ગ્રાન્ટેડ કોલેજો પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં જોડાશે તો સરકારી યુનિવર્સિટીઓ કેમ ચાલશે ?: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હાલ 232 કોલેજોમાંથી 22 ગર્વમેન્ટ કોલેજ, 50 ગ્રાન્ટ ઈન એડ કોલેજ અને 160 સેલ્ફ ફાઈનાન્સ કોલેજો છે, જો 50 જેટલી ગ્રાન્ટ ઈન એડ કોલેજો પ્રાઈવેટ યુનિવર્સિટી સાથે જોડાશે તો 200 કરતા પણ ઓછી કોલેજો જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે રહેશે !
રાજ્યમાં સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં જોડાવાની મંજૂરી આપ્યા બાદ ધીમે ધીમે હવે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓની સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજો અન્ય પ્રાઈવેટ યુનિવર્સિટીઓ સાથે જોડાઈ છે. એક તો એમ પણ સરકારી યુનિવર્સિટીઓની દુર્દશા છે ત્યારે હવે જો ગ્રાન્ટ ઈન એડ કોલેજો જો સરકારી યુનિવર્સિટી પાસેથી છીનવાઈ જશે તો યુનિવર્સિટીઓની શું દશા થશે ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો હાલ 232 કોલેજોમાંથી 50 જેટલી ગ્રાન્ટ ઈન એડ કોલેજ છે ત્યારે 22 જેટલી સરકારી અને 160 જેટલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજો જોડાયેલી છે અને હવે જો આ 50 ગ્રાન્ટ એડ કોલેજ અન્ય પ્રાઈવેટ યુનિવર્સિટી સાથે જોડાશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે માત્ર 180 કોલેજો જ વધશે. એટલે હવે રમતના મેદાનની દુર્દશાની જેમ સંલગ્ન કોલેજો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુમાવશે કે કેમ ? બીજીબાજુ ઓલ્પમિક લેવલે ભારતના ખેલાડીઓ મેડલ લઈને આવે છે અને દેશનું ગૌરવ વધારે છે ત્યારે દેશમાં બેઝિક લેવલે જોવા જઈએ તો સ્પોર્ટ્સની હાલત ઘણી જગ્યાએ કથળતી જોવા મળી રહી છે.
ક્રિકેટ, ફૂટબોલ, કબડી અને હોકી સહિતના મેદાનોમાં મસમોટા ઘાસ ઊગી નીકળતા રમતવીરો પરેશાન: તાકીદે ગ્રાઉન્ડમેનની નિમણુંક કરવા માંગ ઉઠી
માટી નાખવામાં અને રંગરોગાનમાં લાખો રૂપિયા બગાડતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરોડોના ખર્ચે ખડકેલા ગ્રાઉન્ડની જાળવણીમાં તદ્દન નિષ્ફળ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના તમામ રમત ગમતના મેદાનો તો છે પણ ખાસ ગ્રાઉન્ડમેનના અભાવે ગ્રાઉન્ડનું એકપણ પ્રકારનું મેન્ટેન્સ થતું નથી જેને લઇ આ કરોડોના ખર્ચે બનેલા મેદાનો ઉજ્જડ બની ગયા છે. આમ ક્યાંથી રમે ગુજરાત અને ક્યાંથી જીતે ગુજરાત!? અને હવે ગ્રાઉન્ડની જેમ જ સરકારી યુનિવર્સિટીની દુર્દશા બની જશે ?
ઉલ્લેખનીય છે કે, ખાનગી યુનિવર્સિટી એકટ 2009માં ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં જોડાવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ જોગવાઈનો લાભ લઈને સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી અંદાજે 8 જેટલી ગ્રાન્ટેડ કોલેજો પ્રાઈવેટ યુનિવર્સિટીમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. જો કે હજુ સુધી બીજી કોઈ અન્ય યુનિવર્સિટી સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજોએ આવી કોઈ જાહેરાત કરી નથી. પરંતુ જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 50 જેટલી ગ્રાન્ટેડ કોલેજો પ્રાઈવેટ યુનિવર્સિટીમાં જોડાશે તો યુનિવર્સિટી કઈ રીતે ચાલશે.
પાંચ વર્ષ પહેલા જ જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અડધો અડધ કોલેજો જૂનાગઢ યુનિવર્સિટી સાથે જોડાઈ ગઈ હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફક્ત 232 જેટલી જ કોલેજો વધી હતી તેમાં પણ હવે ગ્રાન્ટેડ કોલેજો અન્ય પ્રાઈવેટ યુનિવર્સિટી સાથે જોડાવાની જાહેરાત કરે તે લગભગ નક્કી છે. જો આવું થાય તો સરકારી યુનિવર્સિટીની હાલત ખુબજ કફોડી બની જાય તેમ છે. સૌરાષ્ટ્રમાં એમપણ છેલ્લા બે વર્ષમાં અનેક ખાનગી યુનિવર્સિટીઓ ઉભી થઈ છે ત્યારે સરકારી યુનિવર્સિટીઓનું જોર પહેલા કરતા ઘણું ઘટી ગયું છે. આ માટે એનએસયુઆઈ સહિતના સંઘો પણ મેદાને આવ્યા છે અને ગ્રાન્ટેડ કોલેજોને સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલી રહેવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનની સ્થિતિમાં ગ્રાઉન્ડનો યોગ્ય ઉપયોગ તો નથી થયો પરંતુ જળવણીના નામે પણ મીંડું જ દેખાય છે. જો કે યુનિવર્સિટીમાં રમત ગમત સિવાય પણ લોકરક્ષક દળની પરીક્ષાની ત્યારી કરવા માટે ઉમેદવારો આવતા હોય છે.ત્યારે મેદાનોમાં એક-એક ફૂટના ઘાસ ઊગી નીકળા છે જેને લઇ ઘણી રમતો છે જે તદ્દન બંધ હાલતમાં છે. જે ઉમેદવારો પરિક્ષાની ત્યારી કરવા માટે આવે છે તેમને પણ ભારે હાલાકી થઈ રહી છે.
યુનિવર્સિટીમાં ફૂટબોલ, હોકી, કબડી, ક્રિકેટ સહિતના ગ્રાઉન્ડ બનાવવા પાછળ કરોડોનો ખર્ચો કર્યા બાદ તેનો સદઉપયોગ થતો નથી. ફૂટબોલ, વોલીબોલ, ક્રિકેટ અને કબડી સહિતના અન્ય મેદાનોમાં મસમોટા ઘાસ ઊગી નીકળતા ત્યાં હવે રમવું શક્ય જ નથી. આ સિવાય યોગ્ય જાણવણી ના થતી હોય મેદાનો ઉજ્જડ થઈ ગયા છે.
આમ તો યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ યુનિવર્સિટીમાં માટી કૌંભાંડ વિશે ભારે ચર્ચા જાગી હતી. માટી નાખવામાં લાખો રૂપિયા બગાડતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરોડોના ખર્ચે ત્યાર કરેલા ગ્રાઉન્ડની જાળવણીમાં કાઈ જ ના કરતી હોય ત્યારે રમતવીરો અને ખેલાડીઓની દ્વારા તાકીદે યુનિવર્સિટીમાં ગ્રાઉન્ડમેનની નિમણુંક કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરી રહયા છે.
ભારતીય ટિમ ઓલમ્પિકમાં અવ્વલ પણ સૌરાષ્ટ્રમાં રમત-ગમત ક્ષેત્રે કંગાળ
હાલમાં જ ટોક્યો ખાતે ઓલમ્પિક ગેમ્સ ચાલી રહી છે જેમાં ઘણા ખેલાડીઓ દેશ માટે મેડલ લઈ આવ્યા છે. જો કે સૌરાષ્ટ્રમાં લોકલ લેવલે રમત ગમત ક્ષેત્રે ઘણું પાછળ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમામ મેદાનો આંતરરાષ્ટ્રીય કક્ષાના હોય પરંતુ મોટાભાગની રમતોમાં કોચ જ ના હોય જેથી આવી રમતોને પ્રોત્સાહન મળતું જ નથી.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોકી, કબડી, ફૂટબોલ, હેન્ડ બોલ અને શુટીંગ રેન્જ સહિતની રમતોમાં કોઈ કોચની નિમણુંક જ કરવામાં આવી નથી. જેને લઈ લોકલ લેવલે ખેલાડીઓને કોઈ કોચિંગ ના મળતું હોય , સૌરાષ્ટ્ર આ તમામ રમતોમાં પાછળ ધકેલાઈ રહ્યું છે. એકબાજુ ઓલિમ્પિકમાં ખેલાડીઓ દેશને ગૌરવ અપાવી રહ્યા છે ત્યારે યુનિવર્સિટીમાં ગ્રાઉન્ડ સહિતની તમામ સુવિધાઓ છતાં મોટાભાગની રમતોમાં સૌરાષ્ટ્રમાં જીરો સમાન સાબિત થઈ રહી છે.
બે થી ત્રણ અઠવાડિયામાં તમામ ગ્રાઉન્ડનું મેઈન્ટેન્સ થઈ જશે: ડો.જતીન સોની
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો.જતીન સોનીએ “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડમેનની નિમણુંક બાબતે રજુઆત મુકાઈ ગઈ છે. ટુક સમયમાં ભરતી કરવામાં આવશે અને હાલમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘાસ કાપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવતા દિવસોમાં લગભગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ગ્રાઉન્ડને મેન્ટેન્સ કરી દેવામાં આવશે અને ફરી પાછા તમામ ગ્રાઉન્ડ જીવંત કરવામાં આવશે.