાજ્યોને પૂરો અધિકાર અપાશે જો તેમને જરૂર લાગે તો સખ્તીભર્યા પગલાં લઇ શકે છે. શહેરોની સ્થિતિને જોતા રાજ્ય એ નિર્ણય લેવા માટે સ્વતંત્ર હશે કે ત્યાં આપવામાં આવેલી ઢીલ પાછી લઇને સખ્તાઇથી વધુ પાલન કરાવું કે નહીં.
સૂત્રોએ કહ્યું કે ૧ જૂનથી મોટાભાગના પબ્લિક ટ્રાન્સપોર્ટને સોશિયલ ડિસ્ટેંસિંગના માપદંડની સાથે શરૂ કરી શકાય છે પરંતુ મેટ્રોનું સંચાલન અત્યારે શરૂ થવાની સંભાવના ઓછી છે.