શ્રીમદ્ ભાગવત્માં મહર્ષિ વેદ વ્યાસજીએ ગ્રંથની શરૂઆતમાં જ જણાવેલ છે કે “સત્યમ્ પરમ્ ધિમહી|”
કપટની કેબલ વોર
પીઆઈ જયદેવે મને કમને પણ બબ્બે હોદાની કામગીરી એકી સાથે કર્યે જતો હતો. જયદેવની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રહેવાની જરા પણ ઈચ્છા નહતી, પરંતુ આતો શિસ્ત-બધ્ધ ખાતુ હુકમનો અમલ કરવો જ પડે. વળી જયદેવ પણ ‘સમત્વં યોગ ઉચ્યતે’ મુજબ કામ કરતો હતો આથી લોકસભાની ચૂંટણી દરમ્યાન આ પહેલાની ચૂંટણીઓ દરમ્યાન તે અંગેનાં ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધ ચૂંટણી કમિશનની સૂચના મુજબ કરેલ કાર્યવાહીથી સત્તાધારી રાષ્ટ્રવાદીઓ નારાજ થયા હતા. પરંતુ ખરેખર ખોટુ કામ તેમના દ્વારા થયેલું અને પછી જયદેવની કાર્યવાહીથી તેમની હાલત પહેલી કહેવત મુજબ ‘ચોરની માં કોઠીમાં માથુ નાખીને રૂએ’ તેવી થઈ હતી.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીવી કેબલ નેટવર્કના ઠેકેદારો વચ્ચે અગાઉથી જ ગળાકાપ હરીફાઈ ચાલુ હતી નવાઈની વાત એ હતી કે બંને પક્ષો સત્તાધારી પાર્ટીના જ હતા. પણ આતો રહ્યા રાજકરણીઓ, દરેક પોત પોતાનો સ્વાર્થ સાધવા તંત્ર (ખાસ તો પોલીસ)નો હાથા તરીકે ઉપયોગ ક્રવા માગતા હતા અને જયદેવ કોઈ નો હાથો બને તેમ હતો નહિ બંને કેબલ ઓપરેટર પાર્ટીઓ વચ્ચે કેબલ કનેકશનનો મેળવવા માટે ગળાકાપ તો શું પણ માનો કે યુધ્ધ જેવી જ પરિસ્થિતિ હતી. અકે ઓપરેટર જ્ઞાતી આધારે વધુ કનેકશન મેળવતા બીજો પક્ષ આ હરીફ ઓપરેટરના કેબલના દોરડા (વાયરો) વચ્ચે વચ્ચે કયાંક કાપી નાખી તેની સેવા ખરાબ હોવાનું પ્રતિપાદન કરી આગળ વધવા પ્રયત્નશીલ હતો. જોકે કેબલ ઓપરેટરોની આવી નાની મોટી બબાલો પોલીસ માટે કાયમીની હતી રજૂઆતો આવે જમાદારો દોડે ‘થુકના થીગડા’ જેવા થાબડભાણા કરી મામલા નિપટાવ્યે જતા હતા.
પરંતુ એક વખત ગાંધીગ્રામ થાણાની હદ પછી ઘંટેશ્ર્વર ગામની સીમમાં આવેલ એસ.આર.પી. (સ્ટેટ રીઝર્વ પોલીસ દળ)ના કેમ્પમાં જતા કેબલને આ હરીફ ઓપરેટરે કાપી નાખતા આ પોલીસ કેમ્પસનાં તમામ ટીવી બંધ થતા દેકારો બોલી ગયો. બીજે દિવસે આ એસઆરપી ગ્રુપના કમાન્ડડન્ટ (સેનાપતી)નો જયદેવ ઉપર ફોન આવ્યો તેમણે જયદેવને કહ્યું કે જો પોલીસ કેમ્પસની હાલત આવી હોય તો આમ જનતાના વિસ્તારોની શું હાલત હશે? જયદેવે સેનાપતીને આ કેબલ યુધ્ધ ખરેખર તો સત્તાધારી પાર્ટીના કાર્યકરોનું પડદા પાછળ રહીને થતુ યુધ્ધ છે. તેમ સમજાવ્યું છતાં હવે પોતે આનો કાયમી ઉકેલ લાવવા ગુનેગારોને પકડી દવા આપવાનું નકકી કરીને આ એસ.આર.પી. કેમ્પસના ટીવી કેબલ વાયરો કાપનાર જુથ વિરૂધ્ધ ગંભીર ફોજદારી ગુન્હો નોંધી આરોપીઓની તપાસ શરૂ કરી આરોપીઓ પણ સમજી ગયા કે ગંભીર ભૂલ થઈ ગઈ છે. આથી શહેર છોડી રફુચકકર થઈ ગયા. કેબલ વાયરો કપાતા તો બંધ થયા પણ એક સંસદ સભ્યનો ફોન જયદેવ ઉપર આ નાસેલા આરોપીઓની ભલામણ માટેનો આવ્યો. જયદેવે તો તેની પધ્ધતિથી સાંસદને સમજાવી દીધા કે આ કાર્યવાહી ‘બહુજન હિતાય બહુજન સુખાય છે’. આ આરોપીઓ એ માઝા મૂકી છે. ભોગવવું તો પડશે જ ! આથી આરોપી પક્ષ મુંઝાયો અને કેબલ વોર વધારે દોઢે ચઢી રાષ્ટ્રવાદી કાર્યકરોનું એક જુથ સહજ રીતે જયદેવથી નારાજ થાય જ અને તે થયું જયદેવે આ સમગ્ર બાબત પોલીસ કમિશ્નરને જણાવી અને કહ્યું કે આ વિવાદ લાંબો ચાલવાનો છે માટે વ્યાજબી હકિકત એ છે કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીજા કોઈની નિમણુંક કરી દેવી જોઈએ કેમકે પોતે પણ આવા સંઘર્ષ અને ઘર્ષણ કરી કરીને થાકયો છે. આથી કમિશ્નરે કહ્યું કે થોડો સમય રાહ જુઓ કોઈ નવા પીઆઈની રાજકોટમાં બદલી થશે તો તમારા પ્રશ્ર્નનનું નિરાકરણ કરી દઈશું.
આ કેબલનો ધંધો આર્થિક પ્રાપ્તીનું સરળ અને ઓછી મહેનતનું સાધન હોય દરેક ઓપરેટર પાછળ રાજકારણીઓનું પણ તેમાં પડદા પાછળ હીત હોવાથી જ આ કેબલ યુધ્ધ લાંબુ ચાલતુ હતુ. અને તેથી જ હથીયારો હેઠા મુકવાનું નામ લેતા ન હતા આથી આરોપી ઓપરેટરે એક કોર્પોરેટરની મદદ લઈ સાંઢીયા લાગ ‘ગોઠવ્યો. ગાંધીગ્રામ થાણામાં તો કાંઈ ખોટુ થઈ શકે તેમ નહતુ તેથી પડોશના પ્રધ્યુમનનગર થાણામાં ગોઠવણ કરીને ગાંધીગ્રામનાં હરીફ ઓપરેટર અને તેના ભત્રીજા વિરૂધ્ધ મારામારીનો ઉભો ખોટો કરેલો એક ગુન્હો કાંડા ઉપર જાતે ઈજા કરી હરીફોએ છરીથી ઈજા કર્યાનો ભારતીય દંડ સંહિતા કલમ ૩૨૪ ૧૧૪ મૂજબ ગુન્હો દાખલ કરાવી દીધો. હવે ભાગવાનો વારો આવ્યો ગાંધીગ્રામ થાણાના હરિફનો કેમકે હવે પ્રધ્યુમનનગર પોલીસ તેમની પાછળ પડી હતી. ધરપકડથી બચવાનો તેમને કોઈ ઉપાય હતો નહિ આખરે કંટાળીને તેમણે ફોન ઉપર જયદેવનો સંપર્ક કર્યો અને કહ્યું કે આ લોકો એ સાવ ખોટી જ એફ.આઈ.આર. આપેલ છે. અમે કયાંય ભેગા જ થયા નથી જે છરી મારનાર આરોપી જણાવેલ છે તે મારો ભત્રીજો તો હીમાચલ પ્રદેશમાં સીમલા ખાતે એન.સી.સી.ની તાલીમમાં દસેક દિવસથી ગયો છે. અને ત્યાંજ છે. આથી જયદેવે કહ્યું તમે જો સાચા હોત તો તમારો ભત્રીજો (આરોપી) સીમલા એન.સી.સી. ટ્રેનીંગમાં તેના કેમ્પસમાં જ હાજર છે.તેવું પ્રમાણપત્ર મંગાવીને પ્ર.નગર થાણામાં રજૂ કરી દો. (એલીબીનો પૂરાવો) આ પાર્ટી પણ પહોંચેલી માયા હતી તેમણે ટેલીફોનનો ઉપયોગ કરી ફેકસ મેસેજથી એન.સી.સી. અને કલેકટર સીમલા બંનેના પ્રમાણપત્રો કે એક આરોપી સીમલા ખાતે જ ટ્રેનીંગ કેમ્પમાં હોવાના પ્રમાણપત્રો મેળવીને પ્રધ્યુમનનગર પોલીસમાં રજૂ કરવા જતા ત્યાંની પોલીસે આવો નેગેટીવ એવીડન્સરૂપ પ્રમાણપત્રો, દસ્તાવેજો સ્વીકારવાની જ ના પાડી દીધી આથી આ પાર્ટીએ પાછો જયદેવનો સંપર્ક કર્યો અને કહ્યું કે સાહેબ આ પ્રમાણે પત્રો કોઈ સ્વીકારતું જ નથી આથી જયદેવે વિચાર્યું કે આવી રાજકીય સાઠમારીમાં પોતે શા માટે પડવું જોઈએ ? વળી પાછો વિચાર આવ્યો કે શ્રીમદ ભાગવતમાં સૌ પ્રથમ જ વેદ વ્યાસજીએ જણાવેલ છે કે સત્યમ, પરમ્ ધિમહી આથી સાચા પક્ષને યોગ્ય સલાહ આપવી જોઈએ. આમ વિચારીને જયદેવે તેને સલાહ આપી કે તમો આ તમને થતા અન્યાય અને ખોટી ફરિયાદના તમે મેળવેલ દસ્તાવેજી પૂરાવા સાથે પોલીસ કમિશ્નરને લેખીત અરજી કરો.
સામાન્ય રીતે બે પોલીસ સ્ટેશનો વચ્ચેના આવા વિવાદી મામલાની અરજી તપાસ મદદનીશ પોલીસ કમિશ્નરને જ સોંપાતી હોય છે. પરંતુ અરજી જોઈ અરજદાર ગાંધીગ્રામ થાણા વિસ્તારનાં રહીશ હોઈ આ અરજીની તપાસ જયદેવ પાસે જ આવી.
રાજકિય નિમણૂંકનું સુરસુરિયું
જયદેવે તો તેની પધ્ધતિએ ખોટા ઉભા કરેલા ગુન્હાની અરજીના કામે પક્ષકારોના વિગતે નિવેદનો નોંધી સહીઓ લીધી પ્રધ્યુમનનગર થાણાના ગુન્હાવાળી જણાવેલ જગ્યાએ જઈ ચતુર્સિમા વાળાના નિવેદનો નોંધતા કોઈ બનાવ બન્યા અંગે જાણતા જ ન હોય, સીમલાથી આવેલ એક આરોપીની ત્યાં હાજરી અંગેના પ્રમાણપત્રો સાથે બંને પોલીસ સ્ટેશનો ગાંધીગ્રામ અને પ્રધ્યુમન નગર નોંધાયેલ ગુન્હાઓની વિગતો વિગતવાર જણાવી અરજી તપાસના અહેવાલમાં જ એવું પ્રતિપાદન કર્યું કે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુન્હો દ્વેષ બુધ્ધીથી પીડાઈને પોતાના વિરૂધ્ધ અગાઉ ગાંધીગ્રામમાં નોંધાયેલા ગુન્હાનું વૈમનસ્ય રાખી સાવ ખોટી ફરિયાદ દાખલ કરાવેલ છે આ તેમની ફરિયાદમાં કોઈ તટસ્થ અને સ્વતંત્ર સાહેદો છે જ નહિ વિગેરે અને આ અહેવાલ પોલીસ કમિશ્નરને મોકલ્યો અને ન્યાય થયો પોલીસ કમિશ્નરે પ્રધ્યુમનનગર પીઆઈને તેમના મારામારીના ગુન્હાની બી સમરી (દ્વેષ બુધ્ધિથી ખોટી ફરિયાદ) માગવા કોર્ટમાં રીપોર્ટ કરવા હુકમ કરી દીધો અને સત્યનો વિજય થયો.
એ સહજ વાત છે કે રાજકારણીઓને આવા મનનું ધાર્યું કરવા વાળા અધિકારીઓ કઠતા જ હોય છે, ચૂંટણી વખતની નારાજગી તો હતી જ તેમાં આ થયું આથી અમુક કબાડીયા રાજકારણીઓએ એક કબાડીયા કોર્પોરેટરને સાથે લઈ પોલીસ કમિશ્નરને મળ્યા જયદેવની કહેવાતી જોહુકમીની રજૂઆતો કરી કમિશ્નરે તેમને સ્પષ્ટ રીતે કહ્યું કે પીઆઈ જયદેવઆમાં કાંઈ ખોટુ કરતો નથી. અને તે પોતે જ ગાંધીગ્રામ તો શું કોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા માગતો નથી તેણે રાજકોટમાં આવ્યો ત્યારે જ આ વાત મને જણાવી દીધી હતી છતા કોઈ નવા પીઆઈ બદલાઈને આવશે ત્યારે જયદેવની ઈચ્છા પ્રમાણે કરવાનું કહ્યું.
સાતેક મહિના પછી એક નવા પીઆઈ રાજય સરકારમાંથી જ સીધો હુકમ રાજકોટ શહેર ડીટેકટીવ ક્રાઈમ બ્રાંચ ડીસીબીનો લઈ હાજર થયા. પરંતુ આ ડીસીબી પીઆઈ તરીકે કમિશ્નરના જ પ્રિતીપાત્ર અને ખાસ એવા અધિકારી ચાલુ હતા. સીપી માટે ત્રણ વિકટ સમસ્યા ઉભી થઈ એક તો તેમના અંગત પીઆઈને ડીસીબીમાથી બદલવા ન હતા. નવા આવેલ પીઆઈતો રાજય સરકારના એકમંત્રીની સાળ પકડીને આવ્યા હતા તેનું શું કરવું? અને ત્રીજો સવાલ પીઆઈ જયદેવનો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નહિ રહેવાનો જે આક્રમક મૂડ હતો અને વળી કંટાળેલી વ્યક્તિ શું ન કરે? તેમ વિચારતા તેમને થયું કે હવે જો કોઈ રાજકીય વ્યકિત જયદેવની સાથે ખોટી રીતે ટકરાશે તો જયદેવ અવશ્ય પણે તેની વિરૂધ્ધ ગુન્હો દાખલ કરીને પાકો બંદોબસ્ત કરી દેશે અને તે પછી ખૂબ મોટી બબાલ ઉભી થશે જે છેક ગાંધીનગર સુધી પહોચશે આ ત્રણ પ્રશ્ર્નને લઈને તેઓ ખૂબ ગુંચવણમાં હતા.
દરમ્યાન એક દિવસ સાંજના જયદેવ પીસીબીની એક પાસા દરખાસ્ત ફાઈલ લઈને સીપીને મળ્યો આથી સીપીએ આ ઉભી થયેલી વિટંબણાની ચર્ચા જયદેવ સાથે જ કરી. આથી જયદેવે તૂર્ત જ તેનો રસ્તો બતાવ્યો કે તેમાં શું? મને જેમ બે હવાલા આપ્યા તેમ નવા બદલાઈને આવેલા પીઆઈને પણ એક હવાલો ગાંધીગ્રામનો આપો. ડીસીબીના બે વિભાગ પાડી જેમાં નવી સ્પેશ્યલ ક્રાઈમ બ્રાંચને ઈન્વેસ્ટીગેશન અને આઉટડોરની કામગીરી તથા બીજી ઈન્ડોર અને વહિવટી મુદામાલ એફ.એસ.એલ.માં મોકલવાનો વિગેરે કાર્યો ડીસીબી મુખ્ય શાખા કરે આથી જે ડીસીબી પીઆઈ ચાલુ છે તેમને સ્પેશ્યલ ક્રાઈમ બ્રાંચમાં મૂકી નવા આવેલા પીઆઈને ડીસીબી (ઈન્ડોર) અને ગાંધીગ્રામ થાણાનો હવાલો સોંપાયો આમાં જોકે જયદેવે પોતાનો ગાંધીગ્રામમાં છૂટકારો થાય તે ઈરાદો હતો તેથી આ સલાહ આપી સીપીને પણ આ યુકિત ગળે ઉતરી ગઈ અને અમલ કર્યો. કેમકે તેમના પસંદગીના પીઆઈને તો તેઓ ઈચ્છીત જગ્યાએ રાખી શકતા હતા અને રાજકીય વગવાળા ધંધે લાગતા હતા ! પરંતુ જયદેવને ગાંધીગ્રામને બદલે પીસીબી ઉપરાંત લાયસન્સ બ્રાંચનો પણ હવાલો આપ્યો એવું કારણ જણાવ્યું કે પીઆઈઓની ઘટ છે. તેથી વધારાનો ચાર્જ આપ્યો છે અને ધીમેથી પેલા કોમ્યુનીટી પોલીસીંગના કાર્યક્રમો પણ જયદેવે ચાલુ રાખવા જણાવ્યું જયદેવને થયું કે જો પોલીસ સ્ટેશનની બબાલમાંથી છૂટાતું હોય તો આ કાર્યક્રમો ભલે કરવા પડે.
કાર્યદક્ષતા અને દરજી, દરજીનો દિકરો જીવે ત્યાં સુધી સીવે
આમ જયદેવ પાસે બે ઘોડાની સવારી તો રહી જ પરંતુ સારી વાત એ હતી કે બંને ચાર્જ બ્રાન્ચોના હતા આ લાયસન્સ બ્રાંચનું કામ જીલ્લા કલેકટર કચેરીમાં જે મેજીસ્ટેરીયલ બ્રાંચ કરતી હોય છે. લગભગ તેવું જહોય છે. જે જીલ્લા કલેકટરને મેજીસ્ટેરીયલ પાવર જીલ્લામાં હોય તે સતા પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં પોલીસ કમિશ્નરને હોય છે. ખાસ તો જાહેર અશાંતી સમયે કફર્યું (સંચારબંધી) લાગુ કરવા અંગે ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૧૪૪ મુજબ ચારથી વધારે લોકોએ એકઠા થવા ઉપર પ્રતિબંધની સતા અને પોલીસ એકટ મુજબ મનોરંજન લાયસન્સો (સીનેમા, હોટલો, ગેસ્ટહાઉસો, થીએટરો વિગેરે) અને રસ્તાઓ એક માર્ગી વનવે કરવા વિગેરે ના હુકમો કરવાના હોય છે. આ ઉપરાંત હથીયારો (ફાયર આર્મ્સ) માટે ઈન્ડીયન આર્મ્સ એકટ તળે લાયસન્સો આપવા તેનું નિયમન કરવા તેમજ એકસ્પ્લોજીવ (વિસ્ફોટક) એકટ તળેના પેટ્રોલ પંપો, ગેસ સ્ટોરેજો અને વિસ્ફોટકો (ફટાકડા) ગનપાવડર, જિલેટીન વિગેરે ના લાયસન્સોની મંજૂરી અને પ્રતિબંધીત હુકમો કરવાની કાર્યવાહી આ લાયસન્સ શાખા દ્વારા કરવામાં આવતી હોય છે.
જયદેવને પોલીસ સ્ટેશનનાં હવાલામાંથી ઘણા લાંબા સમયે છૂટયાની રાહત જણાતી હતી કેમકે હવે લગભગ કામગીરી કલાક ૧૧ થી કલાક ૧૮ કે ૧૯ સુધીની રહેતી આ દરમ્યાન રાજય સરકારે ગુજરાત રાજય અમલમા આવ્યું ત્યાંથી આજદિન સુધીના પોલીસ (ગૃહવિભાગ)ખાતા માટે થયેલા ઘણા પરિપત્રો હવે આઉટ ઓફ ડેઈટ થઈ ગયા હતા કેટલાકમાં સુધારા વધારા કરવાની સરકારની ઈચ્છા હતી આથી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના એડીશ્નલ ડી.જી.ની મીટીંગમાં આ અંગે ચર્ચા થઈ હશે કે જૂના પરીપત્રો નો અભ્યાસ કરી ઉપયોગી બીન ઉપયોગી, સુધારવા યોગ્ય એ રીતેની નવેસરથી ફેરીસ્ત બનાવવાનું બીડુ તેમીટીંગમાં રાજકોટ સીપીએ ઉપાડેલું અને રાજકોટ આવી આ કામગીરીનો અમુક હિસ્સો જયદેવને સોંપાતા જયદેવે તેમને વિનંતી કરીકે આ કોમ્યુનીટી પોલીસીંગના કાર્યક્રમથી લોકલ પોલીસ કર્મચારીઓ નારાજ છે. આથી તેમાં જોઈએ તેવો તેમનો સહકાર મળતો નથી મારી અહિં બદલી થયા બાદ ગાંધીગ્રામ વિસ્તારમાં બે ત્રણ કાર્યક્રમો કર્યા પણ બરાબર જામ્યુ નહી. આથી હવે આ કોમ્યુનીટી પોલીસીંગની કામગીરી ગાંધીગ્રામ પીઆઈને જ સોંપવી અને આ નવી આપેલી પરિપત્રોની કામગીરી માટે બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ફોજદાર દેવદાન ડાંગરને મને મદદમાં આપો આ ફોજદાર ડાંગર જયદેવ ધોરાજી પોલીસ સ્ટેશનમાં અજમાયશી સમયે હતા ત્યાં રાયટર કોન્સ્ટેબલ હતા સીપીએ બંને માગણી ગ્રાહ્ય રાખતા જયદેવે ફોજદાર ડાંગર સાથે મળીને જૂના પરિપત્રોનો અભ્યાસ કરી ફેરિસ્તની કાર્યવાહી ચાલુ કરી દીધી. પીસીબી અને લાયસન્સ બ્રાંચની કામગીરી સાથે આ જૂના પરિપત્રોની ફેરીસ્તની કાર્યવાહી હજુ ચાલુ હતી ત્યાં દેશમાં નવો કાયદો અમલમાં આવ્યો તે ‘માહિતી અધિકારનો કાયદો ૨૦૦૫’ (આર.ટી.આઈ)ની તાત્કાલીક અમલવારી કરવાની હોય તેના માટે સમય મર્યાદા સહિતના માહિતી માટેની અરજી આવ્યા મોકલ્યા વિ. અંગેના રજીસ્ટરો, કમિશ્નર કચેરીનાં અલગ અલગ વિભાગો વાઈઝની માહિતી ખાસ તો પોલીસ ખાતામાં મુખ્ય કઈ કઈ માહિતી આ આરટીઆઈ એકટ કલમ ૮ (આઠ) મુજબ અરજદારોને આપવા ઉપર પ્રતિબંધ હતો. તેનો અભ્યાસ કરી સ્પેશ્યલ બ્રાંચ (કાયદો અને વ્યવસ્થા તથા ગુપ્તચર બાતમી તંત્ર) અને ચાલુ તપાસના ગુન્હાની માહિતી પ્રતિબંધીત હોય તે રીતે અલગ અલગ પોલીસ વિભાગ અને સીવીલ વહીવટી વિભાગમાં કાર્યવાહી ચાલુ કરાવી, પરંતુ બીજી બાજુ પેલા એકસરસ, સુંદર અને લોકોપયોગી અને જનતા પોલીસ વચ્ચેના સમન્વય જેવા કાર્યક્રમ ‘કોમ્યુનીટી પોલીસીંગ’નું રાજકોટમાં તો બાળમરણ થઈ ગયું. અગાઉ ગુજરાત રાજયમા સાર્વત્રિક રૂપે ગોધરાકાંડ અન્વયે થયેલ કોમી તોફાનોના દરેક ગુન્હાની ફેર તપાસ એક ખાસ તપાસ ટીમ (સીટ) દ્વારા કરવા સુપ્રિમ કોર્ટે આદેશ કરતા રાજકોટ શહેરમાં આ તોફાનો દરમ્યાન બનેલ ૧૯૦ જેટલા કોમી ગુન્હાઓની ફેર તપાસ માટે જે ત્રણ અધિકારીઓની રચના રાજકોટ રેન્જના પોલીસ વડાએ કરી તેમાં લઘુમતી કોમનાં પ્રતિનિધિ તરીકે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કશિરી રાજકોટ શહેર સ્પેશ્યલ બ્રાંચના પીઆઈ ચાવડા સાથે જયદેવને પણ સભ્ય તરીકે સમાવેશ કર્યો. અને થોડા દિવસમાંજ પોલીસ કમિશ્નરે આ તપાસની સીટના નોડલ અધિકારી તરીકે જયદેવને વધારાની જવાબદારી સોંપી સીટનું નેતૃત્વ સોંપી ને જણાવ્યું કે આ તમામ ૧૯૦ જેટલા ગુન્હાઓની ફેર તપાસ કરવા માટે પ્રથમ તમામ ગુન્હાવાળી જગ્યાઓની મુલાકાત લેવી બાદ સાહેદોને ફેર તપાસવા. હવે આ ૧૯૦ જેટલા નોંધાયેલા ગુન્હાઓ પૈકી લગભગ તમામમાં જગ્યાઓ એક કરતા વધારે હતી કોઈ ગુન્હામાં તો જગ્યા ૧૫થી ૨૦ની થઈ જતી તો કોઈ ગુન્હાતો આખો પોલીસ સ્ટેશન વિસ્તાર આવી જતો હતો તમામ સાહેદો ઉપરાંત પંચોને પણ તપાસવાના હતા આ કાર્ય નાનુ કે સહેલું તો ન જ હતુ. ખૂબ લાંબો સમય માંગી લે તેમ હતુ. સીટના અન્ય સભ્યોએ જયદેવને જણાવી દીધું કે તમે જે કરો તે શિરોમાન્ય અને ફાયનલ અને જરૂર પડયે સહીઓ કરી આપીશું. જયદેવે કહ્યું એમ ન ચાલે ગુન્હાવાળી જગ્યાઓ જોવાતો આવવું જ પડે. લગભગ બે ત્રણ મહિના તો આ કોમી ગુન્હાઓનાં બનાવવાળી જગ્યાઓ જોતા તપાસતા જ થયા કેમકે અન્ય પીસીબી, લાયસન્સ બ્રાંચની કામગીરી ઉપરાંત કોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ બેચાર દિવસ (કયારેક તો એક મહિનો પણ) રજા ઉપર જતા તો તેનો વધારાનો ચાર્જ પણ જયદેવ પાસે જ આવતો તેમ છતા જયદેવ કોઈ સારી પરિસ્થિતિ ઉભી થાય અને શાંતિ અને નિરાંતનો અહેસાસ થાય તેની રાહમાં હતો.
આ દરમ્યાન રાજકોટના પોલીસ કમિશ્નરની બદલી થઈ અને નવા પોલીસ કમિશ્નર રાજકોટ ખાતે હાજર થયા. (ક્રમશ:)