રાજીવ ગાંધીના હત્યારા પેરારીવલનને મુક્તિ મળતા તામિલનાડુના મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી, ગળે લાગીને અભિનંદન પણ પાઠવ્યા
દિવંગત વડાપ્રધાનના હત્યારાને રાજ્ય સરકાર શિરોપાઉ આપશે તો દેશનું ભવિષ્ય શુ ? આ સો મણનો સવાલ ઉઠી રહ્યો છે. રાજીવ ગાંધીના હત્યારા પેરારીવલનને મુક્તિ મળતા તામિલનાડુના મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી સાથોસાથ તેને ગળે લાગીને અભિનંદન પણ પાઠવ્યા હતા.
એ.જી. પેરારીવલનને સુપ્રીમ કોર્ટમાંથી મુક્ત કર્યા બાદ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું એટલું જ નહીં પરંતુ ખુશી પણ વ્યક્ત કરી. એજી પેરારીવલન ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોમાંના એક છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તેમની માતા અર્પુથમલને ફોન કરીને એજી પેરારીવલનની મુક્તિ પર ખુશી વ્યક્ત કરી હતી. બીજી તરફ તેનો પરિવાર અને તે સીએમને મળવા આવ્યા હતા. આ પ્રસંગે બોલતા સીએમ સ્ટાલિને કહ્યું, એજી પેરારીવલનની મુક્તિ આવકાર્ય છે. તેણે 30 વર્ષથી વધુ જેલમાં ગુમાવ્યા અને હવે તે આઝાદીની હવામાં શ્વાસ લેશે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.” વધુમાં હત્યાના કેસમાં મુક્તિ મેળવેલ પેરારીવલનને મુખ્યમંત્રી ગળે પણ ભેટ્યા હતા.
દેશના વડાપ્રધાનનું પદ એક ગરિમાભર્યું પદ છે. આ પદ પર બેઠેલા રાજીવ ગાંધીની ભૂતકાળમાં ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના જ સમગ્ર દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ ગણી શકાય. અધૂરામાં પૂરું આ હત્યામાં સંડોવાયેલા આરોપીને એક રાજ્યના મુખ્યમંત્રી ગળે લગાવે તે કેટલું વ્યાજબી છે? આવી ચર્ચાએ જોર પકડ્યું છે.
નિવૃત જજે તેમને ફાંસીની સજા આપી, તે જ સુપ્રીમ તરફથી મુક્તિ મળતા ખુશ !!!
જ્યારે રાજીવ ગાંધીના હત્યારાની મુક્તિના સમાચાર કેરળના કોટ્ટયમ પહોંચ્યા ત્યારે નિવૃત જસ્ટિસ થોમસે કહ્યું કે જો તેઓ કોટ્ટયમ આવે તો તેઓ પેરારીવલનને મળવા માંગશે. જ્યારે પણ તે કોટ્ટાયમ આવે ત્યારે હું તેને મળવા માંગુ છું. મેં જ તેને મૃત્યુદંડની સજા સંભળાવી… હું ઈચ્છું છું કે તે લગ્ન કરે અને સુખી જીવન જીવે… ઘણું મોડું થઈ ગયું છે. તેને માત્ર માતા-પિતાનો પ્રેમ મળ્યો છે. પરિવારમાં ખુશીનો પાર નહોતો.
તેમણે પેરારીવલનની માતા અરુપુથમલની પ્રશંસા કરી, જેમણે તેમના પુત્રની મુક્તિ માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી. તમિલમાં ’અરુપથમ’ નો અર્થ થાય છે ‘જાદુ’ અને અમ્મલ એ વૃદ્ધ મહિલા, ખાસ કરીને માતા માટે આદરણીય શબ્દ છે. પેરારીવલન તેની મુક્તિનો શ્રેય માતાના બલિદાન અને તેના અથાક પ્રયત્નોને આપે છે. પેરારીવલને કહ્યું, તેણે અપમાન સહન કર્યું છે, તેણે સહન કર્યું છે. આટલું બધું હોવા છતાં, તેણી મારા માટે 30 વર્ષ સુધી સતત લડતી રહી.
બોમ્બ વિસ્ફોટમાં મદદ કરવી એ આંતકવાદથી ઓછું નથી
સમગ્ર પ્રકરણમાં બોમ્બ એક્સપર્ટ એરિવુએ બોમ્બને ટ્રિગર કરવા માટે 9 એમએમની બેટરી લગાવી હતી જે મહિલાની કમરની આસપાસ બાંધવાનો હતો. ષડયંત્રના મુખ્ય સૂત્રધાર શિવરાસને એજી પેરારીવલનને બેટરી ગોઠવવાનું કામ સોંપ્યું હતું. શિવરાસનના ઓર્ડરને પૂરો કરીને, એજી પેરારીવલને બજારમાંથી 9 એમએમની બેટરી ખરીદી અને પોતે શિવરાસનને પહોંચાડી. આ જ બેટરીનો ઉપયોગ કરીને, ધનુલે 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરી હતી. સીબીઆઈની એસઆઈટીએ દાવો કર્યો હતો કે એજી પેરારીવલન આ કેસના માસ્ટરમાઇન્ડ શિવરાસનના સતત સંપર્કમાં હતા.
કોંગ્રેસે પૂર્વ પીએમના હત્યારને છોડી મુકવાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાના દોષિત એજી પેરારીવલનને મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કોંગ્રેસે તેના માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી છે. કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાને મુક્ત કર્યા હોવાથી કરોડો ભારતીયોની આત્માને ઠેસ પહોંચી છે.
મોદી સરકાર અને ભાજપ પર પ્રહાર કરતા સુરજેવાલાએ કહ્યું કે આ માટે મોદી સરકાર સીધી રીતે જવાબદાર છે. ઘટનાક્રમનું વર્ણન કરતાં કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે 9 સપ્ટેમ્બર, 2018ના રોજ તમિલનાડુની તત્કાલીન એઆઈએડીએમકે -બીજેપી સરકારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને ભલામણ મોકલી હતી કે રાજીવ ગાંધીના સાત હત્યારાઓને મુક્ત કરવામાં આવે. રાજ્યપાલે નિર્ણય લીધા વિના મામલો રાષ્ટ્રપતિને મોકલી દીધો. પ્રમુખે પણ કોઈ નિર્ણય લીધો ન હતો. નિર્ણય લેવામાં આટલા વિલંબને જોતા સુપ્રીમ કોર્ટે એક હત્યારાને મુક્ત કર્યો. સ્વાભાવિક રીતે બાકીના હત્યારાઓ પણ છૂટી જશે.
તામિલનાડુ કેબિનેટે મુક્તિની માંગ સાથેનો ઠરાવ પાસ કર્યો, પણ રાજ્યપાલે મંજુર કરવાને બદલે રાષ્ટ્રપતિને મોકલી દીધો
આ કેસમાં કોર્ટે પેરારીવલન, મુરુગન, સંથન અને નલિનીને મોતની સજા સંભળાવી હતી. બંધારણીય પ્રક્રિયા હેઠળ, ચારેય દોષિતોએ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ 11 વર્ષ સુધી કોઈ નિર્ણય લીધો ન હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 18 ફેબ્રુઆરી 2014ના રોજ ચારેય દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. આજીવન કેદમાં ઓછામાં ઓછી 14 વર્ષની જેલની સજા થાય છે. જ્યારે આ દોષિતોની જેલની મુદત 30 વર્ષની થઈ ત્યારે તમિલનાડુ સરકારે તેમની મુક્તિની માંગ કરી હતી. વર્તમાન એમ.કે. સ્ટાલિન સરકારની કેબિનેટે પણ આ સંબંધમાં એક ઠરાવ પસાર કરીને તેની મંજૂરી માટે રાજ્યપાલને મોકલ્યો હતો. પરંતુ રાજ્યપાલે તે પ્રસ્તાવ રાષ્ટ્રપતિ સુધી લંબાવ્યો.
અહીં જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે આ સંદર્ભમાં રાષ્ટ્રપતિ પાસે તમિલનાડુ કેબિનેટનો પ્રસ્તાવ છે અને હવે તેના પર અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ જ લઈ શકે છે કારણ કે તેઓ કાયદાકીય રીતે નિર્ણય લેવા માટે સક્ષમ છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો એક સપ્તાહમાં રાષ્ટ્રપતિનો નિર્ણય નહીં મળે તો તે પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપવા માટે બંધારણની કલમ 142 હેઠળ આપવામાં આવેલા વિશેષાધિકારોનો ઉપયોગ કરશે. સુપ્રીમ કોર્ટે આપેલી મુદત પૂરી થયા બાદ તેણે જે કહ્યું હતું તે કર્યું.