ના, ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે… કરના થા ઈન્કાર મગર ઈકરાર કર બેઠે…. આ ફિલ્મી ગીત ભારતમાં ડિજિટલ કરન્સીના મુદ્દા પર સંપૂર્ણપણે બંધ બેસી રહ્યું છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં ડિજિટલ કરન્સીને અમલી બનાવવા મુદ્દે કોઈ ખાસ પ્રતિભાવ ન આપી મનાઈ જ ફરમાવવામાં આવતી હતી. પરંતુ હાલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારત દેશની પણ પોતાની ડિજિટલ કરન્સી હોય તે પર ભાર મૂકી રહી છે. એટલું જ નહીં આગામી 15મી ઓગસ્ટ એટલે કે આપણા આઝાદીના દિવસથી ક્રિપ્ટો કરન્સીને પણ દેશમાં “આઝાદી” મળવાના સ્પષ્ટ એંધાણ છે.

ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે…

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ડિજિટલ કરન્સીને માન્યતા આપવી અનિવાર્ય પણ વિપરીત પરિણામોને અવગણી પણ ન શકાય તેવી સ્થિતિ

યુનાઇટેડ કિંગ્ડમની કેશા ભારતમાં ક્રિપ્ટો કરન્સી બેંક ખોલશે : સેવિંગ્સ, લેન્ડિંગ અને ટ્રેડિંગની સેવાઓ આપશે

આ વર્ષે આપણો દેશ આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યો છે. આ સાથે, રોકાણકારોને પણ નવી આઝાદી મળવા જઈ રહી છે. યુનાઈટેડ કિંગડમની ક્રીપ્ટોકરન્સી બેંક કેશાએ કહ્યું છે કે તે 15 ઓગસ્ટ સુધીમાં ભારતમાં ક્રીપ્ટોકરન્સીને લઈ પોતાની આર્થિક ગતિવિધિઓ શરૂ કરશે. તે ક્રિપ્ટોકરન્સીમાં ઋઉ- ફિક્સડ ડિપોઝિટ અથવા છઉ-રીકરીંગ ડિપોઝીટમાં રોકાણ કરવાની તક આપશે. સેવિંગ, ટ્રેડિંગની અને લેન્ડિંગની પણ સેવાઓ પ્રદાન કરશે. ભારતમાં 15મી ઓગસ્ટથી ક્રીપ્ટો કરન્સીના આઝાદીના શ્વાસ ભારત માટે કેવા પરિણામો લાવશે..?? એ પર વિચાર કરવો ખૂબ જરૂરી છે. કારણ કે આ પ્રકારનો ભારતનો ડિજિટલ કરન્સી તરફનો રૂખ સારાં નરસા એમ બંને પરિણામો નોતરી શકે છે.

આજના 21મી સદીના આધુનિક યુગમાં દરેક સેવાઓ ડિજિટલ બનતી થઈ છે. ઓનલાઇન પેમેન્ટ માધ્યમ દ્વારા ચુકવણા તો ડિજિટલ બન્યા છે પણ આ સાથે હવે ચલણ જ ડિજિટલ બને એટલે કે ફિઝિકલ કરન્સીની જગ્યા હવે ડિજિટલ કરન્સી લેશે. વિશ્વના ઘણા ખરા દેશોમાં ડિજિટલ કરન્સી મારફત વેપાર-ધંધા થાય છે પરંતુ ભારતમાં હજુ ડિજિટલ કરન્સીને કાયદાકીય સ્વરૂપ અપાયું નથી. આ પાછળ મજબૂત સાયબર સુરક્ષાનો અભાવ સહિતના પરિબળો જવાબદાર છે.

પરંતુ હવે ના ના… કરવા છતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ક્રીપ્ટો કરન્સીને કાયદાકીય સ્વરૂપ આપવાની કવાયત તેજ કરી દેવાઈ છે. આના હકારાત્મક કરતા ઘણાં નકારાત્મક પરિણામ છે પરંતુ તેમ છતાં આજની જરૂરિયાતને જોઈ ડિજિટલ કરન્સી અમલી બનાવવી અનિવાર્ય પણ છે. ક્રિપ્ટોકરન્સી તરફનો ક્રેઝ ઘણાં પડકારો નોતરશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચલણનું ચુકવણું કરવું ભારે પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોદાઓના વિખવાદ સુલજાવવા ભારે પડશે. આ રીતનો ક્રીપ્ટો કરન્સી તરફનો ઝુકાવ આર્થિક રીતે ત્રીજું વિશ્વયુદ્ધ નોતરે તો પણ નવાઈ નહીં.

બિટકોઇનના ભાવમાં 10 દિવસમાં 30%નો ઉછાળો

હાલ ઈક્વિટી રોકાણકારો નબળા બજાર સેન્ટિમેન્ટથી ચિંતામય બન્યા છે. ત્યારે ડિજિટલ કરન્સીમાં રોકાણકારોને બખ્ખાં થયા છે. ક્રિપ્ટોકરન્સી રોકાણકારો મલામાલ ડિજિટલ ટોકન માર્કેટમાં તાજેતરની તેજીને કારણે થયા છે.  છેલ્લા 10 દિવસના ગાળામાં બિટકોઇનમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે.

બુધવારના રોજ  40,000એ પહોંચ્યા બાદ હવે આગામી ટૂંક સમયમાં 50,000થી દોઢ લાખ ડોલરની સપાટી સુધી પહોંચે તેવી તીવ્ર સંભાવના છે. વિશ્લેષકોએ બિટકોઇન અને અન્ય ડિજિટલ ટોક્ધસ પર વિવિધ અભિપ્રાય આપ્યા છે. તેમણે રોકાણકારોને ચેતવ્યા છે. મુદ્રેક્સના સીઈઓ અને સહ-સ્થાપક એદુલ પટેલે ક્રિપ્ટો રોકાણકારોને નાણાકીય બજારોમાં લોભ અને ડરને અલગ પાડવામાં સમજદાર રહેવાની સલાહ આપી છે.

કેશા ક્રિપ્ટો કરન્સીની કેવી સેવા આપશે ? કેટલું વળતર મળશે ?

યુનાઈટેડ કિંગડમની કંપની ભારતમાં આગામી 15મી ઓગસ્ટ સુધીમાં ક્રીપ્ટો કરન્સીને લઈ આર્થિક વ્યવહારો શરૂ કરવા જઈ રહી છે. જેમાં તે બેંકની જેમ જ લોકોને સેવિંગસ, લોન અને વેપાર સેવાઓ પ્રદાન કરશે. વપરાશકર્તાઓને એફડી અને આરડીની સુવિધા આપશે. આના પર તમને નિશ્ચિત વળતર પણ મળશે. દરરોજ 0.04 ટકાના વ્યાજે લોન મળી શકશે.તેમજ અલગ-અલગ પ્રોડક્ટ માટે વાર્ષિક 4 ટકાથી લઇને 9.67 ટકા સુધીનું વ્યાજ ચૂકવાશે.

યુનિકાસના મેનેજિંગ પાર્ટનર અને સીઈઓ દિનેશ કુકરેજાએ કહ્યું કે નાના રોકાણકારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, કેશા તેના વપરાશકર્તાઓને આરડી સુવિધા આપશે. ગ્રાહકો દૈનિક ધોરણે જ્યારે ઇચ્છે ત્યારે રોકાણ કરી શકશે. જો તેઓ ઈચ્છતા હોય તો 1000 રૂપિયા જેવી નજીવી રકમથી પણ ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કરી શકે છે. કેશા વિશેની ખાસ વાત એ હશે કે તેની પોતાની શાખા હશે જ્યાં કોઈ પણ ગ્રાહક બેંકની જેમ જઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.