વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની લોકશાહી આમ તો હવે પરિપક્વ ગણાય છે. પરંતુ વર્તમાન શાસક પક્ષ ભાજપ રાજકીય રીતે ભલે નવાંગતુક પક્ષની ગણતરીમાં આવતો હોય પરંતુ પરિવર્તનની પરિભાષા સાચી અને સારી રીતે સમજી ભાજપ અત્યારે સમયના તકાજાને સમજીને જરૂરી ફેરફાર અપનાવવામાં રાજકીય મંચ પર સૌથી વધુ પરિપક્વ સાબીત થઈ રહી છે. નવા પ્રયોગો બધે જ થતાં હોય છે પરંતુ પ્રયોગોના સકારાત્મક પરિણામો મેળવવાને જ સાચી સફળતા માનવામાં આવે છે.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના માહોલમાં ભાજપે આ વખતે યુવાનોને પ્રમોટ કરવાનો નવો પ્રયોગ અમલમાં મુક્યો છે. સામાન્ય રીતે રાજકારણમાં વીનીંગ એબીલીટી, અનુભવ અને મત મેળવવાની ક્ષમતાના પરિમાણોને ધ્યાનમાં લઈને ટિકિટોની ફાળવણી કરવામાં અત્યાર સુધી ગણાતું ‘શાણપણ’ ભાજપના આ નવા પ્રયોગથી ‘આઉટ ઓફ ડેટેડ’ બની ગયું છે. યુવાનોને પ્રમોટ કરવાના ભાજપના આ નવા મોટીવેશ્નલ એકસપેરીમેટ એટલે કે પરિવર્તનશીલ પ્રયોગોમાં યુવાનો અને નવા ચહેરાઓને રાજકારણમાં લાવવાનો એક રોડમેપ તૈયાર કર્યો છે. ભાજપના આ યંગ ઈન્ડિયાના અભિગમથી યુવા વર્ગને રાજકારણમાં આવવા માટે પ્રોત્સાહન મળશે. જેવી રીતે ટીમ ઈન્ડિયામાં નવોદિતોએ ભારતને વૈશ્ર્વિકસ્તરે સક્ષમ પુરવાર કર્યું તેવી રીતે ભાજપના ઉમેદવારો તરીકે નવોદિતોને તક આપવાના અભિગમથી ઘણા ફેરફારોની સંભાવનાઓ ઉભી થઈ છે. ૬૦ વર્ષથી ઉપરના ઉમેદવારોને નિવૃતિની સાથે સાથે સંગઠનમાં હોદ્દો ધરાવતા અગ્રણીના પરિવારમાંથી પણ કોઈને ટિકિટ ન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભાજપની આ વિચારધારા સંપૂર્ણપણે યુવાઓને આગળ કરનારી બની રહેશે.
યંગ ઈન્ડિયાના ક્ધસેપ્ટને જોડતા આ અભિગમથી ભારતની યુવા પેઢી રાજકારણ અને દેશ સેવામાં આગળ આવવા માટે વિચારતી થઈ જશે. વહીવટી તંત્ર અને રાજકીય ક્ષેત્રે યુવા વર્ગને આકર્ષીત કરવું અત્યારે આવશ્યક બન્યું છે. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાં યુવાનોને તક આપવાના ભાજપના આ અભિગમની પણ કસોટી થઈ જશે અને હિટમસ્ટ ટેસ્ટ જેવા નવોદિતોને તક આપવાના અભિગમને પ્રજાનો કેવો પ્રતિસાદ મળે છે તે નક્કી થઈ જશે. આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપનો યંગ ઈન્ડિયાનો આ પ્રયોગ સંપૂર્ણપણે રાજકીય અને સામાજીક રીતે ચકાસાઈ જશે.
ભારત સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે. નેતાગીરીમાં પણ યુવા વર્ગને બેસાડવામાં આવે તો શાસન અને પ્રજાના વિચારોમાં સારી રીતે તાલમેલ મળી છે. ભારતના રાજકારણમાં અત્યાર સુધી સિનીયોરીટીને પ્રાયોરીટી આપવાનું ચલણ રહ્યું છે ત્યારે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને ચૂંટણીઓમાં ત્રણ વખતથી સતત જીતતા આગેવાનોને ઉમેદવારી ન નોંધાવવા, ૬૦ વર્ષથી ઉપરનાને નિવૃત કરી દેવા અને સંગઠનમાં હોદો ધરાવનારના પરિવારમાંથી પણ કોઈને ટિકિટ ન આપવાના જાહેર કરેલા નિર્ણયથી રાજકારણ પ્રત્યે અત્યાર સુધી પ્રજામાં રહેલી કેટલીક માન્યતાઓ રાજકીય પક્ષોની વિચારસરણી અને સગાવાદ જેવા નકારાત્મક પરિબળોનો ભાજપની આ નવી વિચારસરણીથી એક જ ઝાટકે નિવેડો આવી જશે. ભાજપની આ નવી વિચારધારાની અમલવારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં ચકાસણીની એરણ પર ચકાસાઈ જશે. ભાજપની આ નવી વિચારસરણી જો ખરી ઉતરશે તો દેશના રાજકારણમાં એક નવો યુગ શરૂ થશે.